અતૂટ વિશ્વાસ જ સંબંધોની મૂડી

કોઈ મિત્ર કે સ્વજનને આપણે કોઈક કામ સોંપીએ અને એ કામ કરી આપવામાં એ વ્યક્તિ આપણી દૃષ્ટિએ નિષ્ફળ પુરવાર થાય, તો આપણે તેને ફરી વાર એવું જ કોઈ કામ સોંપવું કે ન સોંપવું, આવો એક પ્રશ્ન એક પાઠકે કર્યો છે. પ્રશ્ન થવો સ્વાભાવિક છે, પણ ઘણાબધા માણસોએ પોતાના અનુભવ ઉપરથી એવું તારણ કાઢ્યું છે કે આપણે કોઈ પણ વ્યક્તિને સોંપેલી અમુક જવાબદારી તે પૂરી ન કરી શકે, તો તેની શક્તિમાં આપણે વિશ્વાસ ગુમાવી દેવો ન જોઈએ. કોઈ પણ કામમાં કોઈ વ્યક્તિ એક વાર નિષ્ફળ જાય એટલે તે વ્યક્તિ હવે કોઈ પણ જવાબદારી માટે લાયક નથી એવું માનવું ન જોઈએ. કોઈ પણ વ્યક્તિને એટલો અધિકાર હોવો જોઈએ કે તેની પ્રથમ નિષ્ફળતાને વચ્ચે લાવ્યા વગર સફળ થવાની એક બીજી તક મળવી જોઈએ.

આ સંદર્ભમાં અમેરિકાના આંતરવિગ્રહ વખતે પ્રમુખ અબ્રાહમ લિંકને જે એક દૃષ્ટાંત પૂરું પાડ્યું હતું તે નોંધપાત્ર છે. અમેરિકાના આંતરવિગ્રહ વખતે પ્રમુખ અબ્રાહમ લિંકને તેના સરસેનાપતિને પરાજય પામીને ઘરભેગા થઈ જતા જોયા. સરસેનાપતિ આંતરવિગ્રહમાં મોટી હાર પામીને પ્રમુખને મળ્યા વગર પોતાને ઘેર પહોંચી ગયા- લિંકને તે રાત્રે તેને તેડું મોકલ્યું, તો સરસેનાપતિ પ્રમુખને મળવા ન ગયા. એટલે એ જ મોડી રાતે પ્રમુખ લિંકન જાતે તેમને તેમના ઘેર મળવા ગયા, તો સેનાપતિ શરમ અને ભોંઠપની લાગણીથી સંતાઈ ગયા. તેમના નોકરે બહાર આવીને પ્રમુખને જવાબ આપ્યો કે સાહેબ ઊંઘી ગયા છે!

અબ્રાહમ લિંકનને હાડોહાડ અપમાન લાગ્યું- પ્રમુખના સલાહકારોએ કહ્યું કે, “સાહેબ, આ સરસેનાપતિને આપ બરતરફ જ કરી દો,” પણ લિંકને એ જ સેનાપતિની પરાજ્યની મનોદશા સમજીને ફરી લડવા માટે તેને તૈયાર કર્યા- તેની શક્તિમાં ફરી અતૂટ વિશ્વાસ જાહેર કર્યો. લિંકને કહ્યું કે, “તમારી જગ્યાએ હું હોત તો મારી પણ એવી જ દશા થઈ હોત. તમારી શક્તિમાં મને પૂરો વિશ્વાસ છે. હું જાણું છું કે તમે એક બહાદુર સેનાપતિ છો. કોઈ વાર બહાદુર સેનાપતિ પણ પ્રતિકૂળ સંજોગોમાં પરાજ્ય પામે એવું બની શકે. આપણે હવે ફરી ઈશ્વરની મદદ માગીએ અને તમે ફરી લડો”! આંતરવિગ્રહમાં છેવટે લિંકનની ફોજ-અમેરિકાની કેન્દ્રીય સરકારની ફોજ જ જીતી. મુદ્દો એ છે કે આ સંસારમાં માની પણ ન શકાય તેવા ઘણાબધા ચમત્કારો વિશ્વાસથી બન્યા છે. અવિશ્વાસથી કશું જ થયું નથી. અવિશ્વાસથી વર્તનારી ઘણીબધી વ્યક્તિઓ તો પોતાનો જાન સુધ્ધાં બચાવી શકી નથી.

અવિશ્વાસ એટલે જાણે ‘પ્રાણરક્ષક બખ્તર’ એમ સમજીને કોઈ કોઈ માણસો કહે છેઃ “કોઈનો જ વિશ્વાસ કરવો નહીં ને દોડવું જ નહીં એટલે ઠેસ વાગે જ નહીંને! ચાલવું તો તે પણ જોઈજોઈને. જેથી ઠોકર વાગે જ નહીં!” પણ આપણે અનુભવે જાણીએ છીએ તેવી રીતે પગ ઉપર નજર રાખીને પા…પા પગલીની જેમ ચલાતું નથી. ચાલવું તો પડે છે- રસ્તાનો વિશ્વાસ કરીને ચાલવું પડે છે. કોઈ વાર ઠોકર પણ વાગે છે. પણ માણસે ચાલવું તો પડે જ છે. પગ માથે રાખીને ચાલી શકાતું નથી. માથા ઉપર અવિશ્વાસનો ભાર મૂકીને જીવી શકાતું નથી. રાત્રે પથારીમાં પડીએ ત્યારે ઘણીબધી બાબતોમાં વિશ્વાસ મૂકીને ઊંઘવું પડે છે. આપણે ઊંઘમાં હોઈશું અને આપણું ગળું કોઈક કાપી તો નહીં નાખેને એવી શંકા રાખીને ઊંઘી શકાતું નથી. વિશ્વાસનાં, શ્રદ્ધાનાં કોઈક તાર્કિક કારણોની ગેરહાજરી જાણવા છતાં વિશ્વાસ અને શ્રદ્ધા રાખવાં પડે છે. જીવવાનો – સારી રીતે જીવવાનો એ જ સરળ અને સલામત રસ્તો છે.

એક માણસમાં તમે સહજ રીતે જ્યારે વિશ્વાસ મૂકવા તૈયાર થાઓ છો ત્યારે મનમાં ઊંડે ઊંડે શંકાની કોઈ લાંબી કસરત કર્યા પછી તૈયાર થયા નથી હોતા. એ રીતે કોઈ ઉપર વિશ્વાસ મૂકી જ શકાતો નથી. હકીકતે તમે એવી મૂળભૂત શ્રદ્ધાને કારણે જ વિશ્વાસનો વહેવાર કરવા તૈયાર થયા હોવ છો કે (૧) ઈશ્વર સારું જ કરશે- મેં જેનો વિશ્વાસ કર્યો છે તેના હૃદયમાં તે સારી પ્રેરણા મૂકશે અને (૨) ખોટ જ જવાની છે તેમ માની વેપાર જ ન કરવો તેના કરતાં કંઈક લાભ થવાનો સંભવ સ્વીકારીને વેપાર કરવો સારો!

http://sambhaavnews.com/

You might also like