શેરબજારમાં સુધારો છતાં છ માસમાં ગુજરાતની કંપનીઓના શેર ધોવાયા

અમદાવાદ: શેરબજારમાં આજે શરૂઆતે ઘટાડો જોવાયા બાદ નીચા મથાળેથી રિકવરી નોંધાઇ છે. સેન્સેક્સ તેના ઓલટાઈમ હાઇની નજીક ૩૬,૨૮૫ની સપાટીએ પહોંચી ગયો છે.

છ મહિનામાં સેન્સેક્સમાં પાંચ ટકાથી પણ વધુનો સુધારો જોવાઇ ચૂક્યો છે. જોકે તેમ છતાં પણ ગુજરાતસ્થિત મોટા ભાગની કંપનીના શેરમાં ઘટાડાની ચાલ જોવા મળી છે. એટલું જ નહીં જાહેર ક્ષેત્રના એકમોમાં પણ છેલ્લા છ મહિનામાં ૩૭ ટકા સુધીનો ઘટાડો નોંધાતો જોવા મળ્યો છે.

બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે છેલ્લા એક સપ્તાહમાં ઘટાડે રિકવરી જોવા મળી છે. વિદેશી સંસ્થાગત રોકાણકારોની લેવાલી તથા સ્થાનિક સંસ્થાગત રોકાણકારો સહિત રોકાણકારોની લાર્જકેપ સેક્ટરની કંપનીઓના શેરમાં વધતાં રોકાણના પગલે બજારમાં સુધારાની ચાલ જોવા મળી છે, જોકે રસપ્રદ બાબત એ છે કે છ મહિનામાં સેન્સેક્સમાં ૫.૩૭ ટકાનો સુધારો જોવા મળ્યો છે.

તો તેની સામે ગુજરાતની મોટા ભાગની કંપનીઓના શેરમાં છ મહિનામાં ઘટાડો જોવા મળ્યો છે. અદાણી ગ્રૂપની મોટા ભાગની કંપનીના શેરમાં છ મહિનામાં ઘટાડો જોવા મળ્યો છે. ટોરન્ટ પાવર, કેડિલા હેલ્થકેર કંપનીના શેરમાં પણ અનુક્રમે ૨૦ ટકા અને ૧૪ ટકાનો ઘટાડો નોંધાયો છે, જોકે ટોરન્ટ ફાર્મામાં સાધારણ ચાર ટકા અને ઝાયડસ વેલનેસમાં ૩૨ ટકાનો છ મહિનામાં સુધારો નોંધાયો છે.

નબળાં પરિણામના પગલે રોકાણકારોમાં ખરીદીના આકર્ષણના અભાવ વચ્ચે જોવા મળેલી વેચવાલીના પગલે ગુજરાતની મોટા ભાગની કંપનીના શેરમાં ઘટાડાની ચાલ જોવા મળી છે.

જાહેર ક્ષેત્રના મોટા ભાગના એકમોના શેરો ધોવાઇ ગયા છે. જીએસીએલ, જીએમડીસી, જીએસએફસી કંપનીના શેરમાં ૩૭ ટકા સુધીનો ઘટાડો નોંધાતો જોવા મળ્યો છે. સેન્ટિમેન્ટ જોતાં ગુજરાતની આ કંપનીઓના શેરમાં સુધારો જોવાય તેવી શક્યતા હાલ ઓછી છે તેવો મત વ્યક્ત કરાયો છે.

You might also like