વરસાદી માહોલ પણ રસ્તાના ખાડા પૂરવા જેટ પેચર મશીન દેખાતાં નથી

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનના ઇજનેર વિભાગની ભ્રષ્ટ કામગીરીથી ચાલુ ચોમાસામાં પણ કરોડો રૂપિયાના રસ્તા ધોવાઇ રહ્યા છે. દરરોજ નવા નવા ભૂવા પડી રહ્યા છે. ગઇ કાલે તો વટવાનાં એક મહિલા કોર્પોરેટરના ઘરની પાસે ભૂવો પડતાં તેમના ઘરના સભ્યો હબક ખાઇ ગયા હતા. સોથી વધુ સ્થળોએ રસ્તા બેેસી ગયા છે, પરંતુ તંત્ર દ્વારા બેસેલા રસ્તાના ખાડા પૂરવા માટે જેટ પેચર મશીનને ઉપયોગમાં લેવાઇ રહ્યાં નથી.

અત્યારે તો જે તે ઝોનના ઇજનેર વિભાગના જે તે વોર્ડના આસિસ્ટન્ટ સિટી ઇજનેર અને આસિસ્ટન્ટ ઇજનેર ઇટ-રોડાંથી ભરેલાં ટ્રેક્ટર મંગાવીને રોડ પરનાં ખાડાનું પુરાણ કરી રહ્યા છે, પરંતુ આ બાવાઆદમના જમાનાની પદ્ધતિ રોડને વધુ નુકસાનકારક છે.

કોઇક કોઇક સ્થળે તંત્ર દ્વારા ખાડા પૂરવા વેટમિકસ ઉપયોગમાં લેવાઇ રહ્યું છે. જોકે શાસકો દ્વારા નવી જેટ પેચર ટેક્નોલોજીનાં ભારે ગુણગાન ગવાયાં છે. ગત ચોમાસામાં આ ટેક્નોલોજીથી ચાલુ વરસાદમાં પણ અડધો ફૂટ કે તેથી વધુ પહોળા ખાડાનું પુરાણ કરાયું હતું.

ચાલુ ચોમાસાની મોસમમાં હજુ જેટ પેચર મશીનને પૂરતા પ્રમાણમાં ઉપયોગમાં લેવાયાં નથી, જોકે આ માટે લાખો રૂપિયાનો કોન્ટ્રાક્ટ અપાઇ ગયો છે. તેમ છતાં રાબેતા મુજબ વેટમિકસ કે ઇંટ-રોડાંથી ખાડા પુરાઇ રહ્યા છે.

જેટ પેચર ટેક્નોલોજી હેઠળ અડધો ફૂટના કે તેથી વધુ પહોળા ખાડાને પહેલાં ચોરસ આકારમાં ખોદીને તેમાં ૪૦ એમએમની મેટલ પથરાય છે ત્યારબાદ ઇમર્સનનો છંટકાવ કરી મજબૂત કોલ્ડ બો‌ન્ડિંગ કરાય છે.

ડામરનો સ્પ્રે અને રેતી નખાયા બાદ ખાડાના હિસ્સા પર રોલર ફેરવી રોડને સમતળ કરાય છે, જોકે અત્યારે તો નવા પશ્ચિમ ઝોનમાં ઝાયડસ કેડિલા હોસ્પિટલ રોડ પાસેની એક જગ્યાએ જેટ પેચર મશીનને ઉપયોગમાં લેવાયું હોવાની શાસકોને જાણ છે, જોકે જાણકાર સૂત્રો કહે છે, સમગ્ર શહેરમાં આ મશીનનો ઉપયોગ સાવ નહિવત્ થઇ રહ્યો છે.

You might also like