સળંગ પાંચ સેશનમાં સેન્સેક્સમાં ૧૫૦૦ પોઈન્ટનો ઉછાળો જોવાયો

અમદાવાદ: શેરબજારમાં આજે પણ આગેકૂચ જારી રહેલી જોવા મળી છે. વિદેશી શેરબજારોના સપોર્ટે તથા સ્થાનિક બજારમાં લેવાલીના માહોલે આજે સળંગ પાંચમા સેશનમાં સુધારાની ચાલ નોંધાઇ હતી. પાંચ દિવસમાં સેન્સેક્સમાં ૧૫૦૦ પોઇન્ટનો ઉછાળો નોંધાયો છે. આજે શરૂઆતે બીએસઇ સેન્સેક્સ ૧૧૭ પોઇન્ટને સુધારે ૨૬,૭૭૧ પોઇન્ટની સપાટીએ, જ્યારે એનએસઇ નિફ્ટી ૩૭ પોઇન્ટના સુધારે ૮૧૯૫ પોઇન્ટની સપાટીએ ટ્રેડિંગમાં જોવાઇ હતી.

બેન્ક શેર્સ સહિત મેટલ અને ઓટો શેર્સમાં ઉછાળો નોંધાયો હતો. એસબીઆઇ, કોલ ઇન્ડિયા, ટાટા સ્ટીલ, અદાણી પોર્ટ અને સન ફાર્મા કંપનીના શેર્સમાં એક ટકાથી બે ટકાનો ઉછાળો નોંધવામાં આવ્યો હતો. જ્યારે ભેલ, આઇટીસી, એશિયન પેઇન્ટ, એલએન્ડટી કંપનીના શેર્સમાં જોવાયેલી વેચવાલીએ આ શેર્સ તૂટ્યા હતા.

જાણકારોના જણાવ્યા પ્રમાણે નેગેટિવ પરિબળોના અભાવ વચ્ચે બજારમાં છેલ્લા કેટલાક સમયથી ઉછાળાની ચાલ નોંધાઇ છે. તેમાં પણ ખાસ કરીને ચોમાસું અને કોર્પોરેટ કંપનીના અપેક્ષા કરતાં સારાં રિઝલ્ટ બજારને સપોર્ટ કરી રહ્યાં છે.

You might also like