કુલભૂષણની સજા અંગે આજથી આંતરરાષ્ટ્રીય કોર્ટમાં સુનાવણી: ભારત પાક.ની પોલ ખોલશે

(એજન્સી) હેગ: પુલવામામાં સીઆરપીએફના જવાનો પર જૈશ-એ-મોહમ્મદના આત્મઘાતી હુમલાના ચાર દિવસ બાદ આજે ભારત અને પાકિસ્તાન કુલભૂષણ જાદવના કેસમાં સામસામે ટકરાશે. પૂર્વ ભારતીય નેવી ઓફિસર જાદવને થયેલી ફાંસીની સજા અંગે ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ (આઈસીજે) આજથી સુનાવણી હાથ ધરશે.

આ સુનાવણી આગામી ચાર દિવસ સુધી એટલે કે ર૧ ફેબ્રુઆરી સુધી ચાલશે. આજે પહેલા તબક્કાની કાર્યવાહીમાં સ્થાનિક સમય પ્રમાણે અઢી વાગ્યાથી સાંજના પાંચ વાગ્યા સુધી સુનાવણી ચાલશે, જેમાં ભારત પોતાનો પક્ષ રજૂ કરશે. બીજા તબક્કાની કાર્યવાહીમાં મંગળવારે એટલે કે આવતી કાલે પાકિસ્તાન દલીલો રજૂ કરશે.

આજે ભારતીય વકીલ હરીશ સાલ્વે અને મંગળવારે પાકિસ્તાની વકીલ ખાવર કુરેશી દલીલો રજૂ કરશે. ત્યારબાદ ર૦ ફેબ્રુઆરીએ ભારત પોતાનો જવાબ રજૂ કરશે, જ્યારે પાકિસ્તાન તરફથી ર૧ ફેબ્રુઆરીએ અંતિમ દલીલો કોર્ટ સમક્ષ મૂકશે. આ કેસનો ચુકાદો આ વર્ષે જ આવી જાય તેવી શક્યતા છે.

પાકિસ્તાનના સૈનિકોએ કુલભૂષણ જાદવને માર્ચ-ર૦૧૬માં બલુચિસ્તાન પ્રાંતમાંથી પકડ્યો હતો. જાદવ પર અફઘાનિસ્તાનમાં જાસૂસી કરવાના ગંભીર આરોપો લગાવવામાં આવ્યા હતા. પાકિસ્તાનની મિલિટરી કોર્ટે ૧૦ એપ્રિલ, ર૦૧૭ના રોજ તેને ફાંસીની સજા સંભળાવી હતી. તેની ફાંસી પર રોક લગાવવા માટે ભારતે ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસના દરવાજા ખટખટાવ્યા હતા. કોર્ટે ર૦૧૭માં જાદવની ફાંસી પર સ્ટે મૂક્યો હતો, જોકે પાકિસ્તાનનો દાવો છે કે તે કુલભૂષણની સજામાં કોઈ ફેરફાર કરશે નહીં.

પાકિસ્તાને આ હાઈ પ્રાફાઈલ કેસ માટે તેની એક ખાસ ટીમ મોકલી છે, જેની આગેવાની ત્યાંના એટર્ની જનરલ અનવર મનસૂર ખાન કરી રહ્યા છે. પાકિસ્તાન જાદવ પર લગાવવામાં આવેલા જાસૂસીના ગંભીર આરોપો સાબિત કરવાની કોશિશ કરશે. ગયા વર્ષની રપ માર્ચે પાકિસ્તાને એક કથિત ગુપ્ત નિવેદન જારી કર્યું હતું, જેમાં જાદવ એવી કબૂલાત કરે છે કે તે ઈન્ડિયન નેવીનો કાર્યરત અધિકારી છે અને એ વખતે તે ભારતની ગુપ્તચર એજન્સી રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ (રો) માટે કામ કરતો હતો.

ભારતે અગાઉ પણ જણાવ્યું છે કે કુલભૂષણ જાદવ જાસૂસ નથી. પાકિસ્તાનના સૈનિકોએ તેને અફઘાનિસ્તાનની બોર્ડર પરથી કિડનેપ કર્યો હતો. ભારતે ઈન્ટરનેશનલ કોર્ટને અપીલ કરી છે કે પાકિસ્તાનને જાદવની ફાંસીની સજા રદ્દ કરવાનો આદેશ આપવામાં આવે. ભારતનો આરોપ છે કે પાકિસ્તાને વિયેના સંધિનું ઉલ્લંઘન કરીને કુલભૂષણ જાદવને કાઉન્સિલર એક્સેસ આપ્યો ન હતો અને માનવાધિકારોનું પણ ખુલ્લેઆમ ઉલ્લંઘન કર્યું હતું.

ઉલ્લેખનીય છે કે કુલભૂષણ જાદવનો પરિવાર તેને મળવા વર્ષ ર૦૧૭માં પાકિસ્તાન ગયો હતો ત્યારે તેના પરિવારને ખૂબ પરેશાન અને અપમાનિત કરવામાં આવ્યો હતો. મુલાકાત દરમિયાન જાદવ અને તેનો પરિવાર સતત સીસીટીવી કેમેરાની નજર હેઠળ હતો અને તેમની વચ્ચે મજબૂત કાચની એક દીવાલ પણ રાખવામાં આવી હતી.

You might also like