પોસ્ટ ઓફિસના 15 લાખ રૂપિયા પોસ્ટ માસ્તરે જ ઘર ભેગા કરી દીધા

જુહાપુરામાં આવેલ પોસ્ટ ઓફિસના પોસ્ટર માસ્તર દ્વારા ખાતેદારોએ જમા કરાવેલા રૂપિયાની બારોબાર ઉચાપત થઇ ગઈ હોવાનો કિસ્સો સામે આવતાં પોલીસ ફરિયાદ થઇ છે. પોસ્ટ ઓફિસના પોસ્ટ માસ્તરે ૧પ લાખ રૂપિયા પોસ્ટ ઓફિસમાં જમા કરાવવાની જગ્યાએ પોતાના અંગત ફાયદા માટે ઉપયોગમાં લીધા હતા. સમગ્ર મામલો પોસ્ટ વિભાગના ઉચ્ચ અધિકારીઓ રેકોર્ડ તપાસમાં ગયા ત્યારે રૂપિયાની ઉચાપત થઇ હોવાનો ભાંડો ફૂટ્યો હતો.

સુભાષબ્રિજ વિસ્તારમાં આવેલ નીલકંઠવર્ણી સોસાયટીમાં રહેતા અને પાલડીમાં આવેલ પોસ્ટ ઓફિસમાં આસિસ્ટન્ટ સુપરિન્ટેન્ડેન્ટ ઓફ પોસ્ટ ઓફિસર તરીકે ફરજ બજાવતા રવીન્દ્ર પરમારે વેજલપુર પોલીસ સ્ટેશનમાં મોહંમદ શોએબ સૈયદ વિરુદ્ધમાં ઉચાપતની ફરિયાદ કરી છે. ફરિયાદમાં કરાયેલા આક્ષેપ પ્રમાણે જુહાપુરામાં આવેલ પોસ્ટ ઓફિસમાં પોસ્ટર માસ્તર તરીકે ફરજ બજાવતા મોહંમદ શોએબ સૈયદએ ૧પ લાખ રૂપિયા પોસ્ટમાં જમા નહીં કરાવતાં અને પોતાના અંગત ફાયદા માટે તેનો ઉપયોગ કરતાં ફરિયાદ થઇ છે.

તારીખ ર૦ માર્ચના રોજ ઇન્કમટેક્સ ચાર રસ્તા પાસે આવેલ સિટી ડિવિઝન પોસ્ટ ઓફિસના ઈન્સ્પેક્ટર નીતિન શેન્દ્રે અને સહકર્મચારી અર્પિત પટેલ આવેલી પોસ્ટ ઓફિસમાં રોકડ સિલકની તપાસ માટે ગયા હતા. પોસ્ટ ઓફિસમાં કમ્પ્યૂટરમાં રેકોર્ડ ચેક કરતાં રૂપિયા ર૬,૦પ,૧૪૭,૩૪ બતાવતા હતા. ત્યારબાદ મોહંમદ શોએબ સૈયદની તિજોરીમાં મૂકેલ રૂપિયાની તપાસ કરતાં ૧પ,ર૧,૩૯૯ ઓછા જણાઇ આવ્યા હતા. રૂપિયા ઓછા હોવાથી પોસ્ટ ડિપાર્ટમેન્ટના કર્મચારીએ મોહંમદ શોએબ સૈયદને બાકી રૂપિયા વિષે પૂછતાં આ રૂપિયા અંગત કામથી ઉપયોગમાં લીધા હોવાનું જણાવ્યું હતું.

પોસ્ટ ઓફિસના આસિસ્ટન્ટ સુપરિન્ટેન્ડેન્ટ અને સિટી ડિવિઝન પોસ્ટ ઓફિસના ઈન્સ્પેક્ટર મોહંમદ શોએબ સૈયદને બાકી રૂપિયા ગમે ત્યાંથી સગવડ કરી તાત્કાલિક ભરી દેવા જણાવ્યું હતું. મોહંમદ શોએબ સૈયદે તાત્કાલિક ૮ લાખ રૂપિયા ભરી દીધા હતા અને બાકીના રૂપિયા પણ બે દિવસમાં ભરી દીધા હતા. હાલ પોસ્ટર માસ્તર તરીકે અન્ય વ્યક્તિની નિમણૂક કરી દીધી છે.
મોહંમદ શોએબ સૈયદે રૂપિયા પોસ્ટ વિભાગમાં જમા કરાવવાની જગ્યાએ તેનો પોતાના અંગત કામ માટે ઉપયોગ કર્યાે હતાે. રૂપિયા જમા નહીં થતાં પોસ્ટ વિભાગના ઉચ્ચ અધિકારીઓએ તપાસ શરૂ કરી હતી, જેમાં જાણવા મળ્યું હતું કે મોહંમદ શોએબ સૈયદે ૧પ લાખ રૂપિયાની ઉચાપત કરી છે.
પોસ્ટ વિભાગના ઉચ્ચ અધિકારીઓની સૂચનાથી ગઇ કાલે અમરાઇવાડી પોલીસ સ્ટેશનમાં મોહંમદ શોએબ સૈયદ સામે ઉચાપતની ફરિયાદ કરી છે. પોલીસે આ મામલે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે.

You might also like