પ્રેમીઓ સંબંધની વફાદારીને પણ ચકાસે છે!

પ્રેમીઓને દુનિયાની પરવા નથી હોતી. તેઓ એકબીજાને વફાદાર અને એકબીજા માટે કંઈ પણ કરવા તૈયાર હોય છે, પરંતુ આજના જમાનામાં પ્રેમમાં વફાદારીને ક્યાંક ઝાંખપ લાગી રહી છે. કેટલાંક પ્રેમીઓ લગ્ન કરતાં પહેલાં પોતાના પાર્ટનરની વફાદારી ચકાસવા તેમની જાસૂસી પણ કરાવે છે. આ કિસ્સાઓમાં શંકા ક્યારેક સાચી ઠરે છે તો ક્યારેક ખોટી.

પ્રેમમાં આજકાલ જાસૂસીનું પ્રમાણ વધી રહ્યું છે. મેટ્રો શહેરોના આજના યુવાઓમાં ફિલ્મી ઢબની લાઈફસ્ટાઈલ વધી રહી હોવાથી પ્રેમ અને બ્રેકઅપના કિસ્સાઓમાં પણ વધારો થઈ રહ્યો છે. આથી જ એકબીજા માટે મરી ફીટવાના કૉલ આપનાર પ્રેમીઓ લગ્નની વાત આવે ત્યારે થોડોક ખચકાટ અનુભવે છે. લગ્ન કરતાં પહેલાં થોડીઘણી શંકાને કારણે આવા પ્રેમીઓ ખાનગી ડિટેક્ટિવ એજન્સીઓ દ્વારા એકબીજાની જાસૂસી પણ કરાવે છે. અમદાવાદમાં પણ આવી જાસૂસીના કેટલાંક કિસ્સા સામે આવ્યા છે.

અમદાવાદની ખાનગી કંપનીમાં જોબ કરતાં ૨૭ વર્ષીય કેતનને અમદાવાદમાં રહેતી ને કૉલ સેન્ટરમાં જોબ કરતી એક પરપ્રાંતીય છોકરી સાથે પ્રેમ થયો. બંનેએ પ્રેમનો એકરાર કર્યો અને વાત લગ્ન કરવા સુધી પહોંચી. જોકે પ્રેમિકા કૉલ સેન્ટરમાં નોકરી કરતી હોવાથી કેતનને થોડીક શંકા જાય છે. જેના નિવારણ માટે તે ખાનગી ડિટેક્ટિવ એજન્સીની મદદ લે છે. જેમાં પોતાની પ્રેમિકા અન્ય છોકરાના પ્રેમમાં પણ હોવાનું બહાર આવે છે અને કેતનનું દિલ તૂટી જાય છે અને તે પોતાની પ્રેમિકાને છોડી દે છે. આ કેસ અંગે વાત કરતાં રેડસ્પાય ડિટેક્ટિવ એજન્સીના લલિતભાઈ રાવલ કહે છે, “થોડા સમય પહેલાં જ કેતન અમારી પાસે આવ્યો અને તેણે તેની પ્રેમિકા રીમાની કેટલીક વર્તણૂકો અંગે ચકાસણી કરવા કહ્યું. કેતન અને રીમા દોઢ વર્ષથી એકબીજા પ્રેમમાં હતાં અને ફેબ્રુઆરીમાં લગ્ન કરવા જઈ રહ્યાં હતાં. જોકે કેતનને રીમાની કેટલીક બાબતો પર શંકા હોવાથી તેણે અમારી મદદ લીધી હતી. આ અંગે કેતને અમને જણાવ્યું હતું કે, “ઘણી વાર તે રીમાને ફોન કરે છે ત્યારે રીમાનો ફોન લાંબા સમય સુધી બિઝી બતાવે છે. ઉપરાંત તે વોટ્સ ઍપ પર મોડી રાત સુધી કોઇની સાથે વાત કરે છે, જે તેના લાસ્ટ સીન પરથી જણાઇ આવે છે. રીમાના ખર્ચા લકઝુરિયસ હોવાથી પોતાનો આખો પગાર ખર્ચવા ઉપરાંત તે તેની માગણી સંતોષી શકતો નથી છતાં થોડાંક દિવસો બાદ તે વસ્તુ રીમા પાસે હોય છે. આવી બાબતથી રીમાનું અન્ય વ્યક્તિ સાથે અફૅર હોવાની શંકા ઉપજે છે.” આ કેસ અમે હાથમાં લીધો અને તેનું ઈન્વેસ્ટિગેશન કર્યું.

આ કેસની તપાસમાં કેતનની શંકાઓ સાચી સાબિત થઈ. રીમા અમદાવાદના જ અન્ય એક છોકરા સાથે પણ સંબંધ ધરાવતી હતી. અમારા કામમાં અમે વીડિયો અને ફોટોગ્રાફી કરતા હોઇએ તેથી રીમાના અન્ય છોકરા સાથેના કેટલાક ફોટા પાડીને અમે કેતનને આપ્યા કે જેના પરથી એ બાબત સાબિત થાય કે રીમા અને તે છોકરા વચ્ચે પ્રણયસંબંધ છે. બાદમાં કેતને તે બંનેને રંગેહાથ પકડવાનો આગ્રહ રાખ્યો જેથી શહેરની એક મોટી રેસ્ટોરાંમાં રીમા અને તેનો બીજો બોયફ્રેન્ડ ડિનર લઇ રહ્યાં હતાં ત્યારે અમે કેતનને બોલાવીને અમારું કામ પૂરું કરી બતાવ્યું. જાહેરમાં મોટો તમાશો થયો અને કેતને રીમાને છોડી દીધી.

અન્ય એક કિસ્સો ટાંકતાં રાવલ કહે છે, “સંધ્યા નામની ૨૬ વર્ષની એક છોકરી અમદાવાદની કૉલેજમાં અભ્યાસ કરે છે અને હોસ્ટેલમાં રહે છે. તે અમદાવાદના એક યુવક દીપેનના પ્રેમમાં હતી. સંધ્યા ગઈ નવરાત્રીએ દીપેન સાથે લગ્ન કરવાની હતી. જે અંગે તેણે પોતાનાં માતા-પિતાને વાત કરી હતી. આ લગ્ન માટે તેનાં માતા-પિતાએ સંમતિ આપી પરંતુ લગ્ન પહેલાં છોકરાની થોડીક તપાસ કરીને આગળ વધવાનું મુનાસિબ માન્યુંં. જેથી દીપેન અંગે તપાસ કરાવવા સંધ્યાએ અમારી મદદ લીધી.

અમે દીપેન ઉપર છ દિવસ વૉચ રાખીને ફોટો અને વીડિયોગ્રાફી કરી. છ દિવસ બાદ અમે સંધ્યાને જણાવ્યું કે,”દીપેન અન્ય ચાર છોકરીઓ સાથે પણ પ્રેમનું નાટક કરી રહ્યો છે. દીપેન કોઇ નોકરી-ધંધો ન કરતાં પિતાના પૈસે જ જલસા કરે છે.” શરૂઆતમાં સંધ્યા વાત માનવા તૈયાર નહોતી, પરંતુ બાદમાં અમે તેને દીપેનને અલગઅલગ ગાર્ડનમાં બે છોકરીઓ સાથે પ્રેમક્રીડા કરતો બતાવ્યો ત્યારે જ તે માની. સંધ્યાને અમે એ પણ સાબિત કરી આપ્યું કે, દીપેન તેની જેમ દરેક છોકરીને એવું જ કહેતો ફરે છે કે, તું મારી જિંદગી છે અને હું માત્ર તારી સાથે જ લગ્ન કરીશ. અંતે સંધ્યાએ દીપેન સાથે બ્રેકઅપ કરી દીધું હતું.

દરેક વખતે પ્રેમી કે પ્રેમિકાની શંકા સાચી જ સાબિત થતી હોય તેવું પણ બનતું નથી. કેટલીક વાર જે બાબત અંગે શંકા કરાઈ હોય તે સાચી હોય, પરંતુ તેનું કારણ જુદું પણ હોય છે. અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં રહેતાં સુધાંશુને પોતાની પ્રેમિકા આસ્થા પર શંકા હતી. બંને અમદાવાદની એક આઈટી કંપનીમાં જોબ કરતાં હતાં અને બે વર્ષથી એકબીજાના પ્રેમમાં હતાં. સુધાંશુ આખો દિવસ ઓફિસમાં જ રહેતો જ્યારે આસ્થાને પોતાના કામથી ઘણી વખત ફિલ્ડમાં જવું પડતું હતું. આસ્થાનો ફોન ઘણી વાર બિઝી આવે, ક્યારેક તે સુધાંશુનો ફોન કટ પણ કરી નાખે અને બંને સાથે હોય ત્યારે આસ્થા પોતાનો ફોન સાઇલન્ટ પર રાખે, મારે બહાર જવાનું છે તેમ કહીને તે સુધાંશુ સાથે ન જાય. આવી અનેક બાબતોને કારણે સુધાંશુને શંકા હતી કે આસ્થા કોઈના પ્રેમમાં છે.

આ કેસ અંગે વાત કરતાં ઇન્ટેલિજન્સ ડિટેક્ટિવ એજન્સીના ભાવેશ પટેલ કહે છે, “સુધાંશુના કહેવાથી અમે આ કેસ હાથમાં લીધો અને આસ્થા ઉપર વૉચ રાખી. આસ્થાનો ફોન લાંબો ચાલતો ત્યારે તે તેની કોઇ સહેલી સાથે વાત કરતી જણાઇ, આસ્થા જ્યારે સુધાંશુનો ફોન કટ કરતી ત્યારે તે કોઇ વ્યક્તિ સાથે ચર્ચા કરતી જણાઇ અને જ્યારે તે સુધાંશુ સાથે જવાની ના કહીને બહાર નીકળતી ત્યારે તેની સહેલી સાથે ડિનર કે નાસ્તો કરતી જણાઇ. જેથી અમે થોડા દિવસો બાદ આ રિપોર્ટ ફોટોગ્રાફ અને વીડિયો રેકૉર્ડિંગ સાથે સુધાંશુને આપ્યો અને સુધાંશુને જણાવ્યું કે, આસ્થા અન્ય કોઈના પ્રેમમાં હોવાની તમારી શંકા ખોટી છે. આસ્થાને તમારા સિવાય અન્ય કોઇ સાથે પ્રેમસંબંધ નથી.”

ભાવેશ પટેલ કહે છે, “આ કેસથી ખુશ થવાના બદલે સુધાંશુએ અમારા પર શંકા કરતાં કહ્યું કે, તમે મારી પ્રેમિકા સાથે મળી ગયા છો અથવા બરાબર ઇન્વેસ્ટિગેશન કર્યું નથી. જોકે અમે અમારો રિપોર્ટ ૧૦૦ ટકા સાચો હોવાની દલીલ સાથે સુધાંશુને બાંયધરી પણ આપી કે આસ્થા માત્ર તેને જ પ્રેમ કરે છે. છતાં તે માનવા તૈયાર નહોતો. અંતે તેણે પોતાના એક મિત્રને સાથે રાખીને અમને આ વાત સાબિત કરવા કહ્યુંં. આથી અમે સુધાંશુના મિત્ર જયેશને અમારી સાથે રાખ્યો. પ્રથમ દિવસે આસ્થાનો ફોન બિઝી આવતા સુધાંશુએ અમને ફોન કર્યો ત્યારે અમે જયેશને આસ્થાના ફોનમાં ચાલી રહેલી વાતચીત સંભળાવી, જેમાં જણાયું કે સામા છેડે પણ યુવતીનો અવાજ હતો અને બંને વચ્ચે ત્રીજી સહેલીની મુશ્કેલીની વાતો ચાલી રહી હતી. બીજા દિવસે આસ્થાએ જ્યારે સુધાંશુનો ફોન કટ કર્યો ત્યારે તે એક ઓફિસમાં ચાર લોકો સાથે ચર્ચા કરી રહી હતી. આ બંને બાબતો પરથી અમે અમારો પહેલો રિપોર્ટ સાચો સાબિત કરી આપ્યો હતો.”

આવા જ એક અન્ય કેસની માહિતી આપતાં ભાવેશ પટેલ કહે છે, “થોડાક દિવસ પહેલાં અમદાવાદના બોપલ વિસ્તારમાં રહેતો ર૪ વર્ષીય કૃતાર્થ તેની બાજુના વિસ્તારમાં રહેતી નીલિમાને પ્રેમ કરતો હતો. એક વર્ષથી બંને એકબીજાના પ્રેમમાં હતાં. નીલિમા અન્ય યુવકને પણ પ્રેમ કરતી હોવાની કૃતાર્થને શંકા હોવાથી તેણે અમારી મદદ લીધી. અમે નીલિમા ઉપર વૉચ ગોઠવીને ઇન્વેસ્ટિગેશન કર્યું ત્યારે કૃતાર્થની શંકા સાચી સાબિત થઇ.

આ ઇન્વેસ્ટિગેશનમાં એવું બહાર આવ્યું કે, નીલિમા રોજ કૃતાર્થની સાથે તેના બીજા પ્રેમી ધનેશને પણ મળતી અને બંને સાથે સમય પસાર કરતી. જોકે બંને પ્રેમીઓ આ વાતથી અજાણ હતા. અમે કૃતાર્થને ફોટોગ્રાફી કરીને જણાવ્યું કે, નીલિમા એક અન્ય યુવક ધનેશને પણ પ્રેમ કરે છે અને તારી જેમ રોજ ધનેશને પણ મળે છે. કૃતાર્થે આ બાબતે નીલિમા સાથે વાત કરવાનું નક્કી કર્યું અને પૂછ્યું કે, તારે અન્ય કોઇ સાથે અફૅર હોય તો જણાવી દે. નીલિમાએ કૃતાર્થને અન્ય કોઇ વ્યક્તિ સાથે અફેર ન હોવાનું જણાવ્યું બાદમાં

કૃતાર્થે નીલિમાને રંગેહાથ પકડવાનો આગ્રહ રાખ્યો. અમે તેને દિવસ અને સમય જણાવીને અમદાવાદના પ્રહ્લાદનગર ગાર્ડનમાં આવી જવા જણાવ્યું. નક્કી કરેલા સમયે અમારી ટીમ પ્રહ્લાદનગર ગાર્ડન પહોંચી જ્યાં ધનેશ નીલિમાને મળવા આવ્યો કે તરત જ અમે  કૃતાર્થને બોલાવી લીધો. કૃતાર્થ તેનાં માતાપિતા સાથે આવ્યો હતો, કારણ કે કૃતાર્થ અને નીલિમાના સંબંધ અંગે બંનેના પરિવારો જાણતા હતા. કૃતાર્થે તેના પરિવાર સાથે જ નીલિમાને રંગેહાથ પકડી પાડી. કૃતાર્થ કંઇ પણ બોલ્યા વગર જતો રહ્યો અને તેના પેરેન્ટ્સ નીલિમાને લઇને તેના ઘરે ગયાં.”

આજના સમયે આવા કેટલા કેસ તમારી પાસે આવે છે અને તમે કેટલી ફી વસૂલો છો તે સવાલના જવાબમાં લલિત રાવલ કહે છે, “છેલ્લાં પાંચ વર્ષમાં આવા કેસની સંખ્યા વધી છે. આવા કેસ ઉકેલવામાં ઝાઝો સમય લાગતો નથી. આવા કેસ માટે અમારી એજન્સી ૨૫થી ૩૦ હજાર વસૂલે છે.” આ અંગે ભાવેશ પટેલે કહ્યું, “લવમેરેજ કર્યા બાદ પોતાના પાર્ટનરની જાસૂસી કરાવતાં લોકોની સંખ્યા વધારે હોય છે. પ્રેમીઓ એકબીજાની જાસૂસી કરાવે તેવા કિસ્સા ત્રણેક વર્ષથી વધ્યા છે, પરંતુ તે નોંધપાત્ર ન ગણી શકાય. આવા કેસ માટે અમે રૂપિયા ૧૮ હજાર જેટલી ફી લઈએ છીએ.”

‘વેલેન્ટાઈન્સ ડે’ એટલે કે પ્રેમીઓના દિવસે પ્રેમની વાતો ચર્ચાતી હોય ત્યારે પ્રેમીઓ પર જાસૂસી કરાવવાની વાત જરા અજુગતી લાગે, પરંતુ હાલની ફાસ્ટ લાઈફમાં આવા બનાવોમાં સદંતર વધારો થઈ રહ્યો છે. જોકે ડિટેક્ટિવ એજન્સીઓએ ઉકેલેલા કેસોની મદદથી કેટલાંય પરિવાર તૂટતાં બચી ગયાના કિસ્સા પણ છે. આમ, પ્રેમી કે પ્રેમિકાની જાસૂસી એ આજના સમયની માગ પણ બની રહી છે.

અમારા કામમાં અમે વીડિયો અને ફોટોગ્રાફી કરતાં હોઇએ તેથી રીમાના અન્ય છોકરા સાથેના કેટલાક ફોટા પાડીને અમે કેતનને આપ્યા કે જેના પરથી એ બાબત સાબિત થઈ કે રીમા અને તે છોકરા વચ્ચે પ્રણયસંબંધ છે.
લલિતભાઈ રાવલ
સંચાલક ડિટેક્ટિવ એજન્સી

(આર્ટિકલમાં આવતાં તમામ નામ બદલ્યાં છે.)

You might also like