રાજ્ય સરકારે પ્રજાલક્ષી કાર્યોને ટોચ અગ્રતા આપી છે

અમદાવાદ ; રાજ્યના નાણાંમંત્રી સૌરભ પટેલે ધારાસભ્યોની પરામર્શ સમિતિની બેઠકને સંબોધતા જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી આનંદીબહેન પટેલના નેતૃત્વમાં ગતિશીલ ગુજરાતે વિકાસની નૂતન ઊંચાઇ હાંસલ કરી છે. ગુજરાતની વિકાસ સિદ્ધિના મૂળમાં આ રાજ્ય સરકારેપ્રજા કલ્યાણલક્ષી કાર્યોને આપેલી ટોચ અગ્રતા જ રહેલી છે.આ બેઠકમાં ધારાસભ્યોના તમામ સૂચનો પ્રત્યે હકારાત્મક અભિગમ દાખવી મંત્રીએ જણાવ્યું હતું કે, ધારાસભ્યોના પ્રજા કલ્યાણલક્ષી સૂચનોના અમલ માટે બનતી ત્વરાએ પગલાં લેવાશે.

મંત્રીએ રાજ્ય સરકારના સંબંધિત વિભાગો દ્વારા ધારાસભ્યોના રજૂ થયેલા પ્રશ્નો પ્રત્યે હકારાત્મક અભિગમ દાખવી ઝડપી ઉકેલ માટે પ્રવૃત્ત થવા અનુરોધ કર્યો હતો.આ બેઠકમાં વિસ્તારની દૃષ્ટિએ વીજ નિગમની કચેરીઓ સ્થાપવી, વીજ ઉપકરણોની સરળ ઉપલબ્ધ અને મટિરિયલ મેનેજમેન્ટ, નવા ૬૬ કે. વી. સબ સ્ટેશન સ્થાપવા, લો-વોલ્ટેજના નિવારણ, કચ્છ જિલ્લામાં નર્મદાનું વધારાનું પાણી પૂરું પાડવા, કચ્છ જિલ્લામાં ૫૦૦ જેટલાં નવા તળાવો બાંધવા, કચ્છમાં કૃષિ કોલેજની સ્થાપના, રોડ-રસ્તાના નવા કામ, વલસાડ તાલુકામાં લો-વોલ્ટેજની સમસ્યા, પડતર જમીનનો વિકાસ, તિથલ અને પારનેરા ડુંગરમાં પ્રવાસન વિકાસ જેવા મુદ્દાઓ સંદર્ભે ધારાસભ્યોએ લેખિત રજૂઆત કરી હતી. મંત્રીએ ધારાસભ્યોની રજૂઆતો પ્રત્યે હકારાત્મક અભિગમ દાખવી પ્રજાલક્ષી ઉકેલ માટે જણાવ્યું હતું.

You might also like