દિલ્હી-NCRમાં મોસમનો મિજાજ બદલાયોઃ સવારે ઝરમર વરસાદ

(એજન્સી) નવી દિલ્હી: આજે વેલેન્ટાઇન ડે પર દેશની રાજધાની નવી દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં મોસમનો મિજાજ બદલાઇ ગયો હતો. આજે વહેલી સવારથી જ દિલ્હી-એનસીઆરમાં ઝરમર વરસાદ શરૂ થઇ ગયો હતો અને વરસાદને કારણે ઠંડીમાં વધારો થયો હતો.

બીજી બાજુ ઝાંખી દૃષ્ટિ ગોચરતાને કારણે આજે દિલ્હી પહોંચી રહેલી ૧૦ ટ્રેન મોડી દોડી રહી હતી. આજે સવારે વેલેન્ટાઇન ડે પર હરવા ફરવા અને ફિલ્મ જોવાનો કે લોંગ ડ્રાઇવ પર જવાનો પ્લાન કરનાર લોકોને થોડી રાહ જોવી પડશે.

ઓફિસે જઇ રહેલા લોકોને પણ વરસાદનો સામનો કરવો પડયો હતો, પરંતુ તેઓ ખુશખુશાલ હતાં. સોશિયલ મીડિયા પર સવારમાં છવાયેલા અંધારાની તસવીરો પણ શેર કરી હતી. સવારે ૭થી૯ની વચ્ચે માર્ગો પર લોકોને પોતાની ગાડીઓની લાઇટો ચાલુ રાખવી પડી હતી.

દરમિયાન છેલ્લા ચાર દિવસથી વધુ રહેલા પ્રદૂષણમાં આજે વરસાદ થવાથી થોડી રાહત મળી હતી. કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે સમગ્ર દિલ્હીનો એર ઇન્ડેકસ ૩૬૦ બુધવારે નોંધ્યો હતો. જે મંગળવારે નોંધાયેલ ઈન્ડેક્સ ૩૪૨થી ૨૫ વધુ છે.

આજે સવારે થયેલ વરસાદના કારણે મોસમમાં થોડો બદલાવ થયો છે અને દિલ્હીની હવાની ગુણવત્તામાં સુધારો આવ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર શનિવારે દિલ્હીમાં વાતાવરણ વાદળછાયું રહેશે અને રવિવારે પણ વાદળછાયા વાતાવરણ સાથે પવન ફુંકાશે. જ્યારે સોમવારે તેજગતિથી પવનો ફૂંકાશે.

You might also like