ગજેન્દ્રના પૂર્વ જન્મ અને મોક્ષની કથા, ભક્તની પ્રાર્થના પરમેશ્વરે સાંભળવી જ પડે

ગજેન્દ્ર મોક્ષ પણ પ્રાર્થનાનું જ એક રૂપ છે એની ઉત્કટતા અનુભૂતિની છે. શબ્દોની નથી. કહેવાય છે કે કેડ સુધીનાં પાણીમાં ઊભા રહીને ગજેન્દ્ર મોક્ષ સ્તુતિનો પાઠ કરવાથી પોતાનો તથા પિતૃઓનો મોક્ષ થાય છે. જ્યારે ગજેન્દ્રનો પગ કાળ રૂપી મગરે પકડ્યો, ત્યારે ગજેન્દ્રએ પાછળ વળીને જાેયું, તો તેનો પરિવાર તેને છોડીને જતો રહ્યો હતો. આજુબાજુ નજર કરી, પોતાને બચાવનાર કોઈ ન દેખાતાં પૂર્વજન્મમાં કરેલી ભક્તિનાં બળથી નારાયણનું સ્મરણ થયું. ગજેન્દ્રએ એક સુંદર કમળ પોતાની સૂંઢમાં લઈને આકાશ તરફ દૃષ્ટિ કરીને આર્તનાદપૂર્વક નારાયણની સ્તુતિ કરી.

મુક્તિ માટે પોતાનાથી બનતા પ્રયત્ન કર્યા પછી દરેકને ઇશ્વરની મદદ માગવાનો અધિકાર છે. પુરુષાર્થીની પ્રાર્થના પરમેશ્વરે સાંભળવી જ પડે છે. જ્યાં ત્રિકૂટ પર્વત પર સરોવર કાંઠે ગજ અને ગ્રાહ લડી રહ્યા હતા, ત્યાં ગજરાજની સહાય માટેની પ્રાર્થના સાંભળી એકાએક ઇશ્વર પ્રગટ થયા. પોતાનાં સુદર્શન ચક્ર વડે ગ્રાહના દેહને છેદી નાખ્યો.

ગજરાજનો પગ ગ્રાહના જડબામાંથી છૂટી ગયો. તરત જ આકાશમાંથી દેવોએ પુષ્પવૃષ્ટિ કરી. ગ્રાહના મૃતદેહમાંથી એક તેજ પુરુષ બહાર આવ્યો. પ્રભુની પ્રાર્થના કરવા માંડ્યો. ભગવાને પૂછયું, તારી આ દશા કેમ? મગરમચ્છે કહ્યું કે હું ગાંધર્વ હતો. મને રૂપનું અભિમાન હતું. એક વાર ઋષિનું અપમાન કરતાં મને શાપ આપ્યો, જા તું મગરમચ્છ થઇશ.

મને મારી ભૂલ સમજાતાં મેં ઋષિની માફી માગી, કહ્યું કે મને એકવાર ક્ષમા કરો. ઋષિએ કહ્યું કે એક દિવસ હાથીને બચાવવા ખુદ ઇશ્વર આવશે અને તમારો બન્નેનો ઉદ્ધાર કરશે.” ગજેન્દ્રના પૂર્વજન્મનો પરિચય કરાવતાં ભાગવતકાર કહે છે કે ગજેન્દ્ર પોતાના પૂર્વજન્મમાં દ્રવિડ દેશનો પાંડ્યવંશી રાજા હતો. એનું નામ ઇન્દ્રદ્યુમ્ન હતું. એને ભગવાનની ઉપાસના પ્રત્યે પ્રેમ હતો.

એકવાર એણે એકાંતમાં ઇશ્વરોપાસના કરવાના પ્રયોજનથી પ્રેરાઇને રાજ્યનો પરિત્યાગ કરીને મલય પર્વત પર રહેવા માંડ્યું. એણે તપસ્વીનો વૈરાગ્યપ્રધાન વેશ ધારણ કર્યો. એક વાર સ્નાનાદિથી નિવૃત થઇને એ મનને સ્થિર કરીને ઇશ્વરની વિધિપૂર્વકની આરાધના કરી રહેલો તે વખતે મહામુનિ અગસ્ત્ય ત્યાં શિષ્યો સાથે આવી પહોંચ્યા.

એમણે એને પ્રજાપાલન અને અતિથિસત્કાર જેવાં ઉત્તમ કર્મોમાંથી ચ્યુત થયેલો જાણીને એકાએક શાપ આપ્યો કે આ રાજાએ સદ્દગુરુઓ પાસેથી જ્ઞાન નથી મેળવ્યું અને એટલા માટે પરહિતની પ્રવૃત્તિનો પરિત્યાગ કરીને સ્વેચ્છાનુસાર જીવી રહ્યો છે. એની બુદ્ધિ હાથીના જેવી જડ હોવાથી એને હાથીની યોનિની પ્રાપ્તિ થાવ.

રાજા ઇન્દ્રદ્યુમ્ન એકાંતવાસ દરમિયાન ઇશ્વરની આરાધનામાં મગ્ન હોવા છતાં એની એ પ્રવૃત્તિને આદર્શ અથવા અભિનંદનીય ના માનીને મહામુનિ અગસ્ત્યે એને શાપ આપ્યો. અગસ્ત્ય મુનિ શાપ આપીને વિદાય થયા. ઇન્દ્રદ્યુમ્ને પોતાનું પ્રારબ્ધ સમજીને એ શાપનો કોઇ પણ પ્રકારના વિરોધ, ક્લેશ કે બડબડાટ વગર શાંતિથી સ્વીકાર કર્યો.

વખતના વીતવાની સાથે એને હાથીની યોનિની પ્રાપ્તિ તો થઇ પરંતુ ઇશ્વરોપાસનાના સુ સૂક્ષ્મ સંસ્કારોના પ્રભાવથી સુયોગ્ય સમયે એને ઇશ્વરની સ્મૃતિ થઇ. ગજેન્દ્ર ભગવાનના અલૌકિક અનુગ્રહથી રહ્યા સહ્યા અજ્ઞાનથી મુક્તિ પામ્યો, અને ભગવદ્દસ્વરૂપ બની ગયો.•

You might also like