સળંગ સાત ટ્રેડિંગ સેશનઃ સેન્સેક્સમાં ૧૨૦૦ પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો

અમદાવાદ: આજે શેરબજારમાં આગેકૂચ જારી રહેલી જોવા મળી હતી. સળંગ સાતમા ટ્રેડિંગ સેશનમાં સેન્સેક્સમાં ૧૨૦૦ પોઇન્ટનો ઉછાળો નોંધાતો જોવા મળ્યો હતો. આજે શરૂઆતે બીએસઇ સેન્સેક્સ ૧૨૪ પોઇન્ટના સુધારે ૩૪,૨૨૬, જ્યારે એનએસઇ નિફ્ટી ૩૨ પોઇન્ટના સુધારે ૧૦,૪૯૧ પોઇન્ટની સપાટીએ ટ્રેડિંગમાં જોવા મળી હતી.

બેન્ક શેર સહિત વૈશ્વિક શેરબજારમાં જોવા મળેલા સુધારાની અશર શેરબજાર ઉપર જોવા મળી હતી. મેટલ અને મિડકેપ-સ્મોલકેપ સેક્ટરના શેરમાં પણ સકારાત્મક ચાલ જોવા મળી હતી.

આજે શરૂઆતે અદાણી પોર્ટ્સ, આઇસીઆઇસીઆઇ બેન્ક, એક્સિસ બેન્કના શેરમાં એક ટકાથી ૧.૩૦ ટકાનો સુધારો જોવા મળ્યો હતો. જ્યારે ટાટા મોટર્સ, હિંદુસ્તાન યુનિલિવર અને એચડીએફસીના શેરમાં પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું હતું. બેન્ક નિફ્ટીમાં પણ ૧૧૭ પોઇન્ટનો ઉછાળો નોંધાયો હતો અને નિફ્ટી ૨૫,૩૦૦ને પાર જોવા મળી હતી.

મિડકેપ સેક્ટરના શેર જેવા કે ઇન્ડિયન હોટલ, અદાણી એન્ટરપ્રાઇઝ, ઓબેરોય રિયલ્ટી અને સ્મોલકેપ સેક્ટરના શેર જેવા કે આરસીએફ, એમબીએલ ઇન્ફ્રા, આધુનિક ઇન્ડસ્ટ્રીઝ કંપનીના શેરમાં ચારથી છ ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. તો બીજી બાજુ એમ્ફેસિસ, પીએનબી હાઉસિંગ, વક્રાંગી, પિનકોન સ્પિરિટ, સુપ્રીમ ઇન્ફ્રા. કંપનીના શેર ત્રણથી પાંચ ટકા તૂટ્યા હતા.

જાણકારોના કહેવા પ્રમાણે વિદેશી સંસ્થાગત રોકાણકારની નીચા મથાળે લેવાલીને પગલે શેરબજારમાં સતત સુધારાની ચાલ જોવા મળી રહી છે.

સોનાના ભાવ ‘ઓલ ટાઈમ હાઈ’થી ‘ડાઉન’
સ્થાનિક બજારમાં સોના અને ચાંદીના ભાવ અખાત્રીજ પૂર્વે ચમક્યા હતા. સોનાના ભાવમાં ઓલ ટાઇમ હાઇ ૩૨,૨૦૦ની સપાટીએ પહોંચી ગયા હતા, જ્યારે ચાંદીના ભાવ ૩૯,૫૦૦ની સપાટીએ જોવા મળ્યા હતા, જોકે આજે શરૂઆતે સોના અને ચાંદીના ભાવમાં ગાબડાં પડ્યાં છે.

વૈશ્વિક બજારમાં સોનામાં જોવા મળી રહેલી નરમાઇની અસથી સોનાના ભાવ તૂટ્યા છે. આજે શરૂઆતે સોનાના ભાવમાં સાધારણ ૧૦૦થી ૧૫૦ રૂપિયાનો ઘટાડો નોંધાઇ ૩૨,૦૫૦-૩૨,૧૦૦ની સપાટીએ ભાવ ખૂલ્યો હતો, જ્યારે ચાંદીના ભાવમાં પણ ૧૦૦ રૂપિયાનો ઘટાડો નોંધાઇ ૩૯,૪૦૦ પ્રતિકિલોની સપાટીએ જોવા મળ્યો હતો.

ફ્લિપકાર્ટને વોલમાર્ટ ખરીદી શકે છે
ઈ-કોમર્સ સેક્ટરની કંપની ફ્લિપકાર્ટને વોલમાર્ટ ખરીદી શકે છે. રોઇટરના રિપોર્ટ અનુસાર અમેરિકાની સૌથી મોટી રિટેલ ચેઇન કંપની વોલમાર્ટની સાથે ફ્લિપકાર્ટની ‘બિઝનેસ ડીલ’ અંતિમ તબક્કામાં પહોંચી ચૂકી છે. કંપની ખરીદીનો આ સોદો જૂન સુધીમાં પૂરો થઇ શકે છે.

રિપોર્ટ અનુસાર વોલમાર્ટે ફ્લિપકાર્ટને ખરીદવા માટે ૧૦૦૦થી ૧૨૦૦ કરોડ ડોલરની ઓફર કરી છે. ફ્લિપકાર્ટ કંપનીનો ૫૧ ટકા હિસ્સો વોલમાર્ટ ખરીદવાની યોજના બનાવી રહ્યું છે. જાણકારોના જણાવ્યા પ્રમાણે આ બિઝનેસ ડીલ બાદ દેશમાં ઇ-કોમર્સ માર્કેટમાં અમેરિકી કંપનીઓનું પ્રભુત્વ વધશે. હાલ દેશમાં ઇ-કોમર્સ માર્કેટ પર ફ્લિપકાર્ટ અને એમેઝોનનું પ્રભુત્વ છે.

You might also like