પ્રેમ પ્રકરણનો કરુણ અંજામ: દિયર-ભાભીનો સજોડે આપઘાત

અમદાવાદ: રાજકોટમાં પ્રદ્યુમનપાર્ક પાસે આવેલ ભીમરાવનગરમાં દિયર અને કૌટુંબીક ભાભીએ જાહેરમાં સળગી જઇ સજોડે આપઘાત કરતા આ ઘટનાએ ભારે ચકચાર જગાવી છે.

રાજકોટમાં ભીમરાવનગર ખાતે રહેતા છગન ભીખાભાઇ વાઘેલા નામના યુવાનને તેના પાડોશમાં રહેતી તેની કૌટુંબીક ભાભી વિજ્યાબહેન સાથે પ્રેમસંબંધ હતો. આ પ્રેમસંબંધની બંનેના પરિવારજનોને જાણ થઇ જતાં ઉગ્ર બોલાચાલી પણ થઇ હતી.

પ્રેમમાં નિષ્ફળતા મળશે અને બંને એક નહીં થઇ શકે તેવી દહેશતથી પીડાતા છગન અને વિજ્યા ગઇકાલે વહેલી સવારે અચાનક જ ગુમ થઇ ગયા હતા. બંને ગૂમ થતા જ પરિવારજનોએ પોલીસને જાણ કરતા સઘન શોધખોળ શરૂ કરવામં આવી હતી.

દરમ્યાનમાં રાજકોટ-મોરબી હાઇવે પર આઇઓસી નજીક જાહેરમાં સળગી જઇ એક યુવક અને યુવતીએ આપઘાત કરતા લોકોનાં ટોળાં ભેગા થયા હતા. ઉપરોક્ત બંનેના પરિવારજનોએ ઘટના સ્થળે પહોંચી જઇ બંનેના મૃતદેહ ઓળખી બતાવ્યા હતા. આ ઘટનાના પગલે ભારે ચકચાર ફેલાઇ છે. પોલીસે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

You might also like