જેટ એરવેઝના જક્કી વલણના કારણે હાલ રિવાઈવલ શક્ય નથીઃ PNB

જેટ એરવેઝનું રિવાઇવલ હાલ તુરત શક્ય નથી, કારણ કે એરલાઇનના મેનેજમેન્ટના જક્કી વલણના કારણે પ્રોસેસની ગાડી પાટા પરથી ઊતરી ગઇ છે. પબ્લિક સેક્ટરની પંજાબ નેશનલ બેન્કના એમડી અને સીઇઓ સુનીલ મહેતાએ એક મુલાકાતમાં આ ચોંકાવનારો ઘટસ્ફોટ કર્યો હતો. સુનીલ મહેતાએ જણાવ્યું હતું કે લેન્ડર્સ દ્વારા એરલાઇન કંપનીને નવેસરથી લોન આપવા માટે મનાઇ કરવાનું કારણ કંપનીને વિજિલન્સ એક્ટિવિઝમનો ડર નથી.

સાથે સાથે સ્પાઇસ જેટે પણ જણાવ્યું છે કે જેટને બચાવવા માટે રૂ. ૨૫ હજાર કરોડ રોકવા પડે તેમ છે, જે માટે અમારી ક્ષમતા નથી. જેટનું ફંડિંગ ગેપ રૂ. ૨૫ હજાર કરોડ છે, તેમાં વેન્ડર્સની બાકી નીકળતી રકમ, ગ્રાહકો પાસેથી ટિકિટ માટે લેવામાં આવેલ એડ્વાન્સ પેમેન્ટ અને કંપનીની લોન વગેરેનો સમાવેશ થાય છે. સ્પાઇસ જેટ માટે આટલી જંગી રકમ એકત્ર કરવી શક્ય નથી.

બીજી બાજુ પીએનબીના એમડી અને સીઇઓ સુનીલ મહેતાએ જણાવ્યું છે કે જેટ એરવેઝ માટે રોડ મેપ ક્લિયર નથી. એસબીઆઇ દ્વારા તૈયાર કરવામાં આવેલા પ્લાન અનુસાર શરૂઆતમાં કંપનીને રૂ.૧,૫૦૦ કરોડની મૂડી આપવાની નથી અને તેમાંથી રૂ.૭૫૦ કરોડની રકમ એતિહાદ તરફથી મળવાની હતી, જે હજુ સુધી મળી નથી. જ્યારે પ્રમોટરે આ બાબતે ખચકાટ દાખવ્યો ત્યારે જો કંપનીમાં તે નાણાં રોકવા તૈયાર ન હોય તો પછી લેન્ડર્સની જવાબદારી તે પોતાના ખભે કઇ રીતે ઉઠાવશે?

સુનીલ મહેતાએ વધુમાં જણાવ્યું હતું કે સમગ્ર મામલો હાલ એસબીઆઇ જોઇ રહી છે. તેમણે જણાવ્યું કે ક્રેડિટ ગ્રોથને સપોર્ટ આપવા વિજિલન્સ સાથે સંકળાયેલી ચિંતા હજુ અકબંધ છે. સ્પાઇસ જેટે પણ જણાવ્યું છે કે જેટ એરવેઝના રિવાઇવલની કામગીરી હાલ મુશ્કેલ જણાઇ રહી છે. સ્પેસ જેટને લાગે વળગે છે ત્યાં સુધી અમે કેપેસિટી ગેપ ભરવા ઇચ્છીએ છીએ.

You might also like