ભગવાનના દરેક જીવની રચના એક સુંદરતાનું જ પ્રતીક….

મધુરાષ્ટક….સાંભળ્યું હશે કે વાંચ્યું હશે …માણવા જેવું છે. નયનમ મધુરમ્, અધરમ્ મધુરમ્, હસીતમ્ મધુરમ્, મધુરાધિ પતે અખિલમ મધુરમ્. મધુરતા જ મધુરતા આખે આખા જગતમાં છે. મધુરતા જ્યાં નજર કરો તે બધું જ મધુર, પ્રેમ મધુર જ હોય, મધુરો ન હોય તો એ અધૂરો છે.

મુક્ત ખુલ્લા આકાશના કે આપણી દૃષ્ટિમાં આવતાં સારાં કે ખરાબ દૃશ્યોમાં સુંદરતા હોય જ છે પણ આપણે જોવા જ નથી માંગતા કેમ કે આપણે આપણી દૃષ્ટિને સમગ્રતા તરફ કેળવતા જ નથી.

ભગવાનના દરેક જીવની રચના એક સુંદરતાનું જ પ્રતીક છે, કે જે જન્મ,મૃત્યુ અને ફરી નવસર્જન તરફની સુંદરતા પર રાખીએ કેમકે આખરે તો આ સૃષ્ટિના ચાલક સુંદરતાના જ ચાહક છે જે મનથી સુંદર તેને કદી કદરૂપું ના જ દેખાય… કેમકે બિંબ અને પ્રતિબિંબ એ એક ક્રિયા છે જે સત્યરૂપે જ પ્રગટે છે પણ સુંદરતા માણીએ અને જીવનની ગતિ ત્યાં ન અટકાવતા આગળ વધીએ નહીતો ત્યાં જ રોકાઈ ને ખરી પડીશું કે વિસર્જન પામીશું..માટે જીવની ગતિ સુંદરતા માણીને આગળ વધવામાં છે.

મહાપ્રભુ વલ્લભાચાર્યજીએ ગાયું: ‘અધરમ મધુરમ.્..’ ધ્યાનમાં બેઠા બાદ અડધો કલાક નિરંતર મૂર્તિનું અનુસંધાન રહે ત્યારે પ્રભુ સાથે એ મહાન જીવની રાસક્રીડા શરૂ થાય છે. જીવ અને ભગવાન વચ્ચે પ્રિયતમ-પ્રિયતમાનો સંબંધ સ્થાપિત થાય છે. મહાપ્રભુજીએ ગાયેલું અધરમ મધુરમ્ એ મધુરાભક્તિની ટોચની અવસ્થાનું નિદર્શન છે. અધરમ મધુરમ એટલે ભગવાનના હોઠ મધુર છે. આવું કહીને મહાપ્રભુજીએ કેવી કમાલ કરી છે !

સ્તોત્ર એટલે મહાપુરુષોએ બાળક બનીને પ્રભુને કરેલાં કાલાવાલાં. ‘મધુરાષ્ટકમ’ સ્તોત્ર ગાતી વખતે શબ્દો સાથે એના અર્થની અનુભૂતિ માણવાની જરૂર છે. ભાવસમાધિમાં સ્થિત થયેલા આચાર્યોએ ગાયેલા સ્તોત્રો-સ્તવનો આપણને ભાવજગતમાં જવાની પ્રેરણા આપે છે. એનાથી હૃદય ભીનું-ભીનું થાય છે. ડામર જેવું કઠણ અને સુકાઈ ગયેલા છાણાં જેવું બરછટ હૃદય માખણ જેવું નરમ અને મુલાયમ થાય ત્યારે એના પર પ્રભુના નામનો સિક્કો વાગે છે.

મહાપ્રભુ કહે છે: ભગવાનના હોઠ મધુર છે. વિચારો, તેઓએ હોઠને સુન્દર નથી કહ્યા પણ મધુર કહ્યા છે. સુન્દરતા એ આંખોનો વિષય છે જ્યારે મધુરતા એ સ્વાદનો વિષય છે. આનો અર્થ એ કે મહાપ્રભુજીએ ભગવાન કૃષ્ણના હોઠ સાથે પોતાના હોઠ મેળવીને એનું રસામૃત પાન કર્યું છે. ‘ભગવાનના હોઠ મધુર છે’ એમ કહીને મહાપ્રભુજીએ ભક્તિની શક્તિ બતાવી છે.

જગતના વ્યવહારમાં જીવ ફરિયાદ કરે છે કે ભગવાન એનું સાંભળતા નથી. પરંતુ વાસ્તવિકતા એ છે કે ભગવાને આવા જીવનું કલ્યાણ કરવાનું છે, ઉત્તરોત્તર વિકાસની પગથી ચડીને ભગવાન પાસે ગયેલો જીવ જ્યારે ભગવાનની જીવને મળવાની તત્પરતા, તાલાવેલી, આતુરતા, અધીરાઈ જુએ છે ત્યારે એ શરમાય છે. જીવને પશ્ચાત્તાપ થાય છે કે એણે ભગવાનને મિલન માટે કેટલી બધી રાહ જોવડાવી! ભગવાન ઉપવાસી છે, એ માત્ર જીવના હૃદયનો ભાવ જ ખાય છે. આથી હજારો વર્ષો બાદ કોઈ એક જીવ પ્રભુ પાસે પહોંચે છે ત્યારે ભગવાન જીવના હૃદયના ભાવનો ફળાહાર કરે છે.

અધરામૃતપાનમાં પ્રેમની પરાકાષ્ટા છે. જીવ અને ભગવાન એકમેકમાં સમાઈ ગયેલા છે. મન, હૃદય અને શરીર બધું એકાકાર થઈ ગયું છે. જીવ અને ભગવાનની ગાઢ આલિંગન બદ્ધ અવસ્થા છે. ધ્યાનમાં માણવા મળતા આ આનન્દને છોડવા જીવ તૈયાર નથી. પરંતુ ભગવાન થોડો બળપ્રયોગ કરીને જીવને પોતાનાથી અળગો કરે છે.

પ્રભુ જીવને કહે છે, આટલા બધા સ્વાર્થી બનવું સારું નહિ. તારે જગતમાં પાછા જવાનું છે. અન્ય જીવો પણ મને મળવા તત્પર બને એ માટે તેઓને તૈયાર કરવાના છે. તેઓ પ્રત્યેના મારા પ્રેમ વિશેની વાતો કરીને મને પણ તેઓ પ્રેમ કરતા થાય એ માટે કામ કરવાનું છે. જીવને પ્રભુથી અળગા થવું ગમતું તો નથી.

તેમ છતાં અનિચ્છાએ એ ભગવાનથી છુટો થઈને ધ્યાનમાંથી બહાર આવે છે. છતાં એના દિલોદિમાગમાં પ્રેમનો નશો છવાયેલો છે. અધરામૃત પાનનો સ્વાદ હજી એને આવી રહ્યો છે. આથી એ ગાય છે: ‘અધરમ મધુરમ.’ પાછા પગલે ભગવાનથી થોડા દુર થયા બાદ એને પ્રભુનો ચહેરો દેખાય છે એટલે એ ગાય છે: ‘વદનમ મધુરમ.’ એમ હળવે-હળવે ભગવાનથી દુર થતાં-થતાં એને પ્રભુની આંખો, તેઓનું હસવું દેખાય છે. થોડા વધુ દુર થતાં પ્રભુના વસ્ત્રો, અંગભંગિમાઓ, ચાલવું વગેરે જોવા મળે છે.

આપણા આચાર્યોએ રચેલા અનેક સ્તોત્રો તેઓના ધ્યાનયોગના અનુભવો છે. એને ગાઈને આપણે એ કક્ષાએ પહોંચવાનો પ્રયત્ન કરીએ એમાં કશું ખોટું નથી. કેટલાક વિદ્વાનો કોઈના રસ્તે ચાલવાને બદલે સ્વયંભૂ માર્ગ શોધવાની વાત કરે છે. પરંતુ ભક્તિમાર્ગ હોય કે જ્ઞાનમાર્ગ, અમને એ રસ્તે ગયેલા અને ભગવાનને ભેટેલા મહાપુરુષોને માર્ગે જવું ખૂબ ગમે છે. એ બાબતને એંઠુ ચાટવાની ગણાતી હોય તો પણ અમને એ અતિપ્રિય છે.

મહાપ્રભુ કહે છે: વમિતમ મધુરમ – પ્રેમની આ પરાકાષ્ટા નથી ? ભગવાનનું વમિત – વમન પણ મધુર છે ! ગીતામાં ભગવાન કહે છે: મમ વર્ત્માનુ વર્તંતે મનુષ્યા: પાર્થ સર્વશ: આપણે ઈચ્છાએ કે અનિચ્છાએ ભગવાનને જ અનુસરીએ છીએ. અરે, પ્રેમથી નહિ તો વેરથી પણ આપણે ભગવાનની જ ભક્તિ કરીએ છીએ.

જો બેળે-બેળે પણ ભગવાન પાસે જ જવાનું હોય તો સ્વેચ્છાએ કેમ ન જવું? દિવસભર વ્યવહાર કરતી વખતે મહાપુરુષોએ રચેલા સ્તોત્રો ગાતાં-ગાતાં કામ કરીએ તો ચોવીસ કલાક ભગવદ અનુસંધાન રહી શકે છે જે ધ્યાનમાં બેસતી વખતે ખુબ લાભદાયક નિવડે છે. •

You might also like