પીએસઓને ધક્કો મારી નીચે પાડી દઇ રીઢો ઘરફોડ ચોર લોકઅપમાંથી ફરાર થઇ ગયો

અમદાવાદ: મહેસાણા એ ડિવિઝન પોલીસ સ્ટેશનના લોકઅપમાંથી એક ઘરફોડ ચોર પીએસઓને ધક્કો મારી નીચે પાડી દઇ ફરાર થઇ જતાં પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઇ હતી. પ્રાપ્ત માહિતી અનુસાર ગઇકાલે સવારે ૮ વાગ્યાના સુમારે મહેસાણા એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પીએસઓ નુરઅલી મહંમદશા ફરજ પર હાજર હતા તે દરમ્યાન સફાઇ કામદાર આવ્યો હતો અને લોકઅપમાં સાફસૂફી કરવાની હોવાથી લોકઅપ ખોલી સફાઇ કામદાર સફાઇ કામ કરતો હતો ત્યારે લોકઅપમાં રખાયેલો રીઢો ઘરફોડ ચોર ઇસ્લામ મેરામે અચાનક ઊભો થઇ ગયો હતો અને લોકઅપ બહાર નીકળી દરવાજો બહારથી બંધ કરી દીધો હતો.

આ વખતે પીએસઓ નુરઅલી દરવાજાની બાજુમાં જ ઊભા હતા. ઘરફોડ ચોરે પીએસઓને ધક્કો મારી તેને નીચે પાડી દઇ પળવારમાં રફુચક્કર થઇ ગયો હતો. પીએસઓએ બૂમાબૂમ કરતા અન્ય પોલીસ કર્મીઓ દોડી આવ્યા હતા પરંતુ ગુનેગાર નાસી છૂટવામાં સફળ રહ્યો હતો. પોલીસ સ્ટેશનમાં લગાવાયેલા સીસીટીવી કેમેરા બંધ હાલતમાં હોવાથી ગુનેગાર કઇ તરફ ભાગ્યો તે અંગે કોઇ જાણકારી પ્રાપ્ત થઇ નથી. પોલીસે સઘન શોધખોળ હાથ ધરી છે.

You might also like