દાહોદના ધાનપુર નજીક આવેલા ભોરવા ગામે ધાડપાડુ ચડ્ડી-બનિયાનધારી ટોળકીનો આતંક

અમદાવાદ: દાહોદ જિલ્લામાં છેલ્લા બે દિવસ દરમિયાન લૂંટફાટના બે બનાવ બન્યા બાદ મોડી રાત્રે ધાનપુર તાલુકાના ભોરવા ગામે ધાડપાડુ ચડ્ડી-બનિયાનધારી ટોળકીએ ત્રાટકી આતંક મચાવ્યો હતો. મકાનમાં સૂઇ રહેલા એક પરિવારના સભ્યોને ઢોર મારી રોકડ અને ઘરેણાંની લૂંટ ચલાવી ધાડપાડુઓ ચિચિયારીઓ પાડતા ફરાર થઇ ગયા હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર આ અંગેની વિગત એવી છે કે ધાનપુર તાલુકાના ભોરવા ગામ ખાતે બારિયા ફળિયામાં રહેતા જીવાભાઇ દામાભાઇ બારિયાના પરિવારના સભ્યો રાત્રે જમી-પરવારી મીઠી નીંદર માણી રહ્યા હતા ત્યારે મોડી રાત્રે ચડ્ડી-બનિયાનધારી ટોળકી તેમના મકાન પર ત્રાટકી હતી. અવાજ થતાં જીવાભાઇ ઊંઘમાંથી બેબાકળા જાગી ગયા હતા અને ટોળકીને જોઇ તેમણે બૂમાબૂમ કરતાં ઘરના અન્ય લોકો પણ જાગી ગયા હતા.

ટોળકીએ જીવાભાઇ તેમજ તેમના ઘરના સભ્યોને ગડદાપાટુ અને લાકડીઓનો માર મારી જો તમે વધારે બૂમાબૂમ કરશો તો પતાવી દઇશું તેવી ધમકી આપી તિજોરીમાંથી સોનાનું લોકીટ, બુટ્ટી, સોનાના દોરા, છડા, ઝાંઝરી, મંગલસૂત્ર તેમજ રોકડ રકમ મળી આશરે રૂ.પોણા બે લાખની મતાની લૂંટ ચલાવી હતી. આ પછી લૂંટારુ ટોળકી ‌િચ‌િચયારીઓ પાડતી પોતે લાવેલા વાહનમાં ફરાર થઇ ગઇ હતી.

બનાવની જાણ થતાં જ ઉચ્ચ પોલીસ અધિકારીઓએ તાબડતોબ ઘટનાસ્થળે પહોંચી લૂંટારુ ટોળકીને પકડી પાડવા ચોતરફ નાકાબંધી કરી સઘન વાહન ચેકિંગ શરૂ કર્યું હતું, પરંતુ લૂંટારુઓનું કોઇ પગેરું મળ્યું નહોતંુ. અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા બે દિવસમાં દાહોદ પંથકમાં લૂંટફાટના બનાવો ચાલુ રહેતા પ્રજામાં ભયની લાગણી પ્રસરી છે.

You might also like