શેરબજારમાં ધીમો પણ મજબૂત સુધારો જોવાઈ શકે

શેરબજાર ગઇ કાલે છેલ્લે પોઝિટિવ બંધ થયું હતું. બીએસઇ સેન્સેક્સ ૯૧ પોઇન્ટને સુધારે ૩૪,૧૯૨, જ્યારે એનએસઇ નિફ્ટી ૨૧ પોઇન્ટને વધારે ૧૦,૪૮૦ પોઇન્ટની સપાટીએ બંધ જોવાઇ હતી. સપ્તાહ દરમિયાન સેન્સેક્સમાં ૧.૭ ટકા, જ્યારે નિફ્ટીમાં ૧.૪ ટકાનો વધારો નોંધાતો જોવા મળ્યો હતો.

ખાસ કરીને આઇટી સેક્ટર ઇન્ડેક્સમાં મજબૂત ૫.૫ ટકાનો સુધારો નોંધાતો જોવા મળતા તેની બજાર ઉપર પોઝિટિવ અસર જોવા મળી હતી. બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે ત્રણ સપ્તાહમાં સેન્સેક્સમાં ૫ ટકાનો સુધારો નોંધાતો જોવા મળ્યો છે, જોકે વૈશ્વિક બજારમાં ક્રૂડના ઊંચા ભાવને કારણે ઓઇલ માર્કેટિંગ કંપનીના શેરમાં ઘટાડાની ચાલ જોવા મળી હતી.

સપ્તાહ દરમિયાન બીપીસીએલ, એચપીસીએલ અને આઇઓસી કંપનીના શેરમાં ૬ ટકા સુધીનો ઘટાડો નોંધાતો જોવા મળ્યો હતો. તો બીજી બાજુ સપ્તાહમાં નિફ્ટી બેન્ક ઇન્ડેક્સમાં ૧.૩ ટકાનો સુધારો નોંધાયો છે. તે એક સારો સંકેત નિષ્ણાતોએ ગણાવ્યો છે. નોંધનીય છે કે ગઇ કાલે છેલ્લે બેન્ક નિફ્ટી ૨૫,૨૦૦ની સપાટીએ બંધ જોવા મળી હતી.

સપ્તાહ દરમિયાન સ્મોલકેપ ઇન્ડેક્સમાં ૦.૬ ટકા, જ્યારે મિડકેપ ઇન્ડેક્સમાં ૦.૮ ટકાનો સુધારો જોવા મળ્યો છે. રોકાણકાર સહિત મ્યુચ્યુઅલ ફંડોએ નીચા મથાળે સ્મોલકેપ અને મિડકેપ સેક્ટરના શેરમાં ખરીદી વધારતાં આ સેક્ટરના શેરમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો છે.

એ જ પ્રમાણે અમેરિકા અને ચીન વચ્ચે ‘ટ્રેડ વોર’નાં એંધાણ ઘટતાં મેટલ કંપનીઓના શેરમાં સુધારાની ચાલ જોવા મળી હતી. સપ્તાહ દરમિયાન મેટલ ઇન્ડેક્સમાં ૩.૪ ટકાનો સુધારો નોંધાતો જોવા મળ્યો હતો.

આગામી સપ્તાહે સોમવારે ભારતીય હવામાન ખાતાનું પ્રથમ અનુમાન જાહેર થશે. બજારની નજર તેના ઉપર મંડાયેલી રહ્શે. નોંધનીય છે કે આ અગાઉ ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટ દ્વારા દેશમાં સારું ચોમાસું રહેવાનું અનુમાન વ્યક્ત કરાયું છે.

સોમવારે હોલસેલ મોંઘવારીના આંકડા પણ રજૂ થશે તથા કેટલીક અગ્રણી કંપનીનાં પરિણામ પણ જાહેર થનાર છે. જેના પગલે ‘સ્ટોક સ્પેસિફિક’ મૂવમેન્ટ જોવા મળી શકે છે. અમેરિકાએ બ્રિટન અને ફ્રાંસ સાથે મળીને સિરિયા ઉપર જોરદાર હવાઇ હુમલા કર્યા છે અને તેના કારણે આગામી સપ્તાહે શરૂઆતે બજાર ઉપર અસર નોંધાઇ શકે છે, જોકે ઘટાડે ફંડામેન્ટલ મજબૂત શેરમાં ખરીદી ફાયદેમંદ ગણાવી શકાય તેવી ભીતિ બજારના એનાલિસ્ટ દ્વારા વ્યક્ત કરાઇ રહી છે.

બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે સેન્ટિમેન્ટ જોતાં આગામી સપ્તાહમાં પણ બજારમાં સુધારાની ચાલ જોવા મળી શકે છે. નિફ્ટી ૧૦,૭૦૦-૧૦,૮૦૦ની સપાટી જોવા મળી શકે છે. બજારમાં ઘટાડાની શક્યતા ઓછી છે. નિફ્ટી ૧૦,૩૦૦ મહત્ત્વનું સપોર્ટ લેવલ ગણાવી શકાય.

આગામી સપ્તાહે આવનારાં પરિણામ
૧૭.૦૪.૧૮-મંગળવારઃ ક્રિસિલ, મુથ્થુટ કેપિટલ સર્વિસ, ટાટા સ્પોન્જ
૧૮.૦૪.૧૮-બુધવારઃ એસીસી, એચડીએફસી સ્ટાન્ડર્ડ લાઇફ ઇન્સ્યોરન્સ, માસ્ટેક, માઈન્ડ ટ્રી
૧૯.૦૪.૧૮-ગુરુવારઃ ઇન્ડસ ઇન્ડ બેન્ક, CYIENT, રિલાયન્સ પાવર, ટીસીએસ

You might also like