ભારતી આશ્રમમાં આયોજિત ડાયરામાં વરદી પહેરેલા PSIએ નોટો વરસાવી

અમદાવાદ: શહેરના સરખેજ ગામમાં આવેલ ભારતી આશ્રમમાં સોમવારની મોડી રાતે ગાયક જિજ્ઞેશ ક‌િવરાજના લોકડાયરામાં એક પોલીસ સબઇન્સ્પેક્ટરનો રૂપિયા ઉછાળતો વી‌ડિયો વાઇરલ થતાં પોલીસ અધિકારીઓમાં ચર્ચાનો વિષય બન્યો છે. આ ડાયરામાં હજારોની સંખ્યામાં સ્થાનિકો આવ્યા હતા, જ્યાં લોકોએ રૂપિયાનો વરસાદ કર્યો હતો.

ભારતી આશ્રમમાં યોજાયેલા ડાયરામાં ભારતીબાપુ સહિત સંત-મહંતો હાજર રહ્યા હતા. સરખેજ ગામમાંથી હજારોની સંખ્યામાં લોકો આ ડાયરાની મજા માણવા માટે આવ્યા હતા. ડાયરાનો રંગ જામ્યો હતો.

ડાયરામાં બંદોબસ્ત માટે આવેલા સરખેજ પોલીસ સ્ટેશનના પીએસઆઇ પણ મોજમાં આવી જતાં તેઓ સ્ટેજ પર આવ્યા હતા અને જિજ્ઞેશ ક‌િવરાજ પર રૂપિયા ઉછાળ્યા હતા. પીએસઆઈ તે વખતે યુનિફોર્મમાં હતા. કોઈએ વીડિયો ઉતાર્યો હતો અને સોશિયલ મીડિયા પર વાઇરલ કર્યો હતો.

આ મામલે સરખેજ પોલીસ સ્ટેશનના પીઆઇ પી.આર. રામાણી ભારતી આશ્રમમાં જિજ્ઞેશ ક‌િવરાજનો ડાયરો થયો જ નથી તેવું રટણ કરી રહ્યા છે. પોલીસના ઉચ્ચ અધિકારીએ જણાવ્યું છે કે જ્યારે કોઇ પણ પોલીસ કર્મચારી વરદીમાં હોય ત્યારે આ રીતે વર્તન કરે તે ગેરકાયદે કહેવાય, તેના પર કોડ ઓફ કન્ડન્ટ પ્રમાણે ઇન્ક્વાયરી કરવામાં આવે છે. પહેલાં જે તે પોલીસ કર્મચારીનો ખુલાસો માગવામાં આવે અને ત્યારબાદ કાર્યવાહી થાય છે.

You might also like