ગુરુવારે બોલ્ટનું ઑલિમ્પિક્સ માટેનું ભાવિ નક્કી થશે

કિંગસ્ટન: વિશ્વના ફાસ્ટેસ્ટ દોડવીર ઉસેન બોલ્ટની ડાબા ઘૂંટણના પાછળના ભાગની નસ ફાટી ગઈ છે, જેને કારણે તે શુક્રવારે ઘરઆંગણે જમૈકામાં ઑલિમ્પિક્સ માટેની ૧૦૦ મીટર દોડની ટ્રાયલની ફાઇનલમાંથી હટી ગયો હતો અને હવે તે આવતા મહિનાની રિયો ઑલિમ્પિક્સમાં ભાગ લઈ શકશે કે કેમ એ વિશેનો નિર્ણય લગભગ ગુરુવારે લેવાઈ જશે.

બોલ્ટ પગની સારવારને ધ્યાનમાં રાખીને ટ્રાયલ્સમાં પોતે થોડો સમય ભાગ નહીં લઈ શકે એવું જમૈકાના ઍથ્લેટિક્સ ઍડ્મિનિસ્ટ્રેટીવ એસોસિયેશને જણાવ્યું છે. જોકે, બોલ્ટને હવે ટ્રાયલ્સમાંથી વધુ મુક્તિ આપવી કે નહીં અને બીજી રીતે કહીએ તો તે ઑલિમ્પિક્સમાં ભાગ લેવા સમર્થ છે કે નહીં એ વિશેનો નિર્ણય એસો. દ્વારા ગુરુવારે લેવાઈ જશે.

બોલ્ટ આગામી ઑલિમ્પિક્સ પછી નિવૃત્ત થઈ જવાનો નિર્ણય થોડા મહિના પહેલાં જ જાહેર કરી ચૂક્યો છે. બોલ્ટ ૧૦૦ મીટરની દોડમાં ૯.૫૮ સેકંડનો વિશ્વ વિક્રમ ધરાવે છે. તેણે ૨૦૦૮ અને ૨૦૧૨ની ઑલિમ્પિક્સમાં ૧૦૦ મીટરનો ગોલ્ડ મેડલ જીત્યો હતો અને આ વખતે પણ ઑલિમ્પિક્સમાં મેડલ જીતશે તો તેના સુવર્ણચંદ્રકની હૅટ્રિક થઈ કહેવાશે.

You might also like