1 ઓક્ટોબરથી GST પર TDS અને TCSની જોગવાઈ પડશે લાગુ

નવી દિલ્હી: ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) કાયદા હેઠળ ટેક્સ ડિડક્ટેડ એટ સોર્સ (ટીડીએસ) અને ટેક્સ કલેક્ટેડ એટ સોર્સ (ટીસીએસ)ની જોગવાઇઓ આગામી ૧ ઓક્ટોબરથી લાગુ પડી જશે. સરકારે આ અંગે નોટિફિકેશન જારી કરી દીધું છે.

સેન્ટ્રલ જીએસટી (સીજીએસટી) એક્ટ હેઠળ નોટિફાઇડ એન્ટિટીઝને હવે રૂ. ૨.૫ લાખ કરતા વધુના ગુડ્સ એન્ડ સર્વિસ સપ્લાય પર એક ટકો ટીડીએસ કલેક્ટ કરવો પડશે. આ સાથે રાજ્યોને પણ હવે રાજ્યના કાયદા હેઠળ એક ટકો ટીડીએસ લગાવવો પડશે.

બીજી બાજુ ઇ-કોમર્સ કંપનીઓએ પણ જીએસટી અંતર્ગત સપ્લાયર્સને કોઇ પણ પ્રકારનું પેમેન્ટ કરતી વખતે એક ટકો ટીસીએસ કલેક્ટ કરવો જરૂરી બનશે. રાજ્યો પણ સ્ટેટ જીએસટી (એસજીએસટી) હેઠળ એક ટકો ટીસીએસ વસૂલ કરી શકે છે.

ઇવાયના ટેક્સ પાર્ટનલ અભિષેક જૈને જણાવ્યું છે કે ટીસીએસ માટે ઇ-કોમર્સ કંપનીઓને અને ટીડીએસ માટે વિવિધ પીએસયુ/સરકારી કંપનીઓને ૧ ઓક્ટોબરથી આ જોગવાઇ લાગુ કરવા માટે પોતાની ઇઆરપી સિસ્ટમને સુદૃઢ કરવાની જરૂર પડશે. આ સાથે જ આટલા ઓછા સમયની અંદર ઇન્ડસ્ટ્રીને આ માટે તૈયાર કરવા ખાસ જહેમત ઉઠાવવી પડશે.

એએમઆરડી એન્ડ એસોસિયેટ પાર્ટનર રજત મોહને જણાવ્યું હતું કે સરકારે સરકારી એજન્સીઓ દ્વારા કરવામાં આવનાર પેમેન્ટ પર ટીડીએસની જોગવાઇઓ અને ઇ-કોમર્સ ઓપરેટર્સ માટે ટીસીએસ જોગવાઇઓને નોટિફાઇ કરી દીધી છે, જે ૧ ઓક્ટોબર, ૨૦૧૮થી અમલી થઇ જશે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ બંને જોગવાઇઓથી અર્થતંત્રમાં ફરીથી ટેક્સ અધિકારીઓની પહોંચ વધશે અને તેનાથી ડાયરેક્ટ ટેક્સ સાથે ઇનડાયરેક્ટ ટેક્સની ચોરી પણ ઘટશે.

You might also like