પ્રિયંકા ગાંધીની બોટ યાત્રાનો બીજો દિવસઃ વિંધ્યાચલ ધામનાં દર્શન કર્યાં

(એજન્સી) લખનૌ: યુપી મિશન પર નીકળેલાં કોંગ્રેસના મહામંત્રી પ્રિયંકા ગાંધીની બોટ યાત્રાનો આજે બીજો દિવસ છે. પ્રિયંકા ગાંધી પોતાની યાત્રાના બીજા દિવસે ‌મીરજાપુરના વિંધ્યાચલ ધામ અને મૌલાના ઇસ્માઇલ ચિશ્તીની દરગાહ પર માથું ટેકવ્યું હતું. મીરજાપુરમાં પ્રિયંકા ગાંધી કોંગ્રેસ કાર્યકરો સાથે મુલાકાત કરી હતી અને વિંધ્યાચલ મંદિરનાં દર્શન કર્યાં હતાં. ત્યાર બાદ પ્રિયંકા ગાંધીએ મૌલાના ઇસ્માઇલ ચિશ્તીની મજાર પર ચાદર ચઢાવી હતી.

પ્રિયંકા ગાંધીની બોટ યાત્રાનું આવતી કાલે વારાણસી ખાતે સમાપન થશે. પ્રિયંકા ગાંધી વારાણસીમાં કાશી વિશ્વનાથ મંદિરના દર્શન માટે જશે, પરંતુ વારાણસીમાં પ્રિયંકાના આગમન સામે અત્યારથી જ વિરોધ શરૂ થઇ ગયો છે. પ્રિયંકા કાશી પહોંચે તે પહેલાં તે ખ્રિસ્તી હોવાથી કાશી વિશ્વનાથ મંદિરમાં તેમના પ્રવેશ સામે વિરોધ શરૂ થઇ ગયો છે.

સંતો-મહંતો સાથે વકીલોએ પણ પ્રિયંકા ગાંધીના કાશી વિશ્વનાથ મ‌ંદિરમાં પ્રવેશનો વિરોધ કર્યો છે. પ્રિયંકા ગાંધી વારાણસી પહોંચીને કાશી વિશ્વનાથ મંદિરમાં માથું ટેકવવા માગે છે, પરંતુ તે પહેલાં જ કાશીના વકીલો અને સંતો-મહંતોએ કાશી વિશ્વનાથ મંદિરમાં તેમના પ્રવેશ મામલે ઉગ્ર વિરોધ શરૂ કરી દીધો છે.

વકીલો અને સંતોનું કહેવું છે કે પ્રિયંકા ગાંધી વાડરા ખ્રિસ્તી છે. તેમની પૂજાનું સ્થળ ચર્ચ છે. આ સંજોગોમાં સનાતન ધર્મના મૂલ્યોને ખાતર પ્રિયંકાનેે મંદિરમાં પ્રવેશની પરવાનગી મળવી જોઇએ નહીં. કાશીના વકીલોએ આ માટે મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથના નામે ડીએમને એક પત્ર સુપરત કર્યો છે.

દરમિયાન ગઇ કાલેે પ્રયાગરાજથી પ્રિયંકા ગાંધીએ પોતાની બોટ યાત્રા શરૂ કરી હતી અને પ૦ કિ.મી.ના માર્ગમાં ‌પ્રિયંકા ગાંધીએ કેટલાંય સ્થળોએ લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. બોટ યાત્રા દરમિયાન પ્રિયંકા ગાંધીને મળવા મોટી સંખ્યામાં લોકો ઘાટ પર ઊમટી પડયા હતા.

પ્રચાર દરમિયાન એક નાનકડી બાળકી પ્રિયંકાને મળવા આવી તો પ્રિયંકા એ તેને ગળે લગાવી દીધી હતી. પ્રિયંકા ગાંધી આ બાળકીના ગળામાં હાથ નાખીને સમગ્ર ગામમાં ફરતાં જોવાં મળ્યાં હતાં. પ્રિયંકા ગાંધીની બોટ યાત્રામાં અલાહાબાદ યુનિવર્સિટીની ૧૦ વિદ્યાર્થિની પણ જોડાઇ છે.

You might also like