સટોડિયાઓને ભારે પડી રહી છે IPL: તિજોરી ધીમે ધીમે ખાલી થઈ રહી છે

મુંબઈઃ આઇપીએલનું છેલ્લું એક સપ્તાહ સટોડિયાઓને સારું એવું પડી ગયું. વિશ્વસનીય સૂત્રોનું કહેવું છે કે ૨૦ એપ્રિલથી સટોડિયાઓ (બુકી) કરોડો રૂપિયા પન્ટરો સામે હારી ચૂક્યા છે. આઇપીએલ તા. ૭ એપ્રિલથી શરૂ થઈ હતી અને ૨૭ મે સુધી ચાલવાની છે.

શરૂઆતના ૧૨થી ૧૩ દિવસ સટોડિયાઓએ જબરદસ્ત કમાણી કરી હતી, પરંતુ બાદમાં પરિણામ તેમની અપેક્ષાથી તદ્દન વિપરીત આવવા લાગ્યાં. આથી તેઓની તિજોરી હવે ધીરે ધીરે ખાલી થવા લાગી છે.

આવું એટલા માટે બની રહ્યું છે, કારણ કે આઇપીએલની મોટા ભાગની મેચ અંતિમ ઓવર સુધી પહોંચે છે. મેચ જબરદસ્ત રોમાંચક બને છે. જીતી રહેલી ટીમના મોઢામાંથી હરીફ ટીમ વિજયનો કોળિયો ઝૂંટવી લે છે. આવું થતાં જ ભલભલા સટોડિયાઓએ લગાવેલો દાવ ઊંધો પડી જાય છે.

એક સૂત્રએ દાવો કર્યો હતો કે જેઓ નાના બુકી છે, જેઓ એક લાખ રૂપિયાથી ઉપરનો ભાવ લેતા નથી તેઓએ હાલ સટ્ટો અટકાવી દીધો છે. જે મોટા મોટા સટોડિયા છે, જેઓ આર્થિક રીતે ખૂબ જ સંપન્ન છે તેઓ હજુ પણ હારેલી બાજી જીતવાની આશા રાખી રહ્યા છે. તેઓએ પોતાની રમત હજુ ચાલુ રાખી છે.

આઇપીએલમાં શનિવાર અને રવિવારે બે-બે મેચ રમાઈ રહી છે. સપ્તાહના અન્ય પાંચેય દિવસ દરમિયાન રોજ એક જ મેચ રમાય છે. સટોડિયાઓ અને પન્ટરોમાં કોણ કેટલા હાર્યા કે કેટલા જીત્યા એ મેચ પૂરી થયાની પાંચ મિનિટની અંદર જ જાણી શકાય છે, કારણ કે સટ્ટાબાજી હવે સંપૂર્ણપણે ડિજિટલ થઈ ગઈ છે.

જોકે હારેલી કે જીતેલી વ્યક્તિ એ દિવસે પેમેન્ટ કરતી નથી. પેમેન્ટ માટે સોમવારનો દિવસ નિર્ધારિત કરાયો છે. સટોડિયાઓએ આના માટે કર્મચારી રાખ્યા હોય છે. જો સટોડિયો હારી જાય તો તેનો માણસ પેમેન્ટ આપવા માટે પન્ટરને ત્યાં જાય છે. જો સટોડિયો જીતી જાય તો પણ તેનો જ માણસ પેમેન્ટ લેવા માટે પન્ટર પાસે પહોંચી જાય છે.

જો પન્ટર હારી જાય તો તેણે પૂરેપૂરી રકમ સટોડિયાને ચૂકવવી પડે છે, પરંતુ જો સટોડિયો હારી જાય તો તે બે ટકા કમિશન કાપીને બાકીની રકમ પન્ટરને ચૂકવી આપે છે. આ બધી જ લેતી-દેતી રોકડમાં થતી હોય છે. ચેક અથવા ઓનલાઇન ટ્રાન્ઝેક્શન ક્યારેય થતું નથી.

You might also like