સીએનજી-વીજળી અને યુરિયાની કિંમતમાં ઓક્ટોબરથી વધારો થશે

નવી દિલ્હી: સામાન્ય લોકોને મોંઘવારીમાંથી રાહત મળવાની હાલ તુરત કોઇ આશા નજરે પડતી નથી. કેન્દ્ર સરકાર ઓક્ટોબરથી નેચરલ ગેસ, રાંધણ ગેસ અને સીએનજી, વીજળી અને યુરિયાના ભાવમાં વધારો કરનાર છે. સરકાર ઓક્ટોબરથી ડોમેસ્ટિક નેચરલ ગેસના ભાવમાં ૧૪ ટકા વધારો ઝીંકી શકે છે.

આ નિર્ણયના પગલે દેશમાં સીએનજી મોંઘો થઇ જશે અને સાથેસાથે વીજળી અને યુરિયા ઉત્પાદનનો ખર્ચ પણ વધી જશે. માહિતગાર સૂત્રોના જણાવ્યા પ્રમાણે ઓક્ટોબરથી નેચરલ ગેસની કિંમત પ્રતિ મિલિયન બ્રિટિશ થર્મલ યુનિટ (એમએમબીટીયુ) ૩.૫ ડોલર થવાનું અનુમાન છે, જે હાલ ૩.૦૬ ડોલર છે.

અમેરિકા, રશિયા અને કેનેડા જેવા ગેસ સરપ્લસ ધરાવતા દેશોના એવરેજ રેટના આધારે નેચરલ ગેસની કિંમત દર છ મહિને નક્કી કરવામાં આવે છે. આ કિંમતની જાહેરાત ૨૮ સપ્ટેમ્બરના રોજ થનાર છે.

આથી કિંમત વધારાના પગલે ૧ ઓક્ટોબરથી નેચરલ ગેસની કિંમત છ મહિના માટે પ્રતિ એમએમબીટીયુ ૩.૫૦ થવાનું અનુમાન છે, જે ઓક્ટોબર ૨૦૧૫ અને માર્ચ ૨૦૧૬ બાદ સર્વાધિક સ્તરે હશે.

કિંમતમાં વધારાનો લાભ ઓએનજીસી, રિલાયન્સ ઇન્ડસ્ટ્રી જેવી ગેસ ઉત્પાદક કંપનીઓને મળશે. તેના પગલે સીએનજીના પણ ભાવ વધશે, કેમ કે સીએનજીમાં નેચરલ ગેસનો ઇનપુટ તરીકે ઉપયોગ થાય છે. નેચરલ ગેસના ભાવવધારાના કારણે દેશમાં યુરિયા અને વીજળી ઉત્પાદનનો ખર્ચ પણ વધી જશે.

એટલું જ નહીં પેટ્રો કેમિકલ્સના ઉત્પાદનોની કિંમતમાં પણ વધારો થશે. સરકારે ડોમેસ્ટિક સેક્ટરમાં ઉત્પાદિત નેચરલ ગેસની કિંમત નિર્ધારિત કરવા માટે એક નવી ફોર્મ્યુલાને મંજૂરી આપી પણ દીધી છે. ફર્ટિલાઇઝર અને વીજળી કંપનીઓ લિક્વિફાઇડ નેચરલ ગેસ ઇમ્પોર્ટ કરે છે.

You might also like