માણસનાં કર્મ અને પરિણામ વચ્ચેનો સંબંધ

૬૫ વર્ષના એક સુખી ગૃહસ્થ ગંભીર બીમારીમાં પટકાયા અને માંડમાંડ બચી ગયા. પક્ષાઘાતનો ગંભીર હુમલો હતો તેથી તબિયત ફરી સારી થઈ ગયા પછી પણ ડાબા હાથની નબળાઈ રહી ગઈ. ટટ્ટાર ચાલવાની શક્તિ પણ ઓછી થઈ ગઈ. કંઈક આત્મવિશ્વાસ પણ ડગી ગયો હશે, કેમ કે જ્યારે એમનાં ખબરઅંતર પૂછ્યાં ત્યારે તેમણે કહ્યું કે, “હવે ઘણું સારંુ છે. દાક્તરો અને સગાંસંબંધીઓ કહે છે કે ખૂબ સારંુ છે. જોકે મને એટલું બધું સારંુ લાગતું નથી. સાચું કહું તો મને હવે ઈશ્વરમાં શ્રદ્ધા જ રહી નથી. મેં મારી જિંદગીમાં કોઈનું કશું કર્યું નથી. છતાં મારી આ દશા? મને આવી શિક્ષા શા માટે? મેં કોઈના નિસાસા લીધા નથી, કોઈનું ખરાબ કર્યું નથી, જીવન પણ હંમેશાં વ્યવસ્થિત અને સંયમિત રાખ્યું છે છતાં મને આવો રોગ શા માટે?”

આ સવાલ આ વૃદ્ધ પુરુષનો જ નથી. માણસો જ્યારે કોઈ ને કોઈ ગંભીર રોગમાં સપડાઇ છે, બચી જાય છે છતાં શરીરમાં કંઈક ખોડ રહી જાય છે ત્યારે આવો સવાલ કરે છે. મને આવો રોગ શા માટે? મને આવી શિક્ષા શા માટે? રોગ ઉપરાંત જીવનમાં કોઈ બીજી કમનસીબી આવી પડે તો ત્યારે પણ તેમને આ સવાલ જ થાય છે. ભગવાન મને શા માટે આ દુઃખ આપે છે? કર્મોનાં ફળ ભોગવવાની વાત જ હોય તો મેં કોઈ ખરાબ કર્મો કર્યાં જ નથી. ખરાબ કર્મો કરનારાનાં નામ હું તમને આપું. તેમને તો કંઈ વાંધો નથી. રિદ્ધિસિદ્ધિ બધું જ એમની પાસે છે અને એમને કોઈ રોગ પણ સતાવતો નથી. ઈશ્વર પણ દુર્જનોથી ડરે છે અને સજ્જનની પરવા કરતો નથી એવું જ નથી શું?
હવે આ બધા પ્રશ્નોના કોઈ જ જવાબ નથી. આખો સવાલ માણસની પોતાની દૃષ્ટિનો, પોતાના વલણનો અને પોતાની ભાવનાનો છે. આસ્તિક માણસ દરેકેદરેક બાબતમાં ઈશ્વરની કૃપા અને તેની હાજરી જોઈ શકે છે. નાસ્તિક માણસ તેની દરેક નાનીમોટી પીડા અને નિષ્ફળતામાં ઈશ્વરની ગેરહાજરી જુએ છે. એ કહે છે, ઈશ્વર છે જ નહીં. હોત તો આવું કેમ થાય? પણ તમારી બાબતમાં તમે જ આમ ન્યાયાધીશ બનો તે કેવું?

માણસનાં કર્મ અને પરિણામ વચ્ચેનો સંબંધ સમજવાનું ભારે કઠિન અને અશક્ય જ લાગે છે. નાનાં નિર્દોષ બાળકો શા માટે ભૂખે મરે છે? તેમણે શું પાપ કર્યાં હશે? આપણને આ સવાલ સતાવ્યા જ કરે છે. રોજ દસ પાન તેજ તમાકુનાં ખાનાર ૮૦ વર્ષનો થાય અને કદી સોપારીનો ટુકડો મોંમાં ન મૂકનાર ૪૫ વર્ષની ઉંમરે શું કામ કેન્સરનો શિકાર બને? આ જન્મનાં કે પૂર્વજન્મનાં કર્મો અને પરિણામોનો તાળો મેળવવાનું કામ ભારે મુશ્કેલ છે. એટલે ઉપરથી વિરોધાભાસી લાગે તેવી વાત ધર્મ આપણને સમજાવે છે-શીખવે છે. માણસનાં કર્મનું ચોક્કસ ફળ છે. સારાં કર્મોનું ફળ સારંુ અને ખરાબ કર્મોનું ફળ ખરાબ છે. માટે સારાં કર્મો કરવા છતાં ગીતા કહે છે કે ફળની આશા રાખ્યા વગર કર્મો કરવાં! જ્યારે કર્મમાં ફળની ઝંખના દાખલ થાય છે ત્યારે તેમાં કંઈક વિકૃતિ પ્રવેશે છે એટલે ફળની ઝંખના વિના કર્મ કરવું ને છતાં યાદ રાખવું કે કર્મનું કંઈક ફળ છે જ! હવે કર્મ અને ફળના સંબંધના પ્રત્યક્ષ પુરાવા શોધવા કે તેનાં સીધાં કોષ્ટક શોધવાની કડાકૂટમાં પડવા જેવું નથી, કેમ કે તે જંગલમાં ભૂલા પડવા જેવું છે. માણસ પોતાનો ધર્મ બજાવે અને શરીર તેનો ધર્મ બજાવે છે.

માણસ પ્રામાણિક હોય અને મહેનતુ હોય પણ તેના હાથે નવુંનકોર વાસણ તૂટી જાય તો? હવે આમાં ઈરાદો આરોપવો નકામો છે. વાસણ બનાવનારની દાનત કે મહેનતની શંકા કરવી પણ નકામી છે. એવું બને છે કે તિરાડ પડેલું કે સહેજ ફૂટેલું વાસણ વર્ષો ચાલતું રહે અને નવું વાસણ તૂટી જાય! આવા જીવનના હજાર મુકાબલાઓ છે જેમાં આપણે પોલીસ જેવી દરમિયાનગીરી કંઈ મેળવી ન શકીએ. લાડવા પર ચડેલી કીડી જેવી આપણી સ્થિતિ છે. લાડવો કોણે બનાવ્યો, કેવી રીતે બન્યો, કોના માટે બન્યો તે બધા પ્રશ્નોના જવાબ કીડી નહીં પામી શકે. બધું બુદ્ધિથી પામી શકાતું નથી ને તેથી તેની મર્યાદા સમજી-સ્વીકારીને ચાલવામાં જ મજા છે.

visit: sambhaavnews.com

You might also like