પાકિસ્તાન આર્થિક રીતે બરબાદઃ ટામેટાંનો ભાવ પ્રતિ કિલો રૂ.ર૦૦

(એજન્સી) ઇસ્લામાબાદ: પુલવામા આતંકી હુમલા બાદ ભારતના લોકો પાકિસ્તાન સામે બદલો લઇને પાઠ ભણાવવાની ઉગ્ર માગણી કરી રહ્યા છે, પરંતુ મોદી સરકારે પાકિસ્તાન પર એવો ઘા કર્યો છે કે જેનાથી આર્થિક રીતે તેની કમર તૂટી ગઇ છે. પુલવામા હુમલા બાદ મોદી સરકારે પાકિસ્તાનનો સૌ પહેલાં મોસ્ટ ફેવર્ડ નેશનનો દરજ્જો છીનવી લીધો હતો અને ત્યાર બાદ પાક.થી આયાત થતા માલસામાન પર ર૦૦ ટકા ડયૂટી ઝીંકતાં પાકિસ્તાન આર્થિક બરબાદીના આરે આવીને ઊભું રહી ગયું છે.

અટારી-વાઘા બોર્ડરથી દરરોજ ૩૦૦ ટ્રક ટામેટાં પાકિસ્તાનમાં મોકલવામાં આવતા હતા, પરંતુ હવે નિકાસ બંધ થવાથી પાકિસ્તાનમાં રૂ.ર૦ના કિલોવાળા ટામેટાં હવે રૂ.ર૦૦માં વેચાઇ રહ્યાં છે. બટાકાનો ભાવ પણ કિલોએ રૂ.૧૦થી વધીને રૂ.૩૦થી ૩પ થઇ ગયો છે. દૂધી અને ટીંડોળાના ભાવ પ્રતિ કિલો રૂ.૧૦૦ને વટાવી ગયા છે. ભીંડાનો ભાવ પ્રતિ કિલો રૂ.ર૦૦ને આંબી ગયો છે અને રૂ.૩પની કિલો વેચાતી ખાંડ રૂ.૭૦ પર પહોંચી ગઇ છે.

પાકિસ્તાનથી આયાત થતી તમામ ચીજવસ્તુઓના ઓર્ડર ભારતીય વેપારીઓએ કેન્સલ કરી દેતાં સામાનથી ભરેલી ૩પ૦ ટ્રકો વાઘા બોર્ડર પર અટકાવી દેવામાં આવી છે. પાકિસ્તાનથી ભારત આવતો અબજો રૂપિયાનો સિમેન્ટ પણ પાકિસ્તાનમાં જ પડી રહ્યો છે અને આમ પાકિસ્તાનને રોજનું રૂ.૮૦ કરોડનું નુકસાન થઇ રહ્યું છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીના એક જ કડક પગલાંથી પાકિસ્તાનની આર્થિક કમર તૂટી ગઇ છે. ર૦૧૭-૧૮ના આંકડા અનુસાર ભારત-પાકિસ્તાન વચ્ચે ૧પ,પ૪૭ કરોડનો બિઝનેસ થતો હતો. જેમાં ભારતનો હિસ્સો ૮૦ ટકા અને પાક.નો ર૦ ટકા હતો, પરંતુ હવે બિઝનેસ બંધ થવાથી પાકિસ્તાનને જંગી નુકસાન થઇ રહ્યું છે.

You might also like