રાજીવ ગાંધીનાં હત્યારાઓની મુક્તિ મુશ્કેલ : સરકારનું કડક વલણ

નવી દિલ્હી : પૂર્વવડાપ્રધાન રાજીવ ગાંધીનાં સાત હત્યારાઓની મુક્તિ મુશ્કેલ છે. વિધાનસભા ચૂંટણીને જોતા તમિલનાડુનાં મુખ્યમંત્રી જયલલિતા ભલે હત્યારાઓને મુક્ત કરાવવા માટે પ્રયાસો કરી રહ્યા હોય પરંતુ કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહે સ્પષ્ટ જણાવ્યું છે કે આ મુદ્દે તેઓ સુપ્રીમ કોર્ટનાં ચુકાદાનાં આલોકમાં જ કોઇ નિર્ણય લેશે. ગત્ત વર્ષે ડિસેમ્બરમાં સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કરી દીધુ હતું કે મુક્તિ અંગેનો અંતિમ નિર્ણય કેન્દ્ર સરકાર જ કરશે.રાજીવ ગાંધીનાં હત્યારાઓની મુક્તિ માટે તમિલનાડુ સરકારે હાલનાં જ પત્ર પર એતરાજ વ્યક્ત કરતા લોકસભામાં કોંગ્રેસ સાંસદોએ લોકસભામાં આ મુદ્દો ઉઠાવ્યો હતો. કોંગ્રેસનાં વરિષ્ઠ નેતા મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે પૂર્વવડાપ્રધાન રાજીવ ગાંધીની હત્યા મુદ્દે તમિલનાડુ સરકારે એવા લોકોની સજાને માફ કરવાની વાત કરી છે જે કોર્ટમાં દોષીત ઠેરવ્યા હતા.
એવા સમયે રાજ્ય સરકારનું તેમને મુક્ત કરવાની વાત દેશની એકતા અને અખંડિતતા માટે યોગ્ય નથી. તેમણે ગૃહમંત્રી સાથે આ મુદ્દે સ્પષ્ટીકરણની માંગ કરી હતી. જવાબમાં રાજનાથ સિંહે તમિલનાડુ સરકારનો પત્ર બુધવારે જ મળ્યો છે અને તે અંગે વિચારણા કરાઇ રહી છે. સાથે જ તેમણે આશ્વાસન પણ આપ્યું કે સરકાર સુપ્રીમ કોર્ટનાં ચુકાદાનાં આલોકમાં જ કોઇ નિર્ણય લેશે. તેમણે કહ્યું કે કોર્ટનાં નિર્ણયનું પાલન કરવું આપણા બધાની સંવૈધાનિક અને નૈતિક જવાબદારી છે.
સુપ્રીમ કોર્ટે પહેલા જ આ મુદ્દે સ્પષ્ટ કરી ચુકી છે કે રાજીવ ગાંધઈનાં હત્યારાઓને મળેલી આજીવન કારાવાસની સજાનો અર્થ સંપુર્ણ જીવનનો કારાવાસ છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ મુદ્દે હાલ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર વચ્ચે રસાકસી ચાલી રહી છે. આ મુદ્દે એનડીએમાં પણ ભંગાણ પડી શકે છે. જ્યારે કોંગ્રેસ આ મુદ્દે મજા લઇ રહી છે. રાજીવ ગાંધીના હત્યારાનો મુદ્દો હાલ સરકાર માટે ગળામાં ફસાયેલું હાડકું છે.

You might also like