આજથી કોંગ્રેસના વિવિધ સમાજના આગેવાનોની બે દિવસીય બેઠક

ગાંધીનગર : કોંગ્રેસ પક્ષ દ્વારા આવતી કાલથી બે દિવસ એસટી, એસસી, ઓબીસી અને માઈનોરિટી સમાજના આગેવાનો સાથે પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી અને વિધાનસભા વિરોધપક્ષના નેતા શંકરસિંહ વાઘેલા બેઠકનું આયોજન કરાયું છે. જેમાં આ સમાજના વિવિધ પ્રશ્નો અને તેમના સમાજ અંગેની સરકારી યોજનાઓ અંગે ચર્ચા કરીને તેમને વિધાનસભામાં ઉઠાવવામાં આવશે.

ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર આગામી તા.રર ફેબ્રુઆરીથી શરૂ થઈ રહ્યું છે. આ વિધાનસભામાં વિવિધ સરકારી યોજનાઓનો અમલવારી કરવામાં સરકારની નિષ્ફળતાના મુદ્દે કોંગ્રેસ પક્ષ દ્વારા સરકારને ભીંસમાં લેવાનો પ્રયાસ કરાશે. જેના ભાગરૂપે વિવિધ સમાજોની સરકારી યોજનાઓ અંગેની સ્થિતિ તેમજ તેમના પ્રશ્નોની હકીકત જાણવા માટે કોંગ્રેસ દ્વારા રાજ્યના એસટી, એસસી, ઓબીસી અને માઈનોરિટી સમાજના પ૦-પ૦ આગેવાનો સાથે બે દિવસીય બેઠકનું આયોજન કરાયું છે.

પ્રદેશ કોંગ્રેસ દ્વારા  તા. ૧૬ અને ૧૭ ફેબ્રુઆરીના રોજ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકીના અધ્યક્ષસ્થાને અને વિધાનસભા વિરોધપક્ષના નેતા શંકરસિંહ વાઘેલાની ઉપસ્થિતિમાં મળશે. જેમાં તા. ૧૬મીને આવતીકાલે બપોરે બે કલાકે એસટી અને એસસી સમાજના રાજ્યના પ૦-પ૦ આગેવાનો સાથે બેઠક યોજાશે. જ્યારે તા. ૧૭મીને બુધવારે બપોરે બે કલાકે ઓબીસી અને માઈનોરિટી સમાજના પ૦-પ૦ આગેવાનો સાથે બેઠક યોજાશે. આ બેઠકમાં આ સમાજને લગતાં પ્રશ્નો તેમજ વિવિધ સરકારી યોજનાઓની અમલવારી સહિતના મુદ્દે ચર્ચા કરવામાં આવશે.

You might also like