૧૫ દિવસ અગાઉ લેવાયેલા દૂધના નમૂનાના રિપોર્ટ જ આવ્યા નથી

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત નવરંગપુરાની પબ્લિક હેલ્થ લેબોરેટરીને ગત વર્ષ ર૦૧રમાં આશરે રૂ.દોઢ કરોડના ખર્ચે ‌કીમતી ઉપકરણો વસાવીને આધુનિક બનાવાઇ હતી. તે વખતે તંત્ર દ્વારા પબ્લિક હેલ્થ લેબોરેટરીને રાષ્ટ્રીય સ્તરના એવોર્ડ મળ્યા હોવાની પણ જાહેરાત કરાઇ હતી. જોકે વિવિધ ખાદ્ય પદાર્થોના નમૂનાની તપાસ સમયસર કરાવવાના મામલે લેબની કામગીરી કંગાળ પુરવાર થઇ છે.

તાજેતરમાં રાજ્યભરમાં દૂધની બનાવટમાં વિવિધ પ્રકારની ભેળસેળનો મામલો ચર્ચાસ્પદ બન્યો હતો. તે વખતે તંત્ર દ્વારા ગત તા.ર એપ્રિલે દૂધના ત્રણ નમૂના, ૩ એપ્રિલે ચાર નમૂના, ૪ એપ્રિલે બે નમૂના, પ એપ્રિલે ૧૭ નમૂના, ૬ એપ્રિલે ૧૩ નમૂના અને ૭ એપ્રિલે ૩ નમૂના લેવાઇને લેબોરેટરીમાં ચકાસણી માટે મોકલાયા હતા.

ખરેખર તો દૂધના નમૂનાનો રિપોર્ટ કાયદેસર રીતે ૧૪ દિવસમાં આવી જવો જોઇએ. એટલે ગત તા.ર એપ્રિલે લેવાયેલા તમામ ત્રણે ત્રણ નમૂનાનો રિપોર્ટ તૈયાર થવો જોઇએ. પરંતુ લેબ દ્વારા એક પણ નમૂનાનો રિપોર્ટ તૈયાર કરાયો નથી. જેને કારણે શહેરમાં વેચાતા દૂધમાં ભેળસેળ થાય છે કે નહીં તે પુરવાર થઇ શક્યું નથી. મ્યુનિસિપલ પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં ચકાસણી માટે મોકલાવાતા વિભિન્ન ખાદ્ય પદાર્થના નમૂનાના રિપોર્ટ અંગે પણ અવારનવાર વિવાદ ઉઠ્યા છે.

કેટલાક કિસ્સામાં ભેળસેળખોર વેપારી સાથેની તંત્રની મિલીભગતથી નમૂનાનો રિપોર્ટ વેપારીની તરફેણમાં આવે તેવી રમત રમાતી હોય છે તો ક્યારેક નમૂના લેતી વખતે પણ સિફતપૂર્વક ભેળસેળ વગરના ખાદ્ય પદાર્થ લઈને લેબમાં તપાસ માટે મોકલી દેવાય છે. જે તે નમૂના રિપોર્ટમાં આર્થિક લેતીદેતી થતી હોવાની પણ ચર્ચા સમાંતરે ઉઠતી આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ૧૪ એપ્રિલ સુધીમાં હેલ્થ વિભાગે કુલ ૬ર નમૂના વિભિન્ન ખાદ્ય પદાર્થોના લીધા છે. જોકે હજુ સુધી એક પણ નમૂનાનો રિપોર્ટ આવ્યો નથી.

You might also like