હાઇકોર્ટમાં રિટ થવાથી RTE હેઠળ એડમિશનનો બીજો રાઉન્ડ વિલંબમાં

અમદાવાદ: રાજ્ય સરકાર દ્વારા રાઇટ ટુ એજ્યુકેશન એકટ (આરટીઇ) હેઠળ ગરીબ અને વં‌િચત જૂથનાં બાળકોને પ્રવેશ આપવાની કામગીરી હાથ ધરાયા બાદ હવે પછી ટૂંક સમયમાં જાહેર થનારો આઇટીઇ એડમિશનનો બીજો રાઉન્ડ વિલંબમાં પડશે. ડીઇઓ કચેરી દ્વારા જાહેર કરાયેલા પહેલા લિસ્ટની મુદત પૂરી થઇ ચૂકી છે, પરંતુ હવે લઘુમતી શાળાનું પ્રમાણપત્ર ધરાવતી લઘુમતી ખાનગી શાળાઓ હાઇકોર્ટમાં જતાં જ્યાં સુધી હાઇકોર્ટનો આ મુદ્દે ચુકાદો ન આવે ત્યાં સુધી બીજું લિસ્ટ જાહેર નહીં કરવાનો શિક્ષણ વિભાગે નિર્ણય લીધો છે. જેના કારણે અનેક બાળકોના એડમિશન વિલંબમાં પડશે.

રાજ્યના પ્રાથમિક શિક્ષણ નિયામક એન.આઇ. જોશીએ જણાવ્યું હતું કે રાજ્યની ૧૭૮ ખાનગી શાળાઓએ હાઇકોર્ટમાં દાદ માગી છે. જેમાં લઘુમતી શાળાનું સર્ટિફિકેટ ધરાવતી માત્ર રપથી ૩૦ શાળાઓ છે. જ્યારે ૧પ૦થી વધુ ખાનગી શાળાઓ લઘુમતી શાળાનું સર્ટિફિકેટ ન હોવા છતાં હાઇકોર્ટમાં કરાયેલા દાવામાં જોડાઇ છે.

હવે શિક્ષણ વિભાગે રાતોરાત શાળાનાં પ્રમાણપત્રોની ચકાસણી કરવા માટે સ્ટાફને દોડાવ્યો છે. હવે હાઇકોર્ટમાં ગયેલી શાળાઓમાં જે વિદ્યાર્થીઓને આરટીઇ એડમિશન ફાળવી દીધાં છે અને જેમને એડમિશન મળ્યાં નથી તે અંગેનો નિર્ણય આવ્યા પછી જ બીજું લિસ્ટ બહાર પડશે.

એસો‌સીએશન ઓફ પ્રમોશન ઓફ પ્રોમિનન્ટ સ્કૂલ એન્ડ અધર્સ તથા ઉદ્ગમ સ્કૂલ દ્વારા હાઇકોર્ટમાં પિટિશન કરાઇ છે. જેમાં રજૂઆત કરવામાં આવી છે કે આરટીઇ એકટ હેઠળ બાળકને ૬ વર્ષની ઉંમરે શાળામાં પ્રવેશ આપવાની જોગવાઇ છે. જ્યારે રાજ્ય સરકારે તે ઉંમર પાંચ વર્ષની નક્કી કરી છે. તેથી સરકારે આ મામલે સ્પષ્ટતા કરવી જોઇએ. ઉદ્ગમ સ્કૂલને આરટીઇ હેઠળ પ૭ બાળકોને પ્રવેશ ફાળવ્યો છે તેમાં ૩ર વિદ્યાર્થી ૬ વર્ષથી નીચેની ઉંમરનાં છે.

લઘુમતી શાળાઓને આરટીઇ એકટ લાગતો ન હોવાનો મુદ્દો આગળ ધરીને આ શાળાઓ એડમિશન આપતી નથી. ઉનાળુ વેકેશન ખૂલવાને અને નવું શૈક્ષણિક સત્ર શરૂ થવા આડે માત્ર પાંચ દિવસ બાકી છે ત્યારે આરટીઇમાં પ્રવેશના મુદ્દે થનારા વિલંબથી વાલીઓમાં ચિંતા પ્રસરી છે.

૧૮ મેના રોજ પ્રવેશનો પહેલો રાઉન્ડ જાહેર થયો હતો ત્યાર બાદ પ્રવેશ ફાળવેલી શાળાએ છાત્રાઓને ૩૦ મે સુધીમાં રૂબરૂ જઇને ડોકયુમેન્ટ જમા કરાવવાના હતા. ગૂગલ મેપની સુવિધા, શાળાના બિલ્ડિંગનો ફોટો, સરનામાનું વેરિફિકેશન વગેરે કામગીરીના કારણે દોઢ મહિના જેટલા સમય માટે આરટીઇ પ્રવેશ પ્રક્રિયા મોડી શરૂ થઇ હતી.

હવે કોર્ટમાં મેટર હોવાના કારણે પ્રવેશ પ્રક્રિયા અડધેથી અટકી પડી છે. કંટાળીને કેટલાક વાલીઓ ખાનગી શાળાઓમાં મજબૂરીથી પ્રવેશ મેળવી લે તેવી પણ શકયતા છે.

You might also like