અનામત પ્લોટના બોર્ડ મૂકવા માટે કોર્પોરેટર પાસે દરખાસ્ત કરાવવી પડી

અમદાવાદ: કોર્પોરેશનમાં છેલ્લા દાયકાથી વધુ સમયથી સત્તાના સૂત્રો સંભાળનાર ભાજપની હાલમાં આશ્ચર્યજનક રીતે વહીવટી તંત્ર ઉપર ધાક રહી નથી. વર્તમાન ભાજપની ટીમ અધિકારીઓ પાસેથી પરિણામલક્ષી આઉટપુટ મેળવી શકતા નથી. ચૂંટાયેેલી પાંખ અને વહીવટી તંત્ર વચ્ચે ખાઇ વધતી જાય છે. કોર્પોરેશનના અનામત પ્લોટની માહિતી દર્શાવતાં બોર્ડ મૂકવા માટે શાસકોને સ્વપક્ષના કોર્પોરેટર પાસે દરખાસ્ત કરાવવાની ફરજ પડતાં આ બાબતે ફરીથી જોરશોરથી ચર્ચા ઊઠવા પામી છે. મ્યુનિ. કોર્પોરેશનના નઘરોળ તંત્રને કારણે છાશવારે એક અથવા બીજા પ્રકારનાં કૌભાંડ પ્રકાશમાં આવે છે. તાજેતરમાં ઇસનપુરમાં તંત્રની માલિકીની જગ્યા પર ગેરકાયદે શેડ બાંધીને લેભાગુ તત્ત્વોએ એક સરકારી બેન્કમાંથી લાખો રૂપિયાની લોન પણ મેળવી હતી. આ કૌભાંડનો પર્દાફાશ ખુદ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પ્રવીણ પટેલે કર્યો હતો.

અત્યારે તો સમગ્ર મામલે ભીનું સંકેલાઇ ગયું છે, પરંતુ કોર્પોરેશનના કબજા હેઠળના અનેક પ્લોટમાં કોઇ પણ પ્રકારની તંત્રની માલિકી હક ધરાવતાં બોર્ડ મુકાતાં નથી. પરિણામે લાખો રૂપિયાની કિંમતના પ્લોટમાં ગેરકાયદે બાંધકામ ઊભાં થઇ જાય છે. સ્ટેન્ડિંગ કમિટીના સભ્ય ગૌતમ કથીરિયાએ આ અંગે રજૂઆત કરી હતી. તેમ છતાં તંત્ર નિષ્ક્રિય રહેતાં અકળાયેલા શાસકોએ છેલ્લે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં ગૌતમ કથીરિયા પાસે આવા બોર્ડ મૂકવા અંગે તાકીદની દરખાસ્ત મૂકી હતી. જેમાં અનામત પ્લોટની જાળવણી અંગે મોનિટરિંગ સેલનું ગઠન કરવાની પણ તંત્રને સૂચના અપાઇ છે.

You might also like