સમગ્ર સૃષ્ટિના શિલ્પકારઃ ભગવાન વિશ્વકર્મા

આ એક વૈદિક દેવતા છે. તેમનું એક નામ ત્વષ્ટા છે. ઋગ્વેદોના એક સૂક્તમાં (૧૦.૧૨૧) તેમને પૃથ્વી, જળ અને પ્રાણીના નિર્માતા માનવામાં આવ્યા છે. બધા જ દેવતાઓનું નામકરણ પણ તેમણે જ કર્યું છે. તેમના અસંખ્ય મુખ, નેત્ર, બાહુ, પગ, પાંખ ઇ. અવયવો છે. તેમને સર્વષ્ટા પ્રજાપતિ પણ કહેવામાં આવે છે.

સૃષ્ટિના પ્રારંભમાં કેવળ તેમનું જ અસ્તિત્વ હતું. પુરાણ તેમજ મહાભારતમાં વિશ્વકર્માને દેવોના મહાન શિલ્પ-શાસ્ત્રજ્ઞ માનવામાં આવ્યા છે. વિશ્વકર્માએ દેવતાઓ માટે શસ્ત્રાસ્ત્ર, આભૂષણો, વિમાન ઇત્યાદિ અસંખ્ય વસ્તુઓ નિર્માણ કરી. શ્રીવિષ્ણુનું સુદર્શન ચક્ર, શિવજીનું ત્રિશૂળ તેમજ ઇંદ્રનું વજ્ર અને વિજય નામક ધનુષ્ય પણ વિશ્વકર્માએ જ નિર્માણ કર્યું. ત્રિપુરા દહન સમયે શિવજી માટે રથનું નિર્માણ પણ તેમણે જ કર્યું.

વિશ્વકર્માએ ઇંદ્ર માટે ઇંદ્રલોકનું નિર્માણ કર્યું. સુતલ નામક પાતાળલોકનું પણ તેમણે જ નિર્માણ કર્યું. શ્રીકૃષ્ણજી માટે દ્વારકા નગરી, વૃંદાવન અને રાક્ષસો માટે સોનાની લંકા, તે સાથે જ હસ્તિનાપુર અને ઇંદ્રપ્રસ્થ નગરી, ગુરુ ભવનના નિર્માતા પણ તેઓ જ હતા. ભગવાન શ્રીરામ માટે સેતુ નિર્માણ કરનારા વાનરરાજ નલ તેમના જ અંશમાંથી જન્મ્યા હતા.

વિશ્વકર્માને વાસ્તુશાસ્ત્ર તેમજ માનવ જીવન ઉપયોગી વિજ્ઞાનના પ્રણેતા માનવામાં આવે છે. વિશ્વકર્મા પુરાણનું પઠન, પાઠન પણ પુણ્યકારક મનાય છે. વિશ્વકર્મા વૈદિક દેવતાના રૂપમાં માન્ય છે, પરંતુ તેમનું પૌરાણિક સ્વરૂપ અલગ પ્રતીત થાય છે. સૃષ્ટિના પ્રારંભ કાળથી જ વિશ્વકર્મા તરફ સન્માનનો ભાવ રહ્યો છે.

તેમને ગૃહસ્થ જેવી સંસ્થાઓ માટે આવશ્યક સુવિધાઓના કારક અને પ્રવર્તક માનવામાં આવે છે. વિશ્વકર્માને સૃષ્ટિના પ્રથમ પ્રવર્તક માનવામાં આવે છે. વાસ્તુના અઢાર ઉપદેશકોમાંથી વિશ્વકર્માને પ્રમુખ માનવામાં આવે છે. ઉત્તરમાં જ નહીં દક્ષિણ ભારતમાં પણ જયાં ‘મય’ના ગ્રંથોને સ્વીકૃત કરવામાં આવે છે.

દેવતાઓના શિલ્પકાર
વિષ્ણુ પુરાણના પહેલા અંશમાં વિશ્વકર્માને દેવતાઓના શિલ્પકાર માનવામાં આવે છે તથા શિલ્પાવતારના રૂપમાં યોગ્ય સન્માન આપવામાં આવ્યું છે. આવી માન્યતા અનેક પુરાણોમાં પણ જોવામાં આવે છે. જયારે શિલ્પગ્રંથોમાં તેમને સૃષ્ટિકર્તા માનવામાં આવ્યા છે. સ્કંદ પુરાણમાં તેમને દેવભવનોના નિર્માતા કહ્યા છે.

વિશ્વકર્મા શિલ્પકળામાં એટલા નિપુણ હતા કે, તેઓ જળ ઉપર માર્ગનું નિર્માણ કરી શકે છે. સૂર્યની માનવજીવનને નુકસાન કરતી જ્વાળાઓનો સંહાર પણ વિશ્વકર્માએ કર્યો હતો. રાજવલ્લભના વાસ્તુશાસ્ત્રમાં આ વાતનો ઉલ્લેખ જોવા મળે છે. આ ઉલ્લેખ અન્ય ગ્રંથોમાં પણ જોવા મળે છે. વિશ્વકર્મા કંબાસૂત્ર, જલપાત્ર, પુસ્તક અને જ્ઞાનસૂત્ર ધારણ કરે છે. હંસ ઉપર
બિરાજમાન, સર્વસૃષ્ટિના ધરતા, શુભ મુકુટ તથા વૃદ્ધકાય જોવામાં આવે છે.•

You might also like