રૂ.10 લાખના પ્રતિબં‌ધિત ગુટખાનો જથ્થો ઝડપાયોઃ બે શખસની ધરપકડ

અમદાવાદ: વલસાડ હાઇવે પરથી પોલીસે પ્રતિબંધિત ગુટખાનો જથ્થો ભરેલી ટ્રક ઝડપી લઇ બે શખસની ધરપકડ કરી આશરે રૂ. ૧પ લાખની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

મળતી માહિતી મુજબ આ અંગેની વિગત એવી છે કે, દારૂની હેરાફેરી રોકવા માટે વલસાડ હાઇવે પર પોલીસે રાત્રી દરમ્યાન નાકાબંધી કરી સઘન વાહન ચેકિંગ શરૂ કર્યું હતું. દરમ્યાનમાં વહેલી સવારે ગુંદલાવની ફલાહ હોટલ પાસેથી એક ટ્રક શકમંદ હાલતમાં પૂરઝડપે પસાર થતા પોલીસે ટ્રકનો પીછો કરી ઝડપી લીધી હતી.

પોલીસે શકના આધારે તાડપત્રી ખોલી ટ્રકની તલાશી લેતા આ ટ્રકમાંથી પ્રતિબંધિત ગુટખાનો રૂ.૧૦ લાખની કિંમતનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે આ અંગે ચાલક દેવરાજ પૃથ્વીરાજ ગોસાઇ અને મહેશ ગૌરીશંકર ગીરી નામના બે શખસની ધરપકડ કરી ટ્રક, ગુટખાનો જથ્થો, મોબાઇલ ફોન અને રોકડ રકમ મળી આશરે રૂ.૧પ લાખની કિંમતનો મુદ્દામાલ કબજે કરી તપાસ હાથ ધરી છે.

You might also like