કેરળમાં હજુુ પણ પૂરની સ્થિતિ ગંભીરઃ PM મોદી આજે સાંજે કેરળ જશે

તિરુવનંતમપુરમ્: છેલ્લા કેટલાય દિવસથી કેરળમાં જારી વરસાદ અને પૂરનો કહેર દિન પ્રતિ દિન રૌદ્ર સ્વરૂપ લેતો જાય છે. સમગ્ર જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું છે અને ઠેર ઠેર તબાહી અને તારાજીનાં દૃશ્યો જોવા મળી રહ્યાં છે.

કેરળમાં વરસાદના કારણે અત્યાર સુધી ૧૧૩થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. ગઇ કાલે ગુરુવારે જ વરસાદી કહેરનેે કારણે ૩૦ લોકોનાં મોત થયાં હતાં. ૧૯ર૪ બાદ સૌથી ખતરનાક પૂર આવ્યાં છે. પૂરના કારણે રૂ.૮,૦૦૦ કરોડથી વધુનું નુકસાન થયું છે, વિમાની, ટ્રેન અને બસ સેવા હજુ પણ ઠપ છે.

કેરળમાં પૂરની ગંભીર સ્થિતિને ધ્યાનમાં લઇને વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે સાંજે કેરળની મુલાકાતે જવાના છે. તેમણે આજે રાજયના મુખ્યપ્રધાન પી.વિજયન સાથે વાત પણ કરી હતી. પૂર અનેે વરસાદી કહેરને પગલે દોઢ લાખથી વધુ લોકો બેઘર બની ચૂકયા છે અને હાલ રાહત છાવણીમાં શરણું લઇ રહ્યા છે. કેરળના ૧૪ જિલ્લામાં હાઇએલર્ટ જારી કરવામાં આવ્યું છે.

પૂરની સમીક્ષા કરવા વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે સાંજે વાજપેયીના અંતિમ સંસ્કાર બાદ કેરળ જવા રવાના થશે. આ અંગે પીએમ મોદીએ ટ્વિટ કરીને લખ્યું હતું કે કેરળના મુખ્યપ્રધાન પીનરાઇ વિજયન સાથે હમણાં જ ટેલિફોન પર વાતચીત થઇ છે. અમે રાજ્યમાં પૂરની સ્થિતિની ચર્ચા કરી હતી અને બચાવ તેમજ રાહત અભિયાનની પણ સમીક્ષા કરી હતી. સાંજે સ્થિતિની સમીક્ષા કરવા હું કેરળ જઇ રહ્યો છું.

એનડીઆરએફની ૩પ ટીમ આજે કેરળ પહોંચનાર છે. ભારતીય કોસ્ટગાર્ડની રાહત અને બચાવ ટીમને વાંડી પેરિયારથી પૂરગ્રસ્ત મંજુમલા ગામમાં સ્થળાંતર કરવામાં આવી છે. ટીમે ગામના પૂરમાં ફસાયેલા ૧૬ લોકોને બચાવી લીધા હતા.

રાહત અને બચાવ અભિયાનમાં આર્મી, એરફોર્સ, નેવી, કોસ્ટગાર્ડ અને એનડીઆરએફની બાવન ટીમો સાથે એનજીઓ પણ રાહત અને બચાવ અભિયાનમાં સક્રિય રીતે લાગી ગયા છે. કેરળના પંથનમ મતીતા જિલ્લામાં આવેલ રની, અરનમુલા, કોઝોનચેરી ગામમાં હજારો લોકો વરસાદના કારણે પોતાના ગામોમાં કેદ છે. પંથનમ મતીતા, અર્નાકુલમ અને થરીશસુર જિલ્લાના કેટલાય ભાગોમાં હજુ પણ ર૦ ફૂટ જેટલાં પાણી ભરાયાં છે. તેના કારણે ગામોની ગલીઓ અને શેરીઓ સરોવરમાં તબદિલ થઇ ગઇ છે.

આ ઉપરાંત કેટલાક જિલ્લાઓમાં ભૂસ્ખલનની પણ કેટલીક ઘટનાઓ બની છે. આ દરમિયાન સુપ્રીમ કોર્ટે પણ મલ્લપેરિયાર ડેમના અધિકારીઅોને સૂચના આપી છે કે તેઓ ડેમનાં પાણી છોડવાથી સર્જાનારી સ્થિતિને ધ્યાનમાં રાખીને અગાઉથી તેનો પ્લાન તૈયાર રાખે.

You might also like