અમદાવાદ : રાણીપમાં જીએસટી ફાટક પર અા હાલાકી હજુ ચોમાસા સુધી વેઠવી પડશે

અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં સતત વધતા જતા ટ્રાફિકના પ્રશ્નોના નિરાકરણ માટે મહત્ત્વના જંકશન પર ફલાય ઓવરબ્રિજ અને રેલવે ફાટક પર રેલવે ઓવરબ્રિજ કે અંડરપાસ બનાવાય છે. જે તે બ્રિજ કે અંડરપાસના પ્રોજેકટ પાછળ મ્યુનિસિપલ તિજોરીમાંથી કરોડો રૂપિયા ખર્ચાય છે પરંતુ નઘરોળ તંત્રને કારણે ભાગ્યે જ કોઇ બ્રિજ પ્રોજેકટ સમય પર બને છે.

તેમાં પણ નવા પશ્ચિમ ઝોનના રાણીપ વોર્ડમાં જીએસટી ફાટક પર છેક મે-ર૦૧૪થી નિર્માણાધીન રેલવે ઓવરબ્રિજ આગામી ચોમાસા પહેલાં પૂરો થાય તેમ નથી, જેના કારણે રાણીપ, વાડજ, ચાંદલોડિયા, ઘાટલોડિયાના લોકોએ હજુ પાંચ-છ મહિના હેરાન થવું પડશે.

તંત્ર દ્વારા છેલ્લાં ત્રણ વર્ષમાં શહેરમાં પાંચ બ્રિજ પ્રોજેકટને હાથ પર લેવાયા હતા, જેમાં સૌથી જૂના બ્રિજ પ્રોજેકટ રાણીપ જીએસટી ફાટક પરના રેલવે ઓવરબ્રિજનો હતો. જે ગત તા.૧૩ મે, ર૦૧૪થી અમલમાં મુકાયો હતો.

ત્યારબાદ સત્તાવાળાઓએ હાટકેશ્વર ફલાય ઓવરબ્રિજનું નિર્માણ કાર્ય ગત તા.૧૦ એપ્રિલ, ર૦૧પથી બાપુનગર દિનેશ ચેમ્બર ફલાય ઓવરબ્રિજનું નિર્માણકાર્ય ગત તા.૧૧ જુલાઇ, ર૦૧પથી ઇન્કમટેક્સ ફલાય ઓવરબ્રિજનું નિર્માણ કાર્ય ગત તા.રપ જૂન, ર૦૧૮થી અને અંજલિ ફલાય ઓવરબ્રિજનું નિર્માણકાર્ય ગત તા.૭ ઓક્ટોબર, ર૦૧૬થી હાથ ધર્યું હતું. અન્ય ચાર ફલાય ઓવરબ્રિજ પૈકી હાટકેશ્વર અને બાપુનગર ફલાય ઓવરબ્રિજની કામગીરી ગોકળગાય ગતિએ ચાલ્યા બાદ તેના ઉદ્ઘાટનના મામલે સત્તાવાળાઓ ઢીલા
પડતાં સ્થાનિક લોકોએ સ્વયંભૂ ઉદ્ઘાટન કરીને તંત્રને સ્તબ્ધ કરી દીધું હતું જ્યારે ઇન્કમટેક્સ અને અંજલિ ફલાય ઓવરબ્રિજનાે ભંગાર સર્વિસ રોડ નાગરિકોને સતત મુસીબતમાં મૂકી રહ્યાે હોવા છતાં સત્તાધીશોનાં પેટનું પાણીય હાલતું નથી.

બીજી તરફ રાણીપના જીએસટી રેલવે ફાટક પરનો રેલવે ઓવરબ્રિજ રેલવે સત્તાવાળાઓની અડોડાઇના કારણે સ્થાનિક લોકો માટે આફતરૂપ બન્યો છે. આ રેલવે ઓવરબ્રિજ રૂ.૭૮.૦૭ કરોડના ખર્ચે બની રહ્યો છે. જે આશરે ૮૮૦ મીટર લાંબો અને ૧૬ મીટર પહોળો બનશે.

પરંતુ રેલવે હદમાં બ્રિજ બનાવવાની કામગીરી રેલવે તંત્રના કારણે સતત વિલંબમાં મુકાઇ છે. મ્યુનિસિપલ કોર્પોરેશન હદ વિસ્તારમાં આ બ્રિજને સંબંધિત એપ્રોચ રોડની આટોપાઇ ગઇ છે. તેવું જણાવતા જાણકાર સૂત્રો વધુમાં કહે છે ખરેખર તો આ રેલવે ઓવરબ્રિજને પૂર્ણ કરવાની અંતિમ તારીખ ગત તા.૧પ ઓક્ટોબર ર૦૧૭ હતી પરંતુ હજુ માંડ ૮પ ટકા કામગીરી થઇ બાકીની કામગીરી પૂર્ણ કરતા હજુ પાંચથી છ મહિના લાગી શકે તેમ હોઇ આગામી ચોમાસા સુધી રાણીપ, ચાંદલોડિયા વગેરે નવા પશ્ચિમ ઝોન-પશ્ચિમ ઝોનના લોકોને ટ્રાફિક જામ સહિતની તકલીફ વેઠવી પડશે. દરમિયાન અા અંગે મ્યુનિસિપલ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પ્રવીણ પટેલે એવો દાવો કર્યો હતો કે રેલવે અોવરબ્રિજનું કામ ત્રણ મહિનામાં પૂરું કરાશે.

You might also like