ટેન્કરમાંથી તેલની ચોરી કરવાનું કૌભાંડ ઝડપાયુંઃ રૂ.૩પ લાખનો મુદ્દામાલ કબજે

અમદાવાદ: માળિયા-મિયાણા હાઇવે પરથી પસાર થતા ટેન્કરોમાંથી ઓઇલ અને તેલની ચોરી કરવાના કૌભાંડનો ગાંધીનગર સીઆઇડી ક્રાઇમની ટીમે પર્દાફાશ કરી આશરે રૂ.૩પ લાખની કિંમતનો મુદ્દામાલ કબજે કરી આગળની તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર કંડલાથી સોયાબીન તેલ ભરી નીકળતા ટેન્કરોને માળિયા-મિયાણા હાઇવે પર ભીમાસર ચોકડી પાસે ઊભા રાખી ડ્રાઇવર-ક્લિનર અને તેના મળતિયા દ્વારા ટેન્કરમાંથી સોયાબીન તેલના જથ્થાની ચોરી કરવાનું મોટું કૌભાંડ ચાલી રહ્યું હોવાની ગાંધીનગર સીઆઇડી ક્રાઇમને બાતમી મળતા ઓપરેશન હાથ ધરાયું હતું.

પોલીસે ભીમાસર ચોકડી પાસે ખેતરમાં લાઇટના અજવાળે ટેન્કરમાંથી સોયાબીન તેલ કાઢતા હાજીશા ફકીર અને બાબુલાલ પ્રજાપતિ નામના બે શખસને આબાદ ઝડપી લઇ રૂ.૧પ લાખની કિંમતનો સોયાબીન તેલનો જથ્થો, કેરબા, તેલની ચોરીમાં વપરાતા સાધનો, મોબાઇલ ફોન અને રોકડ રકમ મળી આશરે રૂ.૩પ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

પકડાયેલા શખસોની પૂછપરછ દરમ્યાન આ ગોરખધંધામાં ઊંઝાના કૌશિક પટેલ અને કચ્છના ભરત આહિર અને જુસબ જેડાનું નામ ખુલતા પોલીસે આ દિશામાં તપાસ શરૂ કરી છે.

You might also like