પૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટ, તેમના પરિવારજનોની સુરક્ષા પાછી ખેંચાઈ

અમદાવાદ: અનેક વિવાદોમાં ઘેરાયેલા ગુજરાતના પૂર્વ આઇપીએસ સંજીવ ભટ્ટ અને તેમના પરિવારની સિક્યોરિટી શહેર પોલીસ દ્વારા પાછી ખેંચી લેવામાં આવી છે. સંજીવ ભટ્ટ દ્વારા ટ્વિટ કરીને આ માહિતી આપવામાં આવી હતી, જોકે શહેર પોલીસના અધિકારીએ આ મામલે તેમની પાસે કોઇ માહિતી નથી તેવું જણાવ્યું હતું.

ગુજરાત કેડરના અને ઈન્ડિયન પોલીસ સર્વિસમાંથી દૂર કરાયેલા આઇપીએસ સંજીવ ભટ્ટને પોલીસ દ્વારા અપાયેલું પોલીસરક્ષણ પાછું ખેંચી લેવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે. અગાઉ શહેર પોલીસ તરફથી સંજીવ ભટ્ટ અને તેમના પરિવારને પોલીસરક્ષણ અપાયું હતું.

આજે સવારે સંજીવ ભટ્ટે ટ્વિટ કરીને જાણકારી આપતાં જણાવ્યું હતું કે મને અને મારા પરિવારને અપાયેલું પોલીસરક્ષણ અચાનક જ પાછું ખેંચી લેવામાં આવ્યું છે. ટ્વિટમાં તેમણે જણાવ્યું હતું કે મુખ્યપ્રધાન કાર્યાલય અને રાજ્ય પોલીસવડાની સૂચનાથી શહેર પોલીસ દ્વારા પોલીસરક્ષણ પાછું ખેંચવામાં આવ્યું છે.

ટ્વિટમાં વધુમાં તેમણે જણાવ્યું છે કે સંબં‌િધત લોકો જાણી લે કે આ પ્રકારની ધાકધમકી આપતી પ્રયુક્તિઓ નફરત ભડકાવતાં મને તત્ત્વો સામે લડતાં રોકી શકશે નહીં. પોલીસરક્ષણ પાછું લેવા બાબતે ઇન્ચાર્જ જેસીપી (સ્પેશિયલ બ્રાંચ) નીરજા ગોટરુએ જણાવ્યું હતું કે આ અંગે મને કોઇ માહિતી નથી.

You might also like