રાહુલ ગાંધીની કાર પર જે પથ્થર ફેંકાયો તે રાજસ્થાનનો હતો

ગાંધીનગર: ગુજરાત વિધાનસભાની આજે મળેલી બેઠકમાં પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત દરમિયાન કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીની કાર ઉપર ફેંકાયેલા પથ્થરના મામલે ગૃહમાં વાતાવરણ ગરમાયું હતું. વિપક્ષના સભ્યોને ગૃહ બહાર કઢાયા પછી આરોગ્ય પ્રધાન શંકર ચૌધરીએ ગૃહને જણાવ્યું હતું કે પથ્થરના મામલે કોંગ્રેસ રાજકારણ રમી રહી છે. પથ્થર કાર પર પાછળથી ફેંકાયો છે. આવા પથ્થર ધાનેરામાં છે જ નહીં. આ પથ્થર રાજસ્થાનનો છે. પીડિતોનાં આંસુ લૂછવાના બદલે રાહુલ ગાંધીએ પીડિતોને મળીને કહ્યું કે તમને મળી આનંદ થયો. મેરા કામ પૂરા હો ગયા. અમે પોતે પણ આ ઘટનાની તપાસ માગીએ છીએ. ખરા અર્થમાં જે તે પથ્થર ફેંકનાર કસૂરવારની સીસીટીવી ફૂટેજ અને અન્ય તપાસના અંતે ધરપકડ કરાશે.

હજુ ખરો આરોપી પકડાયો નથી. મારા નામનો ઉલ્લેખ થયો હોવાથી હું આ ખુલાસો ગૃહમાં કરું છું તેવું શંકરભાઈ ચૌધરીએ ગૃહને જણાવ્યું હતું. રાહુલ ગાંધીના બનાસકાંઠા પ્રવાસ દરમિયાન બનેલી પથ્થરમારાની ઘટના અંગે મહેસૂલ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ વિપક્ષના ગોવાભાઈ રબારીના પ્રશ્નના જવાબમાં રાહુલ ગાંધી સરકારી નિયમોને અનુસરતા ન હોઈ અને એસપીજીની વાનનો ઉપયોગ ન કરવાના કારણે આ ઘટના બની હોવાનો ઉલ્લેખ કરતાં કોંગ્રેસના ધારાસભ્યો ઉશ્કેરાયા હતા અને સૂત્રોચ્ચાર કર્યો હતો. અધ્યક્ષની વારંવારની સૂચના છતાં ધારાસભ્યોએ સૂત્રોચ્ચાર ચાલુ રાખતાં અધ્યક્ષે તેમને બહાર જવાની ફરજ પાડી હતી અને તેમના સ્થાન ઉપર ન રહેલા િવરોધ પક્ષના ધારાસભ્યોને ગૃહની બહાર કાઢવામાં આવ્યા હતા.

ધારાસભ્યો દ્વારા ‘શરમ’ શબ્દની ટિપ્પણી કરવામાં આવતાં અધ્યક્ષે કહ્યું હતું કે તમે ક્યાં હતા, જ્યારે પૂરગ્રસ્તોની મદદે હું પણ હતો. શરમ તમે કરો. ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ ગૃહને વધુમાં કહ્યું હતું કે રાહુલ ગાંધીને બુલેટપ્રૂફ કાર આપી હતી. રાહુલ ગાંધીએ તેનો ઈન્કાર કર્યો હતો. તેમણે સરકારને મુલાકાતનો સાચો સમય પણ જણાવ્યો ન હતો.

http://sambhaavnews.com/

You might also like