વૈશ્વિક બજારોમાં અનિશ્ચિતતાભર્યા માહોલ વચ્ચે શેરબજાર રેડ ઝોનમાં ખૂલ્યું

અમદાવાદ: આજે શરૂઆતે શેરબજાર નીચા ગેપથી ખૂલ્યું હતું. વૈશ્વિક બજારોમાં અનિશ્ચિતતાભર્યા માહોલ તથા એફઆઇઆઇની વેચવાલી અને રૂપિયાની નરમાઇના પગલે શેરબજારમાં પણ ઘટાડાની ચાલ જોવા મળી હતી.

બીએસઇ સેન્સેક્સ ૨૬ પોઇન્ટના ઘટાડે ૩૫,૧૯૦, જ્યારે એનએસઇ નિફ્ટી ૨૦ પોઇન્ટના ઘટાડે ૧૦,૬૫૦ની સપાટીએ ટ્રેડિંગમાં જોવા મળી હતી. બેન્ક નિફ્ટીમાં પણ ૨૬ પોઇન્ટનો ઘટાડો નોંધાયો હતો. ઓઇલ એન્ડ ગેસ સહિત પીએસયુ બેન્ક, ઓટો, મેટલ, ફાર્મા, રિયલ્ટી, કેપિટલ ગુડ્સ, કન્ઝ્યુમર ડ્યુરેબલ સેક્ટરના શેરમાં ભારે વેચવાલી જોવા મળી હતી.

ગ્રાસીમ, ગેઇલ, કોલ ઇન્ડિયા, એચપીસીએલ, બીપીસીએલ, એસબીઆઇ, આઇસીઆઇસીઆઇ બેન્કના શેરમાં શરૂઆતે ચાર ટકા સુધીનો ઘટાડો જોવા મળ્યો હતો, જ્યારે ઇન્ફોસિસ, ટાટા સ્ટીલ, એચસીએલ ટેક્નોલોજીના શેરમાં નરમાઇ જોવાઇ હતી.

ઓઈલ કંપનીઓના શેર ડાઉન
HPCL ૩.૫૪ ટકા
ગેઈલ ૨.૬૫ ટકા
BPCL ૨.૪૬ ટકા
ઈન્ડિયન ઓઈલ ૧.૧૮ ટકા
ONGC ૦.૧૬ ટકા
રિલાયન્સ ૦.૨૯ ટકા
કેસ્ટ્રોલ ૦.૩૩ ટકા

ટ્રેડ વોર પેનિકઃ વૈશ્વિક શેરબજાર વધુ તૂટ્યાં
અમેરિકા અને ચીન વચ્ચેની ટ્રેડ વોરને લઈ ઊભી થયેલી પરિસ્થિતિના પગલે વૈશ્વિક શેરબજારમાં ઘટાડો અટકવાનું નામ લેતો નથી. યુએસ શેરબજાર વધુ ૧.૫૪ ટકા તૂટ્યાં છે. છેલ્લે યુએસ ડાઉ ઇન્ડેક્સ ૧૬૫ પોઇન્ટના ઘટાડે ૨૪,૧૧૭, જ્યારે નાસ્ડેક ૧૧૬ પોઇન્ટના ઘટાડે ૭,૪૪૫ પોઇન્ટની સપાટીએ બંધ જોવાયો હતો.

એસએન્ડપી ૫૦૦ ઇન્ડેક્સ પણ ૨૩ પોઇન્ટના ઘટાડે ૨૬૯૯ પોઇન્ટની સપાટીએ બંધ જોવાયો છે. અમેરિકા અને ચીન વચ્ચેની ટ્રેડ વોરને લઇ અસમંજસની સ્થિતિ બની છે. યુએસ ટેક્નોલોજી ઇન્ડસ્ટ્રીઝમાં ચાઇનીઝ કંપનીઓનું રોકાણ વધી રહ્યું છે. ટ્રમ્પના નિશાન પર હવે આવી કંપનીઓ છે.

આજે એશિયાઇ શેરબજારમાં પણ નરમાઇનો માહોલ જોવા મળ્યો હતો. જાપાનનો નિક્કી ઇન્ડેક્સ ૯૪ પોઇન્ટ તૂટ્યો હતો. તાઇવાન, દક્ષિણ કોરિયાનો કોસ્પી અને શાંઘાઇ શેરબજાર ઇન્ડેક્સ પણ રેડ ઝોનમાં ખૂલ્યો હતો.

You might also like