કાર આપવા બાબતે રિક્ષાચાલકને તેના મિત્રે તલવારના આઠ ઘા ઝીંકી દીધા

અમદાવાદ: વટવા વિસ્તારમાં ગઇ કાલે મોડી રાતે કાર આપવા બાબતે એક રિક્ષાચાલકને તેનાજ મિત્રે આઠ કરતાં વધુ તલવારના ઘા ઝીંકીને હત્યા કરવાની કોશિશ કરતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ છે. પોલીસ સ્ટેશનમાંથી કાર છોડાવ્યા બાદ કારનો કબજો નહીં આપતાં મામલો બીચક્યો હતો.

વટવા સદભાવના નગર ચાર માળિયામાં રહેતા રિક્ષાડ્રાઇવર યશવંત ઉર્ફે રાજાભાઇ જયરામભાઇ ઠાકોરનો વટવા વિસ્તારમાં આવેલી ટંકાર રેસિડન્સીમાં હાર્દિક પાસવાન નામનો મિત્ર રહે છે. હાર્દિકની કાર કૃષ્ણનગર પોલીસે ડીટેઇન કરી હતી. પોલીસ સ્ટેશનમાં પડેલી કાર છોડાવવા માટે હાર્દિકે યશવંતને કહ્યુ હતું.

કાર છોડવ્યા બાદ તે યશવંત પાસે રહેશે તેવું હાર્દિકે કહ્યું હતું. યશવંત કારની ચાવી લેવા માટે હાર્દિકના ઘરે ગયો હતો. જ્યાં તેને કાર આપવાની ના પાડી દીધી હતી. કાર આપવા મામલે બન્ને વચ્ચે બોલાચાલી થઇ હતી અને યશવંત ત્યાંથી જતો રહ્યો હતો.

યશવંત મંદિરની બહાર બેઠો હતો ત્યારે હાર્દિક તલવાર લઇને આવ્યો હતો અને આડેધડ તલવારના ઘા ઝીંકવાના શરૂ કરી દીધા હતા. યશવંતને માથામાં તેમજ હાથ અને પગમાં તલવારના આઠ કરતા વધુ ઘા વાગતાં તે જમીન પર ઢળી પડ્યો હતો. યશવંતને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

You might also like