ખાનગી રોકાણ વધારવા ટેક્સમાં રાહત અપાય તેવી શક્યતા

નવી દિલ્હી: દેશમાં ખાનગી સેક્ટર દ્વારા રોકાણ વધારવા માટે સરકાર સામાન્ય બજેટમાં રાહત આપે તેવી શક્યતા છે. દેશમાં આગામી દિવસોમાં આઠ રાજ્યની ચૂંટણી આવી રહી છે. આ સ્થિતિમાં સરકાર માટે દેશનો આર્થિક વિકાસ તથા રોજગારીની તકો વધે તે ખૂબ જ જરૂરી બની ગયું છે.

સરકારે ૨૦૧૪માં સત્તામાં આવ્યા બાદ રસ્તા, રેલવે માર્ગ અને સિંચાઇ યોજના પાછળ મોટા પ્રમાણમાં ખર્ચ કર્યો હતો, જેની પાછળનો મુખ્ય ઉદ્દેશ દેશનો આર્થિક વિકાસ વધે તથા રોજગારીની તકોમાં ઉમેરો થાય તે હતો, પરંતુ સરકારનો આ ઉપાય કારગત સાબિત થયો નથી.

દેશમાં રોજગારીની તકો વધે તે માટે મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં ખાનગી રોકાણમાં વધારો કરવાની જરૂરિયાત સમજતાં નાણાં વિભાગ અને પીએમઓ કેટલાક વિકલ્પ પર ફોકસ વધારી રહ્યાં છે. સૂત્રો પાસેથી પ્રાપ્ત થતી માહિતી મુજબ સરકાર દ્વારા પ્લાન્ટ અને મશીનરીમાં નવું રોકાણ કરનારાને ટેક્સમાં રાહત મળે તેવી શક્યતા ગંભીરતાથી ચકાસાઈ રહ્યું છે.

નોંધનીય છે કે વર્ષ ૨૦૧૩માં પણ ખાનગી રોકાણમાં વધારો થાય તેવા ઉદ્દેશથી બે વર્ષ માટે પ્લાન્ટ અને મશીનરીમાં ૧૦૦ કરોડથી વધુ રોકાણ કરનારાને ટેક્સમાં રાહતની ઓફર કરવામાં આવી હતી. સરકાર બે વર્ષની જગ્યાએ આ રાહતનો સમયગાળો ત્રણ વર્ષનો કરવાની શક્યતા પર વિચારણા કરી રહી છે. એટલું જ નહીં ગ્રામીણ વિસ્તારનો વિકાસ થાય તે માટે સરકાર વિવિધ પગલાં લઇ શકે છે.

You might also like