આસ્થાનું ધામ એટલે ભગુડા ‘મા મોગલનું’ ધામ

ભાવનગરના ‘તળાજા’ તાલુકામાં પ્રકૃતિના ખોળે ચકલીના માળા જેટલું ભગુડા ગામ આવેલું છે. ખુલ્લા હરિયાળા ખેતરો અને અમી નજરોથી છલકાતા ભગુડા ગામમાં “આઈ મોગલ” બેઠી છે. આ ગામ જ્યાં ‘આઈ મોગલ’ હાજરાહજૂર છે. આ સ્થાન સાથે ઘણી પાવનકારી ઘટનાઓ અને કથાઓ જોડાયેલી છે.

દેશ વિદેશથી આવતા હજારો લાખો શ્રદ્ધાળુઓની પરમ આસ્થાનું ધામ એટલે ભગુડા ‘મા મોગલનું’ ધામ. માત્ર ગઢવી, ચારણ કે આહીર જ નહિ, તમામ જ્ઞાતિના લોકો ‘મા મોગલ’ના દરબારમાં આવે છે. મા પાસે માનતા માગે છે અને મા તેમની દરેક માનતા પૂરી કરે છે. અહીં આવી ભક્તજનો પરમ શાંતિનો અનુભવ કરે છે.

એક હાથમાં ખડગ અને બીજા હાથમાં નાગ વિખરાયેલા કેશપાશ, ત્રિલોકને શાતા આપતું તેજસ્વી ભાલ, ચંદ્ર અને સૂર્ય સમાન પ્રકાશવાન, ભક્તો માટે સ્નેહ અને દુષ્ટો માટે અગનજ્વાળા વરસાવતા ‘આઈ’ નાં નયનો. ‘આઈ મોગલનું’ આ સ્વરૂપ જોઈને સુર નર મુનિ, સૌ કોઈ દેવીની સ્તુતિ કરે છે.

“મા મોગલ” પારંપરિક પૂજા-અર્ચના કરવામાં આવે છે. અહીં માનાં ધામમાં ભક્તો દૂર દૂરથી આવે છે અને માને ‘લાપસી’નો પ્રસાદ ચઢાવે છે. અહીં લાપસીનો પ્રસાદ ધરાવવાનો વિશેષ મહિમા છે. કહેવાય છે કે, ‘મા મોગલ’ ને લાપસી અતિ પ્રિય છે.

ભક્તો લાપસીનો પ્રસાદ ધરાવી ધન્યતા અનુભવે છે. કહેવાય છે કે, લાપસીનો પ્રસાદ લેવાથી તમામ મનોકામના પૂર્ણ થાય છે. ભગુડા ધામમાં ‘અન્નક્ષેત્રની’ સેવા પણ ઉપલબ્ધ છે. માઇ દર્શને આવતા શ્રદ્ધાળુઓ અચૂક માનો પ્રસાદ લે છે. ભક્તો અહીં માતાજીને ૧૬ શણગાર અર્પણ કરે છે. જેને તરવેડાનો (માતાજીને ચઢાવવામાં આવતી ભેટ) એક ભાગ કહેવાય છે.

ભગુડામાં આવતા માઇ ભક્તો પોતાનાં અધૂરાં કામ કે તકલીફો, માતાજી દૂર કરે તે માટે “તરવેડા” માનતા હોય છે. ‘તરવેડો’ એટલે એક પ્રકારની માનતા. જેમાં માતાજીને લાપસી ધરાવવામાં આવે છે અને શણગાર અર્પણ કરવામાં આવે છે. જયારે પોતાની માનતા પૂર્ણ થાય, ત્યારે શ્રદ્ધાળુઓ તરવેડો કરતા હોય છે.

એવું પણ કહેવાય છે કે ભગુડા ગામમાં ક્યારેય કોઈના પણ ઘરે ચોરી થતી નથી કારણ કે, અહીં માતા મોગલનો પાવન પ્રતાપ છે. દર મંગળવારે અને રવિવારે અહીં ભક્તોની ભારે ભીડ જોવા મળે છે. ચૈત્રી નવરાત્રિ અને આસો નવરાત્રિએ ‘મા’ ને રીઝવવા ભક્તોની ભીડ વધારે હોય છે.

ચારણોની દેવી આઇ મોગલ દૈવી શક્તિ છે. શ્રીમદ દેવી ભાગવતમાં ચંડીપાઠમાં જુદી જુદી સ્તુતિઓ છે અને તેમાં મહાઅર્ગલા સ્તોત્ર આવે છે. આ મહાઅર્ગલા શબ્દ સમય જતા અપભ્રંશ બનીને મોગલ થયો હોય એવું સંશોધનકારોનું કહેવું છે. આઇ મોગલ એટલે ચારણોની દેવી.

ચારણ કન્યા બ્રહ્મચર્ય ધારણ કરીને વર્ષો સુધી શક્તિ ઉપાસના કરતાં કરતાં દેવીમય થઇ જાય ત્યારે એ ખુદ મોગલ શક્તિ સ્વરૂપ બની જાય છે. ચારણ સમાજમાં અનેક આવી દીકરીઓએ સમયાંતરે મોગલ સ્વરૂપ ધારણ કર્યાં છે અને પરચા પૂર્યા છે એટલે આઇ મોગલ એ આસ્થાનું સ્થાનક છે.

એવું કહેવાય છે ભગવાન શ્રીકૃષ્ણ પણ આઇ મોગલને માનતા અને દ્વારકાધીશ મંદિરના ઉપરના માળે જે શક્તિ સ્થાનક છે તે આઇ મોગલ હોવાની માન્યતા છે. મોગલ પાસે શસ્ત્ર નથી તેમના હાથમાં કાળો નાગ છે અને તે આ નાગની ચાબુક વડે પોતાના છોરુંની અનિષ્ટ તત્ત્વોથી રક્ષા કરે છે. આઇ મોગલ સેંકડો વર્ષોથી પૂજાય છે અને તે માત્ર ગઢવી જ નહીં પણ દરબારો, કાઠી, રાજપૂત, આહીર, ક્ષત્રિય સમાજમાં પણ પૂજાય છે.

આઇ મોગલના ગુજરાતમાં અનેક સ્થાને બેસણાં છે. જે મોગલધામ તરીકે ઓળખાય છે. ભાવનગર પાસે ભગુડા ખાતે, અમદાવાદ નજીક રાણેસર ખાતે દ્વારકા પાસે ભીમરાણા ખાતે, જેતપુર પાસે ગોરવિયાળી ખાતે તેમજ કચ્છમાં કબરાઉ ખાતે આ મોગલધામ આવેલાં છે. આઇ મોગલ વિશે એવું કહેવાય છે કે, દીવાની સાક્ષીએ આઇને યાદ કરો અને પ્રાર્થના કરો તો અચુક મદદે આવે છે. •

You might also like