દિલ્હીના સરકારી શેલ્ટર હોમમાંથી નવ છોકરીઓ ગાયબ થઈ જતાં હડકંપ મચ્યો

નવી દિલ્હી: દિલ્હીના સંસ્કાર આશ્રમ ફોર ગર્લ્સ (એસએજી)માંથી નવ છોકરીઓ એકાએક ગાયબ થઇ જતાં હડકંપ મચી ગયો છે. સરકારી આશ્રમમાંથી નવ છોકરીઓ લાપતા થવાની માહિતી દિલ્હી મહિલા આયોગે નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયાને આપી હતી.

નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયાએ આ માહિતી મળતાં નોર્થ ઇસ્ટ ડિસ્ટ્રીકટના મહિલા અને બાળ વિકાસ વિભાગના અધિકારી અને આશ્રમના સુપરિન્ટેન્ડેન્ટને સસ્પેન્ડ કરી દીધા છે. જીટીબી એન્કલેવ પોલીસે આ કેસમાં એફઆઇઆર દાખલ કરીને તપાસ શરૂ કરી છે.

દિલ્હી મહિલા આયોગના અધ્યક્ષ સ્વાતિ જયહિંદે આ ઘટના પર આક્રોશ વ્યકત કરતાં આ પ્રકરણની તપાસ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરાવવાની માગણી કરી છે. અહેવાલો અનુસાર ૧ ડિસેમ્બરની રાત્રે દિલશાદ ગાર્ડન સ્થિત સંસ્કાર આશ્રમમાંથી નવ છોકરીઓ ગાયબ થઇ ગઇ હતી. આશ્રમના અધિકારીઓએ છોકરીઓ ગાયબ થવા અંગે હજુ સુધી કોઇને જાણ કરી નથી. ર ડિસેમ્બરની સવારે મહિલા આયોગને જાણ થતાં જીટીપી એન્કલેવ પોલીસ સ્ટેશનમાં એફઆઇઆર નોંધાવવામાં આવી હતી.

સ્વાતિ જયહિંદે જણાવ્યું છે કે દિલ્હીના એક સરકારી શેલ્ટર હોમમાંથી નવ છોકરીઓ ગાયબ થવાની ઘટના ચોંકાવનારી છે. તેમણે જણાવ્યું હતું કે એવી માહિતી મળી છે કે આમાંની કેટલીક છોકરીઓ એવી હતી જેમને મહિલા આયોગે અલગ અલગ માનવ તસ્કરોની ગેંગમાંથી છોડાવી હતી.

સ્વાતિ જયહિંદે માગણી કરી છે કે આ છોકરીઓના રહસ્યમય રીતે ગાયબ થવાના મામલામાં જે લોકો સંડોવાયેલા હોય તેમને તાત્કાલિક ઝડપી લેવામાં આવે અને ગાયબ થયેલી છોકરીઓનો પત્તો લગાવવામાં આવે તેમજ અપરાધીઓને કડકમાં કડક સજા કરવામાં આવે.

You might also like