શાહપુર દરવાજા બહારની ર૩ દુકાનો મેટ્રો રેલ માટે દૂર કરાશે

અમદાવાદ: રાજ્ય સરકારના મહત્વાકાંક્ષી મેટ્રો રેલ પ્રોજેકટમાં ગતિ લાવવા માટે છેલ્લા કેટલાક સમયથી મ્યુનિસિપલ સત્તાવાળાઓ દ્વારા એક અથવા બીજા સ્થળની જમીન મેગા કંપનીને સોંપાઇ રહી છે. હવે શાહપુર દરવાજા બહાર વર્ષો અગાઉ દેશના વિભાજન સમયે આવેલા વિસ્થાપિતોને ફાળવાયેલી ર૩ દુકાનોને દૂર કરાશે.

આજે સવારે મળેલી સ્ટેન્ડિંગ કમિટીમાં મધ્ય ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા મુકાયેલી દરખાસ્ત મુજબ ‌ટીપી સ્કીમ નં.૩ અને ફાઇનલ પ્લોટ નં.૧૧૬ની જમીન મેટ્રો રેલ પ્રોજેક્ટ સ્ટેશનના બાંધકામ માટે મેગા કંપનીને સોંપવાની દરખાસ્ત મુકાઇ છે. આશરે ૧૮૦૦ ચો.મી. જમીન પૈકીની મ્યુનિસિપલ ગાર્ડન સહિતની ૧પ૦૦ ચો.મી. જમીન અગાઉ મેટ્રો રેલ પ્રોજેકટ હેઠળ મેગા કંપનીને સોંપાઇ ગઇ છે. હવે બાકીની જમીન પર આવેલી મ્યુનિસિપલ લાઇબ્રેરી તેમજ મ્યુનિસિપલ ગાર્ડન તેમજ વિસ્થાપિતોને ફાળવાયેલી ર૩ દુકાનો ખસેડવાની થાય છે.

દુકાનો ખસેડાયા બાદ તંત્રને વધુ ૬૦૦ ચો.મી. જમીન ઉપલબ્ધ થશે. મેટ્રો રેલ સ્ટેશનના નિર્માણના કારણે આ તમામ દુકાનો પૂર્ણપણે અસર પામતી હોઈ તેના કબજેદારોને તાકીદના ધોરણે ખાલી કરવાની દરખાસ્તને સ્ટેન્ડિંગ કમિટીએ મંજૂરીની મહોર મારી છે. આ વિસ્થાપિતોને હવે મેગા કંપની અન્યત્ર દુકાન ફાળવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે આજની સ્ટેન્ડિંગ કમિટી ચૂંટણી આચારસંહિતા પૂર્વેની છેલ્લી સ્ટેન્ડિંગ કમિટી હોઇ શાસકો દ્વારા રૂ.૭૦ કરોડથી વધુના રોડના કામના વર્કઓર્ડર પણ તૈયાર કરી રખાયા છે. તાકીદના કામોમાં પણ વધુ લાખો રૂપિયાના કામોને મંજૂરી અપાઇ હતી.

You might also like