GST હેઠળ 30 થી 40 પ્રોડક્ટ પર ટેક્સ ઘટાડાનો વાસ્તવિક લાભ ગ્રાહકોને મળશે ખરો?

જીએસટી કાઉન્સિલની બેઠક તાજેતરમાં મળી હતી. આ બેઠકમાં ૩૦ થી ૪૦ ઉત્પાદનની ચીજો પર ટેક્સ ઘટાડવાનો નિર્ણય લેવાઈ શકે છે. જેમાં સેનેટરી નેપ્કિન, હેન્ડીક્રાફ્ટ અને હેન્ડલૂમ પ્રોડક્ટ સામેલ છે. સેનેટરી નેપકિન અને મોટા ભાગનાં હેન્ડીક્રાફ્ટ ઉત્પાદનો પર હાલ ૧૨ ટકા જીએસટી છે.

સર્વિસેઝ ઈન્ડસ્ટ્રીનું કહેવું છે કે સ્વાસ્થ્ય અને રોજગાર સાથે સંળાયેલી સેવાઓ પર ટેક્સ ઘટાડવામાં આવે. નેપ્કિન પર ટેક્સ નાબૂદ કરવાની માગ છે. હેન્ડીક્રાફ્ટના બિઝનેસમાં નાના વેપારીઓ વધુ છે. એટલે તેના પર પણ ટેક્સ ઘટાડવા કે ખતમ કરવાની માગ કરવામાં આવી રહી છે.

બેઠકમાં ટેક્સ રિટર્નને આસાન બનાવવા અંગે પણ ચર્ચા થશે. જીએસટી હેઠળ ૩૦ થી ૪૦ ટકા પ્રોડક્ટ પર ટેક્સ ઘટે તેવી શક્યતા, સેનેટરી નેપ્કિન પર સંપૂર્ણ છૂટ મળ‍વાની સંભાવના જણાઈ રહી છે.તેથી આ રાહતનો અનેક લોકોને લાભ મળી શકે તેમ છે.

બીજી તરફ એથેનોલ પર જીએસટી ઘટીને ૧૨ ટકા થઈ શકે છે. જીએસટી કાઉન્સિલ ૧૮થી ૧૨ ટકા સ્લેબમાં સામેલ કરવાની ભલામણ કરી શકે છે. ખાદ્ય મંત્રાલય પાંચ ટકા કરવાની માગણી કરે છે. કેબિનેટે ગત મહિન શુગર ઈન્ડસ્ટ્રીની મદદ માટે ૮૦૦૦ કરોડના પેકેજને મંજૂરી આપી હતી જીએસટી અંતર્ગત પ્રધાનોની સમિતિ શેરડી ખેડૂતોને બાકીની રકમ ચુકવવા માટે ખાંડ પર સેસ લગાવવાના વિરોધમાં છે.

આસામના નાણા પ્રધાન હિંમત બિસ્વ શર્માની અધ્યક્ષતાવાળી સમિતિએ ૧૧ જુલાઈની બેઠકમાં આ અંગે વિચારની માગ કરી. શર્માએ કહ્યું કે ખાંડની ન્યૂનતમ કિંમત ૨૯ રૂપિયા નક્કી થયા બાદ શેરડી ખેડૂતોને બાકીની રકમ ૫૦૦૦ કરોડથી ઘટીને ૧૮૦૦૦ કરોડ રૂપિયા થઈ છે.

એટલે હાલ ખાંડ પર સેસ લગાવવાની જરૂર નથી. ખાંડ પર હાલ પાંચ ટકા જીએસટી લાગે છે. ખાદ્ય મંત્રાલયે પ્રતિ કિલો ત્રણ રૂપિયા સુધી સેસ લગાવવાનો પ્રસ્તાવ રાખ્યો છે. જેમાં વર્ષમાં લગભગ ૬૭૦૦ કરોડ રૂપિયા જમા થશે. જેનો ઉપયોગ શુગર સેકટરની મદદ માટે કરવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે નવેમ્બર ૨૦૧૭ની બેઠકમાં ૨૧૩ સામાનોને ૨૮ ટકા જીએસટી સ્લેબથી કાઢીને ૧૮ ટકાના સ્લેબમાં સામેલ કરવામાં આવ્યાં. પાંચ ટકામાં આવતા છ સામાનો પર ટેક્સ નાબૂદ કરવામાં આવ્યો. ફાઈવ સ્ટાર હોટલની રેસ્ટોરન્ટને છોડીને બાકી હોટલ પર જીએસટી ૧૮ ટકાથી ઘટાડીને પાંચ ટકા કરવામાં આવી છે.

જાન્યુઆરી ૨૦૧૮માં ૫૪ સેવાઓ અને ૨૯ વસ્તુઓ પર ટેક્સ ઘટાડવામાં આવ્યો છે. જીએસટીના દરમાં ફેરફાર કરવાનો નિર્ણય રેવન્યૂને ધ્યાનમાં રાખીને કરવામાં આવશે. ૨૦૧૭-૧૮માં જીએસટીથી ૭.૪૧ લાખ કરોડ રૂપિાય આવ્યાં હતા. સરેરાશ માસિક કલેકશન ૮૯,૮૮૫ કરોડ હતું. આ વર્ષે એપ્રિલમાં કલેકશન રેકોર્ડ ૧.૦૩ લાખ કરોડ પહોંચી ગયું હતું, પરંતુ મેમાં ઘટીને ૯૪૦૧૬ કરોડ અને જૂનમાં ૯૫૬૧૦ કરોડ રૂપિયા થયું છે.

બીજી તરફ ફૂડ કૉર્પોરેશન ઑફ ઇન્ડિયાનાં ગોડાઉનમાં અનાજનાં ખરાબ થવાનાં પ્રમાણમાં છેલ્લા પાંચ વર્ષમાં ઘટાડો થયો છે. ડિપાર્ટમેન્ટ ઑફ ફૂડ એન્ડ ડિસ્ટ્રિબ્યૂશન રાજ્યપ્રધાન સી.આર.ચૌધરીએ રાજ્યસભામાં એક પ્રશ્નનાં જવાબમાં જણાવ્યું કે એફસીઆઈનાં ગોડાઉનમાં ખરાબ થનારા અનાજનું પ્રમાણ નાણાકીય વર્ષ ૨૦૧૩-૧૪માં ૨૦૯ ટનથી ઘટીને ૨૦૧૭-૧૮માં ઘટીને ૨૨ ટન થયું છે. તેથી અનાજ પર જીએસટી માફ હોવાથી લોકોને એ રીતે તેમાં લાભ થઈ શકે તેમ છે.

આ અંગે પ્રધાન ચૌધરીએ જણાવ્યું હતુ કે આ સમયગાળામાં ખરાબ થયેલા અનાજથી થયેલા નુકશાનનું પ્રમાણ ૧૭.૦૩ લાખ રૂપિયા ઘટીને વર્ષ૨૦૧૭-૧૮માં ૨.૩૩ લાખ રૂપિયા સુધી આવી ગયું છે. આ વર્ષે જુન સુધી ગોડાઉનમાં રાખવામાં આવેલા અનાજ પલળવાનો કોઇ જ મામલો સામે આવ્યો નથી.

તેમણે વધુમાં એમ જણાવ્યું હતું કે નાણાકીય વર્ષ ૨૦૧૪-૧૫માં ૧૪.૮૫ લાખ રૂપિયાની અંદાજિત રકમનું ૧૩૦ ટન, ૨૦૧૫-૧૬માં ૧૩.૧૩ લાખ રૂપિયાનું ૧૧૯ ટન, ૨૦૧૬-૧૭ માં ૧૭.૨૫ લાખનું ૧૩૮ ટન અને ૨૦૧૭-૧૮ માં ૨.૩૩ લાખ રૂપિયાનું ૨૨ ટન અનાજ ખરાબ થયું હતુ. અને હવે આ અનાજને બચાવવા માટે સરકારે આયોજન કર્યુ છે. તેનો લાભ મળી શકશે ખરો તેવા સવાલ છે.

You might also like