આત્મા અને પરમાત્મા અવિનાશી અને અમર છે

વિનાશ પામનારાં બધાં પ્રાણીઓમાં જે લોકો અવિનાશી પરમાત્માને જુએ છે અને જે જાણે છે કે આત્મા અને પરમાત્મા બંને અવિનાશી છે, તે જ ખરું જુુએ છે. જે મનુષ્ય પરમાત્માને પ્રાણીમાત્રમાં અને સર્વ સ્થળે સમભાવ રહેલ જુએ છે તે પોતાની જાતને હણતો નથી કે હલકી પાડતો નથી. આથી જ તેઓ પરમ ગતિ પામે છે. આત્મા અને પરમાત્મા અવિનાશી અને અમર છે. મતલબ કે જે બીજામાં રહેલ શુભ તત્ત્વની કદર કરે છે તે પોતાની જાતની પણ કદર કરી શકે છે. પોતાની જાતને હલકી પાડતો નથી. વાસ્તવમાં કોઇ દુર્બળ નથી. આત્મા અનંત અને સર્વશકિતમાન છે. આથી મનુષ્યે પોતાના મૂળ સ્વરૂપને જ પ્રગટ કરવાનું છે. માનવીના મન પર આળસ, દુર્બળતા અને મોહ છવાઇ ગયાં હોય છે, પરંતુ એક વાર તેના આત્માને જગાડવામાં આવે તો તે સક્રિય થઇ જાય છે. આળસ અને દુર્બળતા દૂર થતાં સાધુતા અને પવિત્રતા આપોઆપ આવે છે.

સાધના તો જીવતાં જ કરવાની હોય અને જીવવા માટે ખાવું-પીવું જોઇએ, પરંતુ મનને આસકત કરવું નહીં અને આત્મલક્ષી રાખવું જોઇએ. સંસારમાં અનેક પ્રકારના મનુષ્ય જોવા મળે છે, જેમાં દુર્જન એટલે દુષ્ટ કે ખરાબ માણસ, પાપી માણસ, બદમાશ માણસ. જે માણસ ખરાબીઓથી ખદબદતો હોય, જેના અંગેઅંગમાં ઝેર હોય, જેની સોબતથી સદાચાર નાશ પામતો હોય એવો અધમ માણસ તે દુર્જન. દુર્જન વિદ્યાવાન હોય તો પણ એનો સંગ ક્યારેય ન કરાય. એવા માણસથી તો દૂૂર રહેવું એ ડહાપણભર્યું કહેવાય. મણિધર સાપ શોભાયમાન હોય છે છતાં એનામાં ઝેર જ હોય છે. આથી તેનાથી દૂર રહેવું જોઇએ. વિદ્યા વડે ભલે કોઇ માણસ શોભાયમાન હોય, પરંતુ વિદ્યાના બદલે અવિદ્યા જેના આચરણમાં ઊતરી આવી હોય એવા દુરાચારી માણસથી તો સો કદમ છેટે રહેવામાં જ શાણપણ છે.

ખરાબીનો સંગ જ ખોટો, કેમ કે ખરાબી એક પ્રકારનો વાઇરસ હોવાથી તે ઝડપથી ફેલાય છે. એના સંસર્ગમાં જે કોઇ આવે એ ઝડપથી ખરાબ બની જાય છે. સારાપણાનો સંગ જ સાચો, પરંતુ સારાપણું બહુ ધીમેથી ફેલાય છે એટલે એના સંસર્ગમાં જે કોઇ આવે તે ધીમે ધીમે સારો બને છે. પાપીઓનું પ્રમાણ વધુ હોવાનું અને પુણ્યશાળીઓનું પ્રમાણ ઓછું હોવાનું કારણ એ કે ખરાબ આચરણનો ફેલાવો ઝડપી જ્યારે સારાનો ધીમો હોય છે અને એટલે જ પાપયુક્ત પૈસો ઝડપી, જ્યારે પાપમુકત પૈસો બહુ ધીમેથી મેળવી શકાય છે.

દુર્જન કેટલી હદે નીચતા દાખવી શકે છે કે તે પોતાના આશ્રયદાતાનો પણ નાશ કરતાં અચકાતો નથી. જેણે આશ્રય આપ્યો હોય એનો તો આભાર માનવો જોઇએ. એના બદલે આશ્રયદાતાનો જ નાશ કરતાં જે અચકાતો નથી એ માણસ તો રાક્ષસ જ કહેવાય ને? દુર્જન વખત આવ્યે રાક્ષસ બની જાય છે, એ સારા-ખોટાનો વિચાર જ કરી શકતો નથી.

http://sambhaavnews.com/

You might also like