ઓપરેશન ગ્રીનને મંજૂરીઃ બટાકા, ડુંગળી, ટામેટાંના ભાવ આખું વર્ષ એકસરખા રહેશે

નવી દિલ્હી: કેન્દ્ર સરકારે સામાન્ય ચૂંટણીઓ પૂર્વે ખેડૂતો માટે ઓપરેશન ગ્રીન યોજનાને મંજૂરી આપી દીધી છે. તેનાથી ખેતીની દશા અને દિશા સુધારવામાં મદદ મળી રહેશે. સરકાર ઓપરેશન ગ્રીન હેઠળ એવા ઉપાય કરવા જઇ રહી છે, જેના કારણે બટાકા અને ટામેટાના ભાવ આખું વર્ષ એકસરખા રહેશે.

આ અંગે કેન્દ્રીય પ્રધાન હરસિમરત કૌર બાદલના નેતૃત્વમાં યોજાયેલ ખાદ્ય પ્રસંસ્કરણ ઉદ્યોગ મંત્રાલયની બેઠકમાં આ યોજનાને મંજૂરી આપવામાં આવી છે.

સરકારે બજેટ-૨૦૧૮-૧૯માં ઓપરેશન ગ્રીનનો ઉલ્લેખ કર્યો હતો. આ દરમિયાન જણાવાયું હતું કે રૂ. ૫૦૦ કરોડના ખર્ચે તેનું નિર્માણ કરવામાં આવશે. ઓપરેશન ગ્રીન બે તબક્કામાં અમલી બનાવવામાં આવશે. પ્રથમ તબક્કામાં બટાકા, ડુંગળી અને ટામેટાના ભાવ સમગ્ર વર્ષ દરમિયાન એકસરખા રાખવાની જવાબદારી નાફેડને આપવામાં આવશે.

આ એક શોર્ટ ટર્મ પ્રોસેસ હશે, જેમાં નાફેડ આ પાકના ઉત્પાદન, પરિવહન અને સંગ્રહ માટે કામ કરશે. આ માટે સરકારના ફૂડ પ્રોસેસિંગ મંત્રાલય દ્વારા ૫૦ ટકા સબસિડી આપવામાં આવશે, જોકે આ માટે યોજના રૂ. ૫૦ કરોડથી વધુ હોવી જરૂરી છે.

સરકાર બીજા તબક્કામાં લોંગ ટર્મ માટે ડુંગળી-ટામેટાના ભાવ એકસરખા રાખવાની યોજના પર કામ કરી રહી છે. તેમાં કિસાન ઉત્પાદક સંગઠન (એફપીઓ) અને તેના કેન્દ્રોની ક્ષમતા વધારવામાં આવશે. આ યોજનાનો હેતુ ખેડૂતોની આવક વધારવાનો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે સરકારે ૨૦૨૨ સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાન જાહેરાત કરી હતી. આ યોજના હેઠળ ૨૨ હજાર કૃષિ બજારોનું નિર્માણ કરવામાં આવશે. આ બજારોના નિર્માણથી ખેડૂતોની બજાર સુધી પહોંચ વધુ સરળ બનશે. આ માટે ૪૭૦ ઓનલાઇન કૃષિ સેવા કેન્દ્રો ખોલવામાં આવશે.

You might also like