કૃણાલ અને શ્રેયસને તક મળે તેવી શક્યતા

મુંબઈઃ ઝિમ્બાબ્વે અને વેસ્ટ ઇન્ડીઝના પ્રવાસ માટે આજે પસંદગીકારો ટીમની જાહેરાત કરશે ત્યારે આઇપીએલમાં શાનદાર પ્રદર્શન કરનારા કૃણાલ પંડ્યા અને કરુણ નાયર પર પણ તેમની ખાસ નજર રહેશે. મુંબઈના યુવા શ્રેયસ અૈયરને પણ રણજી ટ્રોફીમાં શાનદાર પ્રદર્શનના ઇનામ તરીકે વેસ્ટ ઇન્ડીઝના પ્રવાસે જનારી ટેસ્ટ ટીમમાં સામેલ કરાય તેવી શક્યતા છે.

ઝિમ્બાબ્વે પ્રવાસ દરમિયાન નિર્ધારિત ઓવરની નાની શ્રેણી કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની માટે સિઝનની અંતિમ ટૂર્નામેન્ટ બની શકે છે, કારણ કે આ શ્રેણી પછી ભારત સતત ૧૭ ટેસ્ટ મેચ રમવાનું છે, જેની શરૂઆત વેસ્ટ ઇન્ડીઝમાં ચાર ટેસ્ટની શ્રેણીથી થશે. જો ધોની આરામ કરવા ઇચ્છે તો ઝિમ્બાબ્વે પ્રવાસ પર અજિંક્ય રહાણેને કેપ્ટનશિપ સોંપાય તેવી શક્યતા છે.

વિન્ડીઝ પ્રવાસ પર ભારતીય ટેસ્ટ ટીમની કમાન વિરાટ કોહલી સંભાળશે. તેના ઉપરાંત મુરલી વિજય, અજિંક્ય રહાણે, કે. એલ. રાહુલ, ઋદ્ધમાન સાહા, આર. અશ્વિન, અમિત મિશ્રા, ઈશાંત શર્માની ટીમમાં જગ્યા નિશ્ચિત માનવામાં આવી રહી છે, જ્યારે વધારાના બેટ્સમેન તરીકે શ્રેયસ ઐયરને ટીમમાં સામેલ કરવામાં આવી શકે છે. ઐયરે આ રણજી સિઝનમાં ૭૩.૩૮ની સરેરાશથી ૧૩૨૧ રન બનાવ્યા છે. બીજા વિકેટકીપર તરીકે નમન ઓઝાને સ્થાન મળી શકે છે. ત્રીજા સ્પિનર તરીકે હરભજનસિંહ અને રવીન્દ્ર જાડેજા વચ્ચે મુકાબલો થશે. ઈશાંત ઉપરાંત ફાસ્ટ બોલિંગમાં અન્ય ત્રણ દાવેદારો મોહંમદ શમી, ઉમેશ યાદવ અને વરુણ એરોન હશે. એ જોવું દિલચસ્પ બની રહેશે કે જસપ્રીત બૂમરાહ પોતાની યોર્કર બોલ નાખવાની ક્ષમતાથી ટેસ્ટ ટીમમાં સ્થાન મેળવવામાં સફળ થઈ શકે છે કે કેમ.

બીસીસીઆઇનાં સૂત્રોના જણાવ્યા અનુસાર પસંદગીકારો પાછલા મહિનાથી સતત રમી રહેલા સિનિયર ખેલાડીઓ વિરાટ કોહલી, રોહિત શર્મા, આર. અશ્વિન અને શિખર ધવનને ઝિમ્બાબ્વે પ્રવાસ પર મોકલવા ઇચ્છતા નથી. બેટ્સમેનોમાં કરુણ નાયર અને અંબાતી રાયડુ પર પસંદગીકારોની નજર રહેશ, જ્યારે રવીન્દ્ર જાડેજાના વિકલ્પ તરકે કૃણાલ પંડ્યાને સામેલ કરાય તેવી શક્યતા છે.

કે. એલ. રાહુલને વિકેટકીપર-બેટ્સમેન તરીકે ટીમમાં સામેલ કરાશે, જ્યારે ઋષભ પંત છૂપો રુસ્તમ સાબિત થઈ શકે છે. લેગ સ્પિનર યુજવેન્દ્ર ચહલને પણ ટીમમાં સ્થાન મળવાની આશા છે. ફાસ્ટ બોલિંગમાં મોહિત શર્મા અને જસપ્રીત બૂમરાહની પસંદગી નક્કી છે, જ્યારે ઈજાગ્રસ્ત આશિષ નેહરાના સ્થાને વરીન્દર સરન અને શ્રીનાથ અરવિંદમાંથી કોઈ એકને તક મળી શકે છે. જોકે સંદીપ શર્મા અને અશોક ડિંડા પર પણ પસંદગીકારોની નજર રહેશે. બોલિંગ ઓલરાઉન્ડરની જગ્યા હાર્દિક પંડ્યા અને સ્ટુઅર્ટ બિન્નીને મળી શકે છે.

You might also like