સરકારી વકીલે માતા-પિતા અને બહેન સાથે મળી પત્ની-સાળા પર હુમલો કર્યો

શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલ સરકારી વસાહતમાં સરકારી વકીલે તેની પત્ની અને સાળા પર હુમલો કરતાં મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે. પરિણીતાએ પતિ તેમજ જજ તરીકે ફરજ બજાવતા સસરા સહિત ચાર લોકો વિરુદ્ધમાં ફરિયાદ કરી છે.

વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલ સરકારી વસાહતમાં રહેતી ૩૩ વર્ષિય શીતલ ચાવડાએ તેના પતિ સહિત સાસરિયાં વિરુદ્ધમાં વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે. ફરિયાદમાં કરેલા આક્ષેપ પ્રમાણે શીતલનું પિયર જીવરાજપાર્ક વિસ્તારમાં આવેલું છે અને ૬ મહિના પહેલા તેનાં લગ્ન સરકારી વસાહતમાં રહેતા પ્રશાંત ચાવડા સાથે થયાં હતાં.

પ્રશાંત ચાવડા વડોદરામાં સરકારી વકીલ છે ત્યારે શીતલના સસરા વિનોદભાઇ ચાવડા જજ છે, તેમજ નણંદ અને દિયર પણ વકીલ તરીકે પ્રેક્ટિસ કરે છે. લગ્ન બાદ શીતલ અને પ્રશાંત ચાવડા વડોદરા સેન્ટ્રલ જેલ ખાતે આવેલ સરકારી મકાનમાં રહેતાં હતાં અને શનિવાર તેમજ રવિવાર વસ્ત્રાપુર પરિવાર સાથે રહેવા આવતાં હતાં. લગ્નના એકાદ મહિના પછી કોઇપણ કારણોસર પ્રશાંત ચાવડાએ પત્ની શીતલ સાથે મારઝૂડ કરવાનું શરૂ કરી દીધું હતું અને નાની નાની વાતોમં ગાળાગાળી કરવા લાગ્યો હતો.

ત્યારબાદ સસરા, સાસુ અને નણંદ પણ માનસિક ટોર્ચર કરવાનું શરૂ કરી દીધું હતું. શીતલ જ્યારે પિયર જવાની વાત કરતી હતી ત્યારે સાસુ,સસરા અને નણંદ તેને ગાળો બોલીને માનસિક ત્રાસ આપતાં હતાં. પ્રશાંત કોઇપણ કારણોસર શીતલને મારતો હતો તે વડોદરાના ગુંડા લોકોને ઓળખે છે તેઓની પાસે જાનથી મરાવી નાખીશ તેવી ધમકી પણ આપતા હતા.

શીતલને તાવ આવતો હોવાથી ગઇ કાલે તેનો ભાઇ પ્રતીક અને માતા લેવા માટે સરકારી વસાહતમાં આવ્યાં હતાં જ્યાં પતિ તેમજ સસરા, સાસુ અને નણંદે તેમની પર હુમલો કરી દીધો હતો. શીતલ તેમજ પ્રતીકને પતિ સહિત તમામે માર માર્યો હતો. આ ઘટનામાં શીતલે પ્રશાંત, સસરા વિનોદભાઇ તેમજ સાસુ હંસાબહેન અને નણંદ તન્વી વિરુદ્ધમાં વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી પોલીસે આ મામલે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે.

You might also like