અફઘાનિસ્તાનના ફરાહમાં તાલિબાનોનો હુમલોઃ ૩૦ સુરક્ષા જવાનોનાં મોત

કાબુલ: તાલિબાનના આતંકવાદીઓએ પ.અફઘાનિસ્તાનના ફરાહ શહેરમાં પોલીસ હેડક્વાર્ટર પર કરેલા હુમલામાં સુરક્ષા દળનાં ૩૦ જવાનનાં મોત થયાં છે. જ્યારે કેટલાક જવાનોને ઈજા થઈ છે.

ફરાહ પ્રાંત પરિષદના પ્રમુખ ફરીદ બખ્તાવરે જણાવ્યું કે જે સ્થળે હુમલો થયો છે તે ઈરાનની સરહદ નજીક છે. ત્યારે ગઈ કાલે તાલિબાનના આતંકીઓએ આ વિસ્તારમાં આવેલી સુરક્ષા ચોકીઓ પર હુમલો કર્યો હતો. આ ઘટનાની ફરાહ પ્રાંતના સાંસદ મહંમદ સરવર ઉસ્માનીએ પણ તાલિબાનના આંતકવાદીઓએ આ હુમલો કર્યો હોવાની વાતને સમર્થન આપ્યું છે.

બીજી તરફ આ હુમલાની જવાબદારી તાલિબાનના પ્રવકતા જબીહુલ્લા મુજાહિદે સ્વીકારી છે. તેમણે વધુમાં જણાવ્યું કે તાલિબાનના આતંકીઓએ વિવિધ દિશામાંથી હુમલા કર્યા હતા. જેમાં તાલિબાનોએ સુરક્ષા દળની તપાસ ચોકીઓને પણ નિશાન બનાવી હતી.

આ અગાઉ પણ કંદહાર પ્રાંતમાં જિલ્લા પોલીસના મુખ્ય કાર્યાલય પર ગત સાતમી માર્ચે તાલિબાનોએ હુમલો કર્યો હતો. જેમાં એક પોલીસ અધિકારીનું મોત થયું હતું. અને પાંચને ગંંભીર ઈજા થઈ હતી. જોકે ગઈ કાલે જે હુમલો થયો હતો તે સ્થળ ફરાહ શહેરના ગવર્નરના આવાસથી ૩૦૦ મીટર દૂર આવેલું છે. જોકે આ ઘટના બાદ હાલ શહેરમાં સ્થિતિ નિયંત્રણમાં છે. હાલ આ અંગે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને પોલીસ તેમજ સુરક્ષા દળના કર્મચારીઓ સતત વોચ રાખી રહ્યા છે.

You might also like