IPL ટ્રોફી પર સંસ્કૃતમાં જે લખ્યું છે તે કદાચ આ જ ખેલાડીઓ માટે લખાયું છે

મુંબઈઃ આઇપીએલની અડધા ઉપરાંતની સિઝન પૂરી થઈ ચૂકી છે અને બધી ટીમો પ્લે ઓફમાં પહોંચવાની કોશિશ કરી રહી છે. અત્યાર સુધી દિગ્ગજ ખેલાડીઓની વચ્ચે કેટલાક એવા ખેલાડીઓ પણ ચમકી ઊઠ્યા છે, જેમની રમતને જોઈ એવું લાગે છે કે આઇપીએલની ટ્રોફી પર સંસ્કૃતમાં જે લખવામાં આવ્યું છે તે ફક્ત ને ફક્ત અંકિત રાજપૂત, દીપક ચાહર, મયંક માર્કન્ડે, પૃથ્વી શો, રાશિદ ખાન જેવા ખેલાડીઓ માટે જ લખવામાં આવ્યું છે. આઇપીએલ ટ્રોફી ઉપર સંસ્કૃતમાં એક લાઇન લખવામાં આવી છે, જેને વાંચીને તમને પણ વિશ્વાસ થઈ જશે કે એ લાઇન ફક્ત આ ખેલાડીઓ માટે જ લખવામાં આવી છે. ટ્રોફી પર લખવામાં આવ્યું છે, ‘Yatra Pratibha Avasara Prapnotihi’ એટલે કે ‘જ્યાં પ્રતિભા અવસર પ્રાપ્ત કરે છે’. હવે તમે આ ખેલાડીઓ પર નજર કરો, જેમને અવસર મળ્યો તે બધાંએ કમાલ કરી બતાવી.

મયંક માર્કન્ડે
IPLની આ સિઝનમાં જો કોઈ ખેલાડીએ સૌથી વધુ પ્રભાવિત કર્યા હોય તો તે છે મયંક માર્કન્ડે. ૨૦ વર્ષીય મયંકે આ વર્ષે મુંબઈ ઇન્ડિયન્સ તરફથી IPLમાં ડેબ્યૂ કર્યું અને પોતાની પ્રથમ મેચથી જ બધાંનું ધ્યાન ખેંચવાનું શરૂ કરી દીધું. ચેન્નઈ સુપર કિંગ્સ સામે ત્રણ વિકેટ અને તેની પછીની જ મેચમાં તેણે ચાર વિકેટ ઝડપી હતી.

પૃથ્વી શો
ભારતને ચોથી વાર અંડર-૧૯ વિશ્વકપ ટ્રોફી અપાવ્યા બાદ મુંબઈના આ યુવા ક્રિકેટર પૃથ્વી શોએ આ સિઝનમાં દિલ્હી ડેરડેવિલ્સ તરફથી IPLમાં ડેબ્યૂ કર્યું. પૃથ્વીને IPLમાં પોતાનાથી ઘણા દિગ્ગજ અને અનુભવી ખેલાડીઓ સામે પોતાની પ્રતિભા દેખાડવાની તક કિંગ્સ ઈલેવન પંજાબ સામેની મેચમાં મળી, જોકે એ મેચમાં પૃથ્વી ૨૨ રન જ બનાવી શક્યો, પરંતુ પોતાની પ્રથમ મેચમાં જ તેણે IPLનો સ્તર સારી રીતે પારખી લીધો અને IPL કરિયરની બીજી જ મેચમાં પૃથ્વી શોએ મિચેલ જોન્સન, આન્દ્રે રસેલ, કુલદીપ યાદવ જેવા સ્ટાર બોલર્સવાળી કોલકાતાની ટીમ સામે ૬૨ રનની તોફાની ઇનિંગ્સ રમીને દેખાડી આપ્યું કે તે પોતાનાથી ઘણા સિનિયર બોલર્સનો સામનો કરવાનો પણ દમ રાખે છે ખરો. બુધવારે પણ તેણે રાજસ્થાન સામે માત્ર ૨૫ બોલમાં તોફાની ૪૭ રન બનાવ્યા હતા.

અંકિત રાજપૂત
કિંગ્સ ઈલેવન પંજાબ ટીમનાે અંકિત રાજપૂત IPLની આ સિઝનમાં અત્યાર સુધીમાં કુલ ત્રણ મેચ રમ્યો છે અને તેમાં તેણે કુલ સાત શિકાર કર્યા છે, પરંતુ સનરાઇઝર્સ હૈદરાબાદ સામેની મેચ બાદ તે ચર્ચામાં આવી ગયો છે. અંકિતે હૈદરાબાદ સામેની મેચમાં પાંચ વિકેટ ઝડપી અને IPLની આ સિઝનમાં અત્યાર સુધી પાંચ વિકેટ ઝડપનારો તે એકમાત્ર બોલર છે. આ ૨૪ વર્ષીય ફાસ્ટ બોલરે IPL ડેબ્યૂ તો ૨૦૧૩માં જ કરી દીધું હતું અને CSK તરફથી મુંબઈ ઇન્ડિયન્સ સામે પોતાની પદાર્પણ મેચમાં જ તેણે રિકી પોન્ટિંગને પોતાનો શિકાર બનાવ્યો હતો. CSK બાદ અંકિત KKR તરફથી પણ રમી ચૂક્યો છે, પરંતુ આ વખતની હરાજીમાં પંજાબે તેને પોતાની ટીમમાં સામેલ કર્યો. હૈદરાબાદ સામેની મેચમાં કુલ છ વિકેટ પડી હતી, જેમાંથી પાંચ વિકેટ અંકિતે ફક્ત ૧૪ રન આપીને ઝડપી હતી.


રાશિદ ખાન
૧૯ વર્ષીય અફઘાનિસ્તાની રાશિદ ખાને IPLમાં દરેકને પોતાની બોલિંગથી પ્રભાવિત કર્યા છે. રાશિદે ૨૦૧૭માં સનરાઇઝર્સ હૈદરાબાદ તરફથી IPLમાં ડેબ્યૂ કર્યું અને આ સિઝનમાં પણ તે હૈદરાબાદ તરફથી જ રમે છે. લેગ સ્પિનર રાશિદ અત્યાર સુધીમાં ૧૦ વિકેટ ઝડપી ચૂક્યો છે. કિંગ્સ ઈલેવન પંજાબ સામે રાશિદે ત્રણ મહત્ત્વપૂર્ણ વિકેટ ઝડપીને પોતાની ટીમને જીત અપાવી હતી.

દીપક ચાહર
ચેન્નઈ સુપર કિંગ્સનાે બોલર દીપક ચાહર પોતાના પ્રદર્શનના દમ પર ટીમને મજબૂત પિલર બની ગયો હતો, જોકે તે ઈજાગ્રસ્ત થતા હાલ આઇપીએલની બહાર થઈ ગયો છે. તેની ગેરહાજરીમાં CSK ટીમના બોલિંગ આક્રમણમાં પણ થોડી ઊણપ લાગી રહી છે. ૨૦૧૧માં રાજસ્થાન રોયલ્સ, ૨૦૧૬માં પુણે સુપર જાયન્ટ્સ બાદ આ વર્ષે ચેન્નઈ સાથે જોડાયેલા દીપક ચાહકે હૈદરાબાદ સામેની મેચમાં ત્રણ વિકેટ ઝડપીને ટીમની જીતમાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.

You might also like